એક વાર ગુરુજીએ શિષ્યોને પૂછ્યું, ‘શિષ્યો, આજે તમને એક સહેલો લાગતો સવાલ પૂછું છું, જેનો જવાબ અઘરો છે. વિચારીને જવાબ આપજો.’શિષ્યો ગુરુજીનો સવાલ સાંભળવા અને જવાબ આપવા તત્પર બન્યા. ગુરુજીએ સવાલ પૂછ્યો, ‘શિષ્યો, મને જણાવો કે દુનિયાની સૌથી મોંઘી વસ્તુ કઈ છે?’ શિષ્યોને સવાલ સાંભળીને નવાઈ લાગી કે આ તો કેવો સહેલો સવાલ છે. આના જવાબમાં શું વિચારવાનું … અમુક શિષ્યો ફટાફટ જવાબ આપવા લાગ્યા … હીરા… મોતી… સોનું… જમીન… મહેલ … હવેલી … હાથી -ઘોડા..જેવા અનેક જવાબો મળ્યા.ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, આ બધું કિંમતી છે, પણ તેની કિંમત આપતાં ખરીદી શકાય છે.બરાબર વિચારો …’ અત્યાર સુધી વિચારતા હતા તેમાંથી અમુક શિષ્યોએ વિચારીને જવાબ આપ્યા.કોઈકે કહ્યું જ્ઞાન.કોઈક બોલ્યું સંબંધો.કોઈકે કહ્યું સ્વાસ્થ્ય.કોઈકે જવાબ આપ્યો સુખ.
ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, તમારા જવાબ સાવ ખોટા છે તેમ નહિ કહું, પણ આ બધું આપણે મહેનત કરી, ધ્યાન આપી જાળવી શકીએ છીએ.મારો સવાલ છે દુનિયાની સૌથી મોંઘી વસ્તુ કઈ? ચાલો, તમને થોડી મદદ કરું. તેને ખરીદી શકાય તેમ જ નથી.’ હવે શિષ્યો મૂંઝાયા.હવે તેમને પ્રશ્ન અઘરો લાગવા માંડ્યો હતો.બધા ચૂપ થઈ ગયા.ઘણું વિચાર્યું, પણ કોઈ જવાબ સૂઝતો ન હતો.એક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, સંપત્તિ હોય તો કોઈ પણ મોંઘામાં મોંઘી વસ્તુ પણ ખરીદી શકાય, તો જે ખરીદી જ ન શકાય તેવી વસ્તુ કઈ હોઈ શકે?’
ગુરુજી બોલ્યા, ‘વત્સ, હું જે વસ્તુની વાત કરું છું તેને દુનિયાભરની સંપત્તિ ખરીદી શકે તેમ નથી.દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે આજની પળ.આ ઘડી.આપણો વર્તમાન સમય જે એક વાર પસાર થઇ જાય.એક વાર આપણા હાથમાંથી નીકળી જાય પછી તેને પાછો મેળવી શકાતો નથી.દુનિયાભરની સંપત્તિ એકઠી કરીને તમે વીતી ગયેલી એક પળને ખરીદીને તમે પાછી લાવી શકવાના નથી.જે પળ વીતી જાય છે તે બસ આપણા જીવનમાંથી જતી રહે છે તે પાછી આવતી નથી.માટે એક એક પળનો ધ્યાનથી ઉપયોગ કરવો જોઈએ.
ભૂતકાળમાં જે થઈ ગયું તે બદલી શકાવાનું નથી.ભૂતકાળની એક પણ પળ તમે ફરી જીવી શકવાના નથી, માટે તેણી પર અફસોસ કરવામાં આજની પળ ગુમાવવા કરતાં તેને ભૂલી જવો અને ભવિષ્યમાં જે થવાનું હશે તે તમે રોકી શકવાના નથી એટલે તેને યાદ કરવામાં આજની પળ ગુમાવવી નહિ.આજમાં જ જીવવું, જે કરવું હોય તે કરવું,તેનો સદુપયોગ કરવો અને જીવનને માણવા માટે એક એક પળ ખુશ રહેવું, હસતા રહેવું, પ્રેમથી જીવવી તો સૌથી મોંઘી વસ્તુ જાળવીને, મેળવીને માણી શકશો.આજમાં જીવો, આજની પળનો આનંદ માણો.’ગુરુજીએ સાચી સમજણ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.