સુરત: બોર્ડની એક્ઝામ ચાલી રહી છે ત્યારે આજે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. માતાના મૃતદેહના અગ્નિસંસ્કાર કર્યા બાદ દીકરો સીધો પરીક્ષા આપવા પહોંચ્યો હતો. ભારે હૃદયે દીકરાએ પરીક્ષા આપી હતી.
આ અંગે મળતી વિગત અનુસાર સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટીએન્ડટીવી હાઈસ્કૂલમાં ધો. 12માં અભ્યાસ કરતા નીશ કિરણ ભગતની આજે તા. 13 માર્ચે અર્થશાસ્ત્રની પરીક્ષા હતી. જીવનભારતી માધ્યમિક વિદ્યાલયમાં નીશ ભગતે પરીક્ષા આપવા જવાનું હતું. પરંતુ ગઈકાલે મંગળવારે મોડી રાત્રે નીશની માતા ફાલ્ગુનીબેનનું હાર્ટ એટેકના લીધે મોત નિપજ્યું હતું. જેના લીધે નીશ દુ:ખી હતો. તે પરીક્ષા આપવા તૈયાર ન હતો. આ અંગે નિશની બહેન તમન્ના ભગતે જીવનભારતી સ્કૂલના પિંકીબેન માળી તેમજ શિક્ષિકા રોશની પટેલને ટેલિફોનિક જાણ કરી હતી. આચાર્યએ આ બાબતે તાત્કાલિક સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારને જાણ કરી હતી.
ત્યાર બાદ આચાર્યએ વિદ્યાર્થી અને તેના મામાને સમજાવ્યા હતા. પરીક્ષા ન આપવાથી વર્ષ બગડશે તેવી સમજ આપી હતી. તેને પરીક્ષા આપવા તૈયાર કર્યો હતો. વિદ્યાર્થીના માતાની અંતિમવિધિ પરીક્ષાના દોઢ કલાક પહેલાં જ હતી. તેથી સમય પર પરીક્ષા પહોંચી શકાય તેમ ન હતું. કારણ કે વિદ્યાર્થીના પિતા પણ ન હતા. તેથી તમામ વિધિ વિદ્યાર્થીએ જ કરવાની હતી. આ સમયે સુરત જિલ્લા શિક્ષણાધિકારી મદદે આવ્યા હતા.
શિક્ષણાધિકારીની સૂચના મુજબ આચાર્યએ વિદ્યાર્થીને ઘરેથી લાવવા લઈ જવા માટે વ્યવસ્થા ગોઠવી હતી. જોકે, છેલ્લી ઘડીએ વિદ્યાર્થીના મામા જ તેને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યો હતો. ત્યાર બાદ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે રૂબરૂ જઈ વિદ્યાર્થીને આશ્વન આપી તેનું પ્રોત્સાહન વધાર્યું હતું.