Editorial

પ્રિગોઝીન અંગેનું રહસ્ય વધુ ઘેરું બને છે

રશિયાએ ગયા વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં યુક્રેન પર આક્રમણ કર્યું તેને એક વર્ષ કરતા વધારે સમય થઇ ગયો છે અને યુદ્ધ હજી ચાલુ જ છે ત્યારે ગયા મહિનાની ૨૪મી તારીખે રશિયામાં એક અણધારી ઘટના બની. જો કે આ ઘટના બને તેવા સંજોગો છેલ્લા કેટલાક સમયથી સર્જાઇ જ રહ્યા હતા પરંતુ શેષ વિશ્વને તેની બહુ માહિતી ન હતી. રશિયામાં યેવજેની પ્રિગોઝીનની આગેવાની હેઠળ તેમના ખાનગી લશ્કર વેગનર આર્મીએ બળવો કર્યો.

જો કે આ બળવો ખૂબ ટૂંકો રહ્યો. જૂન મહિનાની ૨૪ તારીખે વેગનર આર્મીના સ્થાપક અને વડા એવા પ્રિગોઝીને રશિયન લશ્કર અને શાસન સામે બળવો કર્યો તેના પછી બેલારૂસના પ્રમુખ એલેકઝાન્ડર લુકાશેન્કોએ આ બળવાનો અંત લાવવા માટે એક રશિયન સરકાર અને પ્રિગોઝિન વચ્ચે કરાવી હતી જે મુજબ પ્રિગોઝીન અને તેના સૈનિકો માટે માફી સુરક્ષાની ખાતરી તથા પ્રિગોઝીનને બેલારૂસ જતા રહેવાની પરવાનગીનો સમાવેશ થતો હતો. જો કે, આ સંધિની થોડી જ વિગતો બહાર આવી શકી હતી અને વેગનર આર્મીના વડા અને તેમનું લશ્કર ક્યાં છે અને તેમની સાથે શું થશે તે બાબતે અચોક્કસતાઓ જ પ્રવર્તતી રહી છે.

ગયા સપ્તાહે બેલારૂસના પ્રમુખે એમ કહ્યું હતું કે પ્રિગોઝીન બેલારૂસમાં છે, આના પછી તેમણે આંતરરાષ્ટ્રીય પત્રકારોને એવું જણાવ્યું હતું કે રશિયન ભાડૂતી સૈનિકોના લશ્કરના આ વડા સેન્ટ પિટસબર્ગમાં છે અને તેમના સૈનિકો હજી તેમની છાવણીઓમાં છે. તેમણે આ છાવણીઓનું સ્થળ જણાવ્યું ન હતું પરંતુ પ્રિગોઝીનના ખાનગી લશ્કરના સૈનિકો બળવા પહેલા પૂર્વ યુક્રેનમાં રશિયન સૈનિકોની સાથે રહીને લડ્યા હતા. ટૂંકા બળવા દરમ્યાન આ સૈનિકો ઝડપથી દક્ષિણ રશિયામાં પ્રવેશ્યા હતા અને રોસ્તોવ ઓન ડોન સીટીમાંનું લશ્કરી મથક કબજે કર્યું હતું, પછી રશિયાની રાજધાની તરફ આગળ વધ્યા હતા. જો કે બેલારૂસની દરમ્યાનગીરી પછી તેમણે આગેકૂચ અટકાવી દીધી હતી.

બેલારૂસના પ્રમુખે પ્રિગોઝિન રશિયામાં હોવાની વાત કરી તે પછી પ્રિગોઝિન અંગે અને બળવા પછીની સ્થિતિ અંગેનું રહસ્ય વધુ ઘેરું બન્યું. બેલારૂસના પ્રમુખના દાવાની સત્યતાની સ્વતંત્રપણે ચકાસણી કરી શકાઇ નથી પરંતુ રશિયન મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે પ્રિગોઝીન તાજેતરમાં સેન્ટ પિટ્સબર્ગમાં તેની કચેરીમાં દેખાયો હતો. હવે આના પછી ક્રેમલિનની વ્યુહરચના અંગે જાત જાતની અટકળો શરૂ થઇ છે. એવી ધારણા છે કે સંધિમાં પ્રિગોઝીનને રશિયામાં થોડો સમય રોકાવા છૂટ અપાઇ છે.

એમ માનવામાં આવે છે કે રશિયા માને છે કે પ્રિગોઝીન તરફથી ખતરો હજી પુરે પુરો ટળ્યો નથી અને તેને વફાદાર સૈનિકોનું શું કરવું તે અંગે ક્રેમલિન સાવધાનીપૂર્વક આગળ વધે છે. પ્રમુખ પુટિને અગાઉ કહ્યું હતું કે વેગનર આર્મીના સૈનિકો રશિયન લશ્કરમાં જોડાઇ શકે છે, નિવૃત થઇ શકે છે કે પછી બેલારૂસ જવું હોય તો ત્યાં જઇ શકે છે. પ્રિગોઝીનને પુટિન મરાવી નાખશે એવી અટકળો અંગે બેલારૂસના નેતાએ કહ્યું હતું કે રશિયન પ્રમુખ એટલા ઝેરી નથી, પ્રિગોઝીનને મારી નાખવામાં નહીં આવે. બેલારૂસના પ્રમુખ આવું જો ભારપૂર્વક કહી શકતા હોય તો રશિયન રાજકારણમાં તેમની દખલગીરી વધારે પડતી છે એમ પણ કહી શકાય. બળવો શમી ગયા પછી સેન્ટ પિટસબર્ગમાં પ્રિગોઝીનના મહેલ જેવા નિવાસસ્થાન પર દરોડો પાડવામાં આવ્યો હતો તેવા અહેવાલ અને તસવીરો પણ બહાર આવ્યા.

એમ કહેવાય છે કે રશિયન પોલીસે પાડેલા દરોડામાં પ્રિગોઝીનના મહેલમાંથી મોટા પ્રમાણમાં શસ્ત્રો, દારૂગોળો અને રોકડ રકમ તો મળી જ આવ્યા હતા પરંતુ વિવિધ રંગની અને વિવિધ સ્ટાઇલની માથાના વાળની વિગો, એક મસાલા ભરેલો મરેલો મગર પણ મળી આવ્યા હતા. એક ફ્રેમ ફોટો મળ્યો હતો જેમાં પ્રિગોઝીનના કેટલાક દુશ્મનોના કાપેલા માથા જોઇ શકાય છે. એમ માનવામાં આવે છે કે માથે પહેરવાની આ વિગ્સ રશિયન સત્તાવાળાઓને છેતરવા માટે પહેરવા માટે પ્રિગોઝીને એકઠી કરી હતી. દરોડામાં સોનાની લગડીઓ પણ મળી આવી હોવાનું જાણવા મળે છે. આ બધી બાબતો પ્રિગોઝીનને એક રહસ્યમય વ્યક્તિ તરીકે સાબિત કરવા પુરતી છે અને વળી તે ઘણા સમયથી બળવો કરવાનું આયોજન કરતો હતો તેવી અટકળો પણ આના પરથી થઇ શકે.

રશિયન પ્રમુખ પુટિનની પોતાના વિરોધીઓ સાથે અત્યંત કડક હાથે કામ લેવાની ટેવ છે તે જોતા પ્રિગોઝીનને શા માટે માફી આપવામાં આવી તે બાબત રહસ્યો સર્જે છે. પ્રિગોઝીનને ફસાવીને મારી નાખવામાં આવશે એવી અટકળો પણ હતી ત્યાં એવા અહેવાલ આવ્યા કે બળવાના પાંચ દિવસ પછી પુટિને પ્રિગોઝીન સાથે બેઠક યોજી હતી. આ સમાચારથી રહસ્ય વધુ ઘેરાયું છે. અમેરિકન ગુપ્તચર તંત્રના એક ભૂતપૂર્વ જાસૂસે એવી અટકળ રજૂ કરી છે કે રશિયન સરકારમાં પણ પ્રિગોઝીનના ટેકેદારો ઘણા હોઇ શકે છે અને તેથી પુટિન તેની હત્યા જેવા આકરા પગલા લેવાનું ટાળી રહ્યા છે. આ બધી અટકળો છે, અને અર્ધપારદર્શી એવા રશિયામાંથી બધી વિગતો સ્પષ્ટપણે બહાર આવે તે શક્ય નથી ત્યારે હવે શું થાય છે તે જ જોવાનું રહે છે.

Most Popular

To Top