પૃથ્વીવાસી મનુષ્ય હવે પરગ્રહ પર વસવાનાં સપનાં જોવા માંડયો છે અને સ્વભાવિક રીતે તેની પહેલી નજર ચંદ્ર પર પડી છે પણ ચંદ્ર પર પાણી જ કયાં છે? અત્યાર સુધી માનવી આવું માનતો આવ્યો છે પણ હવે તેને વહેમ પડયો છે કે તે અબજો વર્ષથી પૃથ્વીનું પાણી તફડાવી તેના ખાડાની ઊંડે બરફ તરીકે સંઘરે છે! હા, સંશોધકો માને છે કે ચંદ્ર પર 840 ઘન માઇલ પાણી હોઇ શકે. અલાસ્કા યુનિવર્સિટી (કેર બેંકસ)ના સંશોધકોએ એવું સૂચન કર્યું છે કે ચંદ્ર પૃથ્વીના ચુંબકીય વર્તુળની અંદરથી પસાર થાય ત્યારે તે પાણીના અણુ ખેંચી લે છે અને તે આ ધંધો અબજો વર્ષથી કરે છે.
આ પહેલાં ઉલ્કા વર્ષા દ્વારા સાડા ત્રણ અબજા વર્ષ પહેલાં તેણે પાણી સંઘરી લીધું હોવાની અને સૌર પવનમાંથી મળતા ઓકિસજન અને હાઇડ્રોજનના અણુ દ્વારા તેણે પાણી ભરી લીધું હોવાની ખગોળશાસ્ત્રીઓને શંકા હતી જ અને તેમાં આ શંકાએ ઉમેરો કર્યો છે. સંશોધકો કહે છે કે ચંદ્રની સપાટીની નીચે 840 ઘન માઇલ પાણી હોઇ શકે. દુનિયાના આઠમા ક્રમનું સૌથી મોટું ઉત્તર અમેરિકાના હ્યુરોન સરોવર આટલા પાણીથી છલકાઇ જાય. પ્રો. ગુન્થર કલેટેસ્કા જણાવે છે કે ચંદ્રના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં પાણીની સૌથી વધુ જમાવટ થતી લાગે છે.
ચંદ્ર પર માનવીની લાંબા સમય માટે હાજરીની યોજના આટ્રેપિસ હેઠળ નાસાની ટુકડી માનવીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવા માંગે છે જયાં પૃથ્વી પરથી કણકણ સ્વરૂપે અબજો વર્ષથી એકત્ર થયેલું પાણી માનવીનું જીવન ટકાવી રાખવા માટે વાપરી શકાશે. જો કે ચંદ્ર આટલા અબજ વર્ષથી પૃથ્વીનું પાણી તફડાવે છે તે પૃથ્વીના વાતાવરણનો એક ટકા જ છે એમ સંશોધકો કહે છે પણ ચંદ્ર પરનું મોટાભાગનું પાણી ઉલ્કા-વર્ષાથી જ આવ્યું હોય તેમ લાગે છે એમ પણ તેઓ ઉમેરે છે. સૌર મંડળ જયારે એક અબજ વર્ષનું હતું ત્યારે એટલે કે લગભગ સાડા ત્રણ અબજ વર્ષ પહેલા ચંદ્ર પર સૌથી ભયંકર ઉલ્કાવર્ષા થઇ હતી.
પૃથ્વી અને સૂર્ય વચ્ચેના ગ્રહો પર પણ ભારે ઉલ્કાવર્ષા થઇ હતી તેને કારણે અને સૌર પવનને કારણે પણ ચંદ્ર પર ભારે પ્રમાણમાં પાણી જમા થયું હોઇ શકે. ચંદ્રની સપાટી પર ખડકમાં આ પાણી થીજી ગયું છે અને તેને સખત ગરમ તડકાથી રક્ષણ આપવાનું કામ ચંદ્રની ફરતેના ચુંબકીય ક્ષેત્રે કર્યું હોઇ શકે એમ અભ્યાસ જણાવે છે. એક વાર આ પાણીને ખડકની બહાર કાઢી શકાય તો ભવિષ્યમાં ચંદ્ર પર જે માનવ વસાહત સ્થપાય તેનું પોષણ કરી શકાય તેમ જ બળતણ બનાવવા માટે તેને વાપરી શકાય. ચંદ્રના ધ્રુવ પ્રદેશમાં તડકો ઊંડા ખાડામાં નહીં જઇ શકતાં ઉષ્ણતામાન શૂન્યની નીચે જ 18 ફેરનહીટ સુધી પહોંચી જાય છે પણ સૌર પવન બરફને ભાંગી શકે છે. એમ સંશોધકો કહે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે ચંદ્ર પર રચાયેલા ચુંબકીય ક્ષેત્રથી ચંદ્રને વિદ્યુતભારવાળા સૌર કણોના વરસાદથી રક્ષણ મળે છે.
-નરેન્દ્ર જોષી