Comments

સજાતીય લગ્નોને માન્યતા આપવાનું પગલું કુટુંબ સંસ્થાનો વિનાશ નોતરશે

ભારતની સંસ્કૃતિ દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિ છે, જેને આર્ય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આર્ય સંસ્કૃતિમાં બાળકના ગર્ભાધાનથી લઈને મરણ સુધીના ૧૬ સંસ્કારોની યાદી આપવામાં આવી છે,  જેમાં વિવાહ સંસ્કાર પણ મહત્ત્વનો સંસ્કાર છે. તેમાં વિવાહ સંસ્કારની વ્યાખ્યા સ્ત્રી-પુરુષ વચ્ચેના વિવાહ પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી છે. આર્ય સંસ્કૃતિમાં ક્યાંય પુરુષ-પુરુષ (ગે) કે સ્ત્રી-સ્ત્રી (લેસ્બિયન) વચ્ચેના વિવાહને માન્યતા આપવામાં આવી નથી.

ભારતમાં આજકાલ ગે કે લેસ્બિયન વિવાહને કાનૂની માન્યતા આપવાની જે માગણી જોર પકડી રહી છે, તેનાં મૂળ વિદેશોમાં રહેલાં છે. વિદેશોની કેટલીક સંસ્થાઓ કુટુંબ સંસ્થાને તોડીને સમાજમાં અરાજકતા પેદા કરવા માગે છે. તેમની પાસેથી ચિક્કાર ભંડોળ લઈને ભારતની કેટલીક બિનસરકારી સંસ્થાઓ પણ ગે અને લેસ્બિયન લગ્નોને કાનૂની માન્યતા મળે તે માટે જાતજાતની ઝુંબેશો ચલાવી રહી છે. ક્યારેક તેઓ રસ્તાઓ પર રેલીઓ કાઢે છે તો ક્યારેક તેઓ સુપ્રિમ કોર્ટમાં પહોંચી જાય છે.

ભારતની સુપ્રિમ કોર્ટમાં સજાતીય લગ્નોને કાનૂની માન્યતા આપવાની માગણી કરતી લગભગ ૧૫ અરજીઓ દાખલ કરવામાં આવી છે.  સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ ઉપરાંત જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ત્રણ જજોની બેન્ચ તેની સુનાવણી કરી રહી છે. આ કેસમાં સોગંદનામું નોંધાવતા કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે ભારતની સાંસ્કૃતિક પરંપરાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર કોઈ સંયોગોમાં સજાતીય લગ્નોને કાનૂની માન્યતા આપવાના પક્ષમાં નથી. તેમ છતાં સુપ્રિમ કોર્ટે ૧૫ અરજીઓને ડિસમિસ કરવાને બદલે તેની સુનાવણી પાંચ જજોની બંધારણીય બેન્ચ સમક્ષ કરવાનો નિર્ણય કર્યો છે, જેનો પ્રારંભ ૧૮ એપ્રિલે કરવામાં આવશે. જો સુપ્રિમ કોર્ટ દ્વારા સજાતીય લગ્નોને કાનૂની માન્યતા આપવામાં આવશે તો તે ભારતની કુટુંબવ્યવસ્થા તોડવાની દિશામાં વિનાશક પગલું સાબિત થશે.

યુનેસ્કોના આંકડાઓ પ્રમાણે દુનિયાના ૧૭૯ દેશો પૈકી ૮૯ દેશોમાં હવે સજાતીય સંબંધોને માન્યતા આપવામાં આવી છે, પણ તેમાંના ૧૪ દેશોમાં જ સજાતીય લગ્નોને કાયદેસરનો દરજ્જો આપવામાં આવ્યો છે. કુદરતે સ્ત્રી અને પુરુષ વચ્ચે આકર્ષણ પેદા કર્યું છે તેને કારણે જ આજે કરોડો વર્ષો પછી પણ માનવવંશ ટકેલો છે. સ્ત્રી અને પુરુષ બે વિરુદ્ધ ધ્રુવ જેવા છે, માટે તેમના વચ્ચેનું આકર્ષણ નૈસર્ગિક ગણવામાં આવે છે. બે સ્ત્રીઓ અથવા બે પુરુષો વચ્ચેનું આકર્ષણ અકુદરતી જણાય છે. બે પુરુષો જાહેરમાં ચુંબન કરે તો કેવું લાગે? જો દુનિયાનાં બધાં સ્ત્રી-પુરુષો ગે અથવા લેસ્બિયન બની જાય તો સૃષ્ટિમાંથી માનવજાતનો અંત આવી જાય. જેઓ સેમ સેક્સ વચ્ચે લગ્નની હિમાયત કરે છે, તેઓ કુદરતના ક્રમને ઉથલાવવાની ચેષ્ટા કરી રહ્યા છે. જે સ્ત્રી-પુરુષો બે સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણનો અનુભવ કરી રહ્યા છે, તેમણે સાઇકિયાટ્રિસ્ટની સારવાર લેવી જોઇએ.

આ કોલમમાં અગાઉ લખવામાં આવ્યું હતું તેમ સમલૈંગિક સંબંધો બાંધનારા લોકોની લડાઇ ૩૭૭મી કલમ નાબૂદ કરવા પૂરતી મર્યાદિત નહોતી. આ તેમની લડતનું પહેલું સોપાન હતું. હવે તેઓ જંપીને બેસવાના નથી. હવે તેઓ સજાતીય લગ્નો કાયદેસર કરવાની માગણી કરશે. પછી તેઓ સજાતીય સંબંધો ધરાવતાં યુગલોને બાળકો દત્તક લેવાના અધિકાર માટે આંદોલન કરશે. તે અધિકાર મળી જશે તે પછી તેઓ સમલૈંગિક લોકો માટે નોકરીમાં આરક્ષણની માગણી કરશે. આરક્ષણ મળી જશે તો તેઓ તેમની કથિત સતામણી રોકવા માટે એટ્રોસિટી કાયદા જેવા કાયદાની માગણી કરશે. તેવો કાયદો ઘડવામાં આવશે તો તેઓ કુદરતી સંબંધો ધરાવતાં લોકોને હેરાન કરવા તે કાયદાનો ઉપયોગ કરશે. ત્યાર બાદ તેઓ પ્રચાર કરશે કે કુદરતી જાતીય સંબંધો ધરાવતાં લોકો માનસિક રીતે રૂગ્ણ છે. તેઓ પોતાની જમાતમાં વધુ ને વધુ લોકોને ખેંચવા રેલીઓ કાઢશે.

જો એક સ્ત્રી અને એક પુરુષ ભેગાં થાય તો જ બાળકને જન્મ આપી શકે અને કુટુંબનો પ્રારંભ કરી શકે. બે સ્ત્રી અથવા બે પુરુષ કોઇ સંયોગોમાં બાળકને જન્મ આપી ન શકે અને કુટુંબ સંસ્થાનો પ્રારંભ કરી ન શકે. જો સજાતીય સંબંધોને માન્યતા આપવામાં આવશે તો બાળકો પેદા થતાં બંધ થશે અને કુટુંબ સંસ્થાનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. અમેરિકા જેવા દેશોમાં સજાતીય સંબંધોને માન્યતા આપવામાં આવી છે ત્યાં લાખો સ્ત્રીપુરુષો સજાતીય સંબંધો બાંધતાં થયાં છે અને સજાતીય લગ્નો પણ કરવા લાગ્યાં છે. તેમને કુટુંબ સંસ્થા વગર ચાલતું નથી માટે બાળકો દત્તક લે છે. આ દત્તક બાળકોને માતાનો તેમ જ પિતાનો સંયુક્ત પ્રેમ નથી મળતો માટે તેમનો તંદુરસ્ત ઉછેર નથી થતો.

અમેરિકામાં સજાતીય સંબંધોને કાયદેસરનો દરજ્જો મળ્યો તે પછી તેઓ સજાતીય લગ્નોને માન્ય કરવા સરકાર પર દબાણ કરવા લાગ્યા. સજાતીય યુગલો સાથે રહેતાં હતાં તેની સામે અમેરિકાની સરકારને કોઇ વાંધો નહોતો; પણ તેમના લગ્નને માન્યતા આપવા સામે વાંધો હતો, કારણ કે લગ્નને માન્યતા આપવામાં આવે તો તેઓ બાળકને દત્તક લેવાની માગણી કરી શકે. જો સજાતીય લગ્ન કરનારાં બે પુરુષો કોઇ કન્યાને દત્તક લે તો તે કન્યાની સલામતી જોખમાઇ જાય અને તેનું જાતીય શોષણ થાય તેવી સંભાવના હતી. આ કારણે અમેરિકાની સરકાર સજાતીય લગ્નોને માન્યતા આપતી નહોતી ત્યારે તેઓ સુપ્રિમ કોર્ટમાં જઇને પોતાની તરફેણમાં ચુકાદો લઇ આવ્યા હતા. હવે અમેરિકામાં સજાતીય યુગલો બાળકને દત્તક પણ લઇ શકે છે.

સજાતીય સંબંધો બાંધનારાં લોકો કોઇના અત્યાચારનો કે અન્યાયનો ભોગ ન બને તે જરૂરી છે, પણ અમેરિકામાં તો સજાતીય સંબંધો બાંધનારા બીજા પર અત્યાચારો કરી રહ્યા છે. અમેરિકામાં કાયદો કરવામાં આવ્યો છે કે કોઇ વ્યક્તિ હોમોસેક્સ્યુઅલ હોય એટલા માત્રથી તેને નોકરીમાંથી કાઢી મૂકી શકાય નહીં. આ કાયદાનો લાભ લઇને હોમોસેક્સ્યુઅલ લોકો કામચોરી કરવા લાગ્યાં છે. જો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો તેઓ કોર્ટમાં જાય છે કે તેઓ હોમોસેક્સ્યુઅલ છે, માટે અન્યાયનો ભોગ બન્યાં છે. કોર્ટ પણ તેમની તરફેણ કરે છે. ભારતમાં પણ તેવું બની શકે છે.

ભારતમાં જે લોકો સજાતીય સંબંધોને કાયદેસર કરવાની માગણી કરી રહ્યા છે, તેમનો એજન્ડા અલગ પ્રકારનો છે. સજાતીય લગ્નોને કાયદેસર બનાવવાની ઝુંબેશનો મુખ્ય આશય સજાતીય યુગલો બાળકો દત્તક લઇ શકે તે છે. ભારતના વર્તમાન કાયદાઓ મુજબ બે પુરુષો ભેગા મળીને કોઇ સંયોગોમાં બાળકને દત્તક લઇ શકતા નથી. જો સજાતીય લગ્નોને કાયદેસર કરવામાં આવે તો બે પુરુષો પણ બાળકને દત્તક લઇ શકશે. કલ્પના કરો કે બે પુખ્ત વયના પુરુષો પાંચ વર્ષની બાળકીને દત્તક લે તો તેની હાલત કેવી થાય? અમેરિકામાં સજાતીય લગ્નોને કાનૂની માન્યતા મળી ગઈ તે પછી બાળકોનું જાતીય શોષણ કરવામાં રસ ધરાવતાં અનેક યુગલો બાળકોને દત્તક લઈને પોતાની વિકૃત વાસનાઓ પોષી રહ્યા છે. સૃષ્ટિનું સનાતન સત્ય એ છે કે ઇશ્વરે સ્ત્રી-પુરુષને અલગ ઘડ્યાં છે. સ્ત્રીઓ અને પુરુષો શારીરિક રીતે, માનસિક રીતે, રાસાયણિક રીતે, મનોવૈજ્ઞાનિક રીતે, મિજાજની રીતે અલગ છે. બે અસમાન ધ્રુવો વચ્ચે જ સાચું આકર્ષણ થઇ શકે અને ટકી શકે. ભારતની સુપ્રિમ કોર્ટ સજાતીય લગ્નોની છૂટ આપે તે સરકારે કોઈ સંયોગોમાં ચલાવી ન લેવું જોઈએ.

Most Popular

To Top