Editorial

અણુ શસ્ત્ર નાબૂદીની ચળવળને સતત પ્રોત્સાહન જરૂરી છે

છેલ્લા કેટલાક દિવસથી વિવિધ ક્ષેત્રો માટેના નોબેલ ઇનામોની જાહેરાત થઇ રહી છે. જેની સૌથી વધારે આતુરતાથી રાહ જોવાય છે તે શાંતિ માટેના નોબેલ પ્રાઇઝની પણ છેવટે  શુક્રવારે જાહેરાત કરી દેવામાં આવી છે અને આ વખતનું શાંતિનું નોબેલ ઇનામ  નિહોન હિડાન્ક્યોને ફાળે ગયું છે, જે હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અમેરિકાના બોમ્બમારામાં  બચી ગયેલા લોકોનું બનેલું એક જાપાનીઝ સંગઠન છે અને અણુ શસ્ત્રો સામે ચળવળ ચલાવે છે. શાંતિ માટેનું આ વર્ષનું નોબેલ પારિતોષિક બિલકુલ યોગ્ય સમયે યોગ્ય સંસ્થાને  જાહેર કરાયું છે. અત્યારે વિશ્વમાં બે મોટા તથા અનેક નાના સંઘર્ષો ચાલી રહ્યા છે તથા યુક્રેનમાં તો અણુશસ્ત્રના ઉપયોગની ધમકી પણ અપાઇ ચુકી છે.

નોર્વેજિયન નોબેલ કમિટિના અધ્યક્ષ જોર્ગન વેટન ફ્રીડનેસએ યોગ્ય રીતે જ જણાવ્યું હતું કે આ એવોર્ડ એટલા માટે જાહેર કરવામાં આવ્યો છે કે અણુ શસ્ત્રોના ઉપયોગ સામેનો નિષેધ દબાણ હેઠળ  છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ રશિયન પ્રમુખ પુટિને ધમકી આપી હતી કે જો યુક્રેન રશિયા પર મિસાઇલ હુમલો કરશે તો પોતે અણુ શસ્ત્રનો ઉપયોગ કરી શકે છે. નોબેલ કમિટિના અધ્યક્ષે  જણાવ્યું હતું કે નોબેલ સમિતિ અણુ હુમલામાં બચી ગયેલા તે તમામ લોકોને સન્માનવા ઇચ્છે છે.

જેમણે તેમની શારીરિક પીડાઓ અને દુ:ખદ સ્મૃતિઓ છતાં તેમના ખર્ચાળ  અનુભવનો ઉપયોગ આશા જગાડવામાં અને શાંતિ માટેના પ્રયાસોમાં કર્યો. હિડાન્ક્યોની હિરોશીમા બ્રાન્ચના અધ્યક્ષ ટોમોયુકી મિમાકી આ જાહેરાત માટે હિરોશીમા સિટી હોલ ખાતે  ઉભા હતા તેમને આ સમાચાર મળતા તેમણે તેને આનંદથી વધાવી લીધા હતા અને તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. દેખીતી રીતે આ સંગઠનના સભ્યોનો અણુ શસ્ત્રો સામેનો વિરોધ સાચકલો જ હોય કારણ કે તેમણે પોતે પીડાઓ વેઠી છે. આ સંગઠનના કેટલાક સભ્યો કદાચ એવા પણ હશે કે જેઓ જાપાન પર અણુ હુમલા થયા તે સમય જન્મ્યા પણ નહીં હોય છતાં તેમણે આ હુમલાની પીડા વેઠી હોય.

કારણ કે અણુ હુમલા પછી કિરણોત્સર્ગની અસર ઘણા સમય સુધી ચાલુ રહી હતી અને હુમલાનો ભોગ બનેલા વિસ્તારોમાં વર્ષો સુધી ખોડખાંપણ વાળા બાળકો જન્મતા રહ્યા હતા.  નિહોન હિડાન્ક્યોની સ્થાપના ૧૯પ૬માં કરવામાં આવી હતી. અણુ હુમલાઓમાં બચી ગયેલા લોકો ઉપરાંત પેસેફિક ક્ષેત્રમાં અણુ પરીક્ષણોના  કારણે જેમને સહન કરવું પડ્યું છે તેવા લોકોએ આ સંગઠનની સ્થાપના કરી હતી. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અમેરિકાએ અણુ બોમ્બ ઝિંક્યા અને તેને કારણે જે તબાહી થઇ તે બહુ જાણીતી છે.

દુનિયામાં અત્યાર સુધી થયેલો આ પહેલો અને છેલ્લો અણુ હુમલો હતો અને આશા રાખીએ કે તે કાયમ માટે છેલ્લો બની રહે, હવે બીજી વખત કોઇ દેશ અણુ હુમલા કરવાની મુર્ખાઇ નહીં કરે. જાપાનના બનાવ પછી કોઇ સ્થળે બીજો અણુ હુમલો તો નથી થયો પણ વિશ્વમાં અણુ શસ્ત્રોનું પ્રમાણ ખૂબ વધ્યું છે. પાંચ અણુ સત્તાઓ ઉપરાંત ભારત, પાકિસ્તાન અને ઇઝરાયેલ પણ અણુ શસ્ત્રો ધરાવે છે. તો કેટલાક દેશોએ ગુપચુપ અણુ શસ્ત્રો સંઘર્યા હોવાનું પણ કહેવાય છે. વળી બીજા વિશ્વ યુદ્ધ સમયના અણુ શસ્ત્રો કરતા આજના અણુ શસ્ત્રોની ઘાતકતા પણ ખૂબ વધી ગઇ છે આવા સંજોગોમાં અણુ શસ્ત્ર નાબૂદી માટેની ચળવળ ખૂબ મહત્વની બની ગઇ છે.

નોબેલ સમિતિ દ્વારા ભૂતકાળમાં પણ અણુ શસ્ત્રોને નાબૂદ કરવા માટેના પ્રયાસોનું સન્માન કરાયું છે. ધ ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલીશ ન્યુક્લિયન વેપન્સ નામની સંસ્થાને  ૨૦૧૭માં શાંતિ માટેનું નોબેલ ઇનામ જાહેર કરાયું હતું. ૧૯૯પમાં જોસેફ રોટબ્લેટ અને પગવાશ કોન્ફરન્સ ઓન સાયન્સ એન્ડ વર્લ્ડ અફેર્સને આંતરરાષ્ટ્રીય રાજકારણમાંથી અણુ  શસ્ત્રોની ભૂમિકા નાબૂદ કરવા અને લાંબે ગાળે આવા શસ્ત્રોને નષ્ટ કરવા માટેના પ્રયાસો બદલ આ ઇનામ અપાયું હતું.

આ વખતનું નોબેલ શાંતિ ઇનામ વિશ્વમાં ચાલતા અનેક  સંઘર્ષો ખાસ કરીને મધ્ય પૂર્વ, રશિયા-યુક્રેન અને સુદાનની લડાઇઓ વચ્ચે જાહેર કરવામાં આવ્યું છે. બીજા પણ નાના સંઘર્ષો ચાલી રહ્યા છે. કયાંક અણુ હુમલો થઇ જાય તેવો ભય સેવાઇ રહ્યો છે તેવા સમયે અણુ શસ્ત્ર નાબૂદી માટેની ચળવળનો અવાજ ભલે નગારખાનામાં પીપુડી જેવો લાગતો હોય પણ તેને સતત પ્રોત્સાહન મળવું જરૂરી છે.

Most Popular

To Top