Dakshin Gujarat

શેખપુરમાં અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો

PALSANA : કામરેજના ( KAMREJ ) શેખપુરમાં અજાણ્યા ઈસમની કરાયેલી હત્યાનો જિલ્લા એલસીબી (LCB) એ ભેદ ઉકેલી આરોપીની અટક કરી છે. ઓલપાડના સાયણ ખાતે દેહવ્યાપાર કરતાં શખ્સે ગત 9 માર્ચના રોજ શેખપુર ગામેથી મળી આવેલા અજાણ્યા યુવાનની હત્યા કરી હતી. મૃતક યુવાન અવારનવાર દેહવ્યાપાર કરાવતા શખ્સ પાસેથી પૈસાની માંગણી કરતો હોવાથી ત્રાસી ગયેલા શખ્સે યુવાનની હત્યા કરી પુરાવા નાશ કરવાની કોશિશ કરી હતી.


ગત 9 માર્ચના રોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના શેખપુર ગામની સીમમાં નહેરની બાજુમાં આવેલા રસ્તા ઉપરથી તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાયેલા અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પુરાવા નાશ કરવા મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ દરમિયાન સુરત જિલ્લા એલસીબી પોલીસના પી.આઈ. બી.કે.ખાચરે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસ સ્ટાફના માણસો હે.કો હરશૂરભાઈ તેમજ, પો.કો વિક્રમભાઈને બાતમી મળી હતી કે, શેખપુર ગામે જે અજાણ્યા યુવાનની હત્યા કરવામાં આવી હતી તે યુવાન સૌરાષ્ટ્રના સોમનાથના વેરાવળના હદમળિયા ગામનો વિજયભાઇ હિમ્મતભાઈ દેસાણી છે. અને જેની હત્યા સાયણ ગામે મહાદેવધામ સોસાયટીમાં રહેતા ભરતભાઇ લવજીભાઈ કુકડિયાએ કરી હતી. જે હકીકતને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરતને એલસીબી કચેરી ખાતે લાવી પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી.

ભરત કુકડિયા સાયણ ગામે પોતાના મકાનમાં બિનઅધિકૃત રીતે દેહવ્યાપારનો ધંધો કરાવતો હતો. જ્યાં બે વર્ષ અગાઉ એક યુવતી દેહવ્યાપાર કરવા માટે આવી હતી. જેને વિજય દેસાણી ઓળખતો હોય જે પોતે પત્રકાર હોવાનું જણાવી યુવતી પાસે અવરનવાર રૂપિયા લેતો હતો. જેમાં યુવતી અને વિજય વચ્ચે ઝઘડો થતાં યુવતી વતન જતી રહી હતી. જો કે, વિજય ભરત કુકડિયા પાસે પત્રકાર હોવાની ઓળખ આપી અવારનવાર રૂપિયાની માંગણી કરતો હતો. જ્યારે વિજય વતનમાંથી આવે ત્યારે 10થી 15 હજાર રૂપિયા લઈ જતો હતો. જેનાથી ત્રાસી ભરતે વિજયની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.


ગત 8 માર્ચના રોજ વિજયે ભરતને ફોન કરી જણાવ્યું હતું કે, હું સુરત આવી રહ્યો છું. પોતાના કમિશનની રકમ લેવા સાયણ આવું છું. જેથી ભરતે તેની હત્યા કરવાનું ષડયંત્ર રચી નાંખ્યું હતું. અગાઉથી મોટા છરા, ચપ્પુ તેમજ ડીઝલના કેરબા અને ઘેનની ગોળી લાવી રાખી હતી. વિજય સાયણ આવતાં ઠંડાં પીણાંમાં ઘેનની ગોળી ભેળવીને પીવડાવી દીધી હતી. ત્યારબાદ તેના ઉપર છરા ચપ્પુ વડે તૂટી પડ્યા હતા. અને તેની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ વિજયનો મૃતદેહ એક કારમાં મૂકી શેખપુર ગામે લઈ જઈ તેના ઉપર ડીઝલ નાંખી મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો હતો. આ ગુનામાં ભરતે કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરોની મદદ લીધી હોવાથી પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા.

યુવાનની હત્યા બાદ બેડ અને ગાદલાં સળગાવી દીધાં

વિજય દેસાણીની હત્યા ભરત કુકડિયાએ તેના રૂમમાં જ કરી હતી. હત્યા બાદ પુરાવા નાશ કરવા માટે રૂમમાં કલર કરાવી નાંખ્યો હતો અને જે બેડ અને સેટી ઉપર લોહીના છાંટા ઊડ્યા હતા તે બેડ અને સેટી તેમજ ગાદલાં તેણે સળગાવી દીધાં હતાં. આ ઉપરાંત હથિયારો પણ અવાવરુ જગ્યાએ નહેરનાં પાણીમાં ફેંકી દીધાં હતાં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top