આખા વિશ્વને છેલ્લા દોઢેક વર્ષથી ધ્રુજાવી રહેલી કોરોનાની મહામારી ફરી વકરવા માંડી છે. વચ્ચે થોડો સમય કેસ ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા છે. અગાઉ કોરોનાની મહામારીમાં અમેરિકામાં સૌથી વધુ કેસ નોંધાયા હતાં, પરંતુ કોરોનાની આ બીજી લહેરમાં મામલો ફરી ગયો છે.
જે ભારત બીજા સ્થાને હતું તે કોરોનાના કેસમાં હવે પહેલા સ્થાને આવી ગયું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 89 હજારથી પણ વધુ કેસ નોંધાયા છે. જે અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ ઘણા વધારે છે. ભારતમાં જે રીતે કોરોનાથી લોકો સંક્રમિત થઈ રહ્યાં છે તે જોતાં કોરોનાની સ્થિતિ હજુ વધુ ગંભીર થઈ શકે તેમ છે.
જેમાં એપ્રિલ માસમાં હાહાકાર મચી શકે તેમ છે. તમામ નિષ્ણાંતો અને સરવે એવું કહી રહ્યાં છે કે એપ્રિલ માસમાં કોરોનાના કેસ પીક પર હશે અને ત્યારબાદ તેમાં ઘટાડો થતો જોવા મળશે. થોડા સમય પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ એપ્રિલ માસમાં કોરોનાના કેસ વધશે તેવું કહેવામાં આવ્યું હતું. બાદમાં હવે સરવે પણ એવું કહી રહ્યાં હોવાથી લોકોએ એપ્રિલ માસમાં કોરોના મામલે ભારે સાવચેતી રાખવાની જરૂરીયાત છે.
કોરોનાના કેસ મામલે તાજેતરમાં IIT કાનપુર દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે કોરોનાની બીજી લહેરની પીક એપ્રિલના મધ્યભાગમાં આવશે. એપ્રિલના મધ્યભાગ સુધીમાં કોરોનાના કેસ સૌથી વધુ હશે.
જ્યારે કોરોનાની ગત વખતે પહેલી લહેર આવી તે વખતે IIT કાનપુરના વૈજ્ઞાનિકો દ્વારા ગણિતીય મોડેલ સૂત્રનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના આધારે પહેલી લહેર વખતે એવું અનુમાન કરવામાં આવ્યું કે, ઓગષ્ટ-2020માં કોરોનાના કેસ વધશે અને સપ્ટેમ્બરમાં સૌથી વધુ થશે. ત્યારબાદ ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ ઘટી જશે.
આ અનુમાન સાચું પડ્યું હતું. જેને પગલે આજ ગણિતીય સૂત્ર દ્વારા આ વખતે પણ એવું અનુમાન કરવામાં આવ્યું છે કે કોરોનાના કેસ એપ્રિલના મધ્ય સુધીમાં વધશે અને ત્યારબાદ ઘટશે. આ અનુમાન પ્રમાણે, સૌથી પહેલા પંજાબ અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં કેસ ઘટવા લાગશે. હાલમાં આ બંને રાજ્યો કોરોનામાં સૌથી વધુ ગ્રસ્ત છે. આ બંને રાજ્યોમાં કોરોનાના કેસ વધશે અને બાદમાં ઘટશે.
હજુ એપ્રિલની શરૂઆત જ છે અને તા.3જી એપ્રિલના રોજ કોરોનાના જે કેસ મળ્યાં છે. તે અગાઉના સૌથી વધુ કેસ કરતાં માત્ર 9000 કેસ જ ઓછા છે. અગાઉ તા.16 સપ્ટેમ્બરના રોજ સૌથી વધારે 97,860 દર્દી મળ્યા હતા. આ સૌથી વધુ કેસ બાદ કોરોનાના કેસ ઘટવાની શરૂઆત થઈ હતી.
હાલમાં ભારત દેશમાં સવા કરોડ લોકોનો કોરોના થઈ ચૂક્યો છે. જે પૈકી 1.15 લાખ લોકો સાજા પણ થઈ ગયા છે. જ્યારે 1.64 લાખ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો હતો. અન્યોની હાલમાં સારવાર ચાલી રહી છે. કોરોનાનો પીક આવવાની હજુ વાર છે. જેથી દેશમાં કોરોનાના કેસ વધવાની સંભાવના છે. સંભવત: રોજના એક લાખનો આંક પણ કોરોનામાં પહોંચશે.
જો કોરોનાથી બચવું હોય તો લોકોએ આ એપ્રિલ માસને સાવચેતીપૂર્વક પસાર કરી દેવો પડશે. હાલમાં કોરોનાનું મોટાપાયે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે ત્યારે ટેસ્ટિંગ કરાવી કોરોનાની સારવાર ઝડપથી કરાવી લેવી જરૂરી છે. આ ઉપરાંત વેક્સિનેશન ડ્રાઈવમાં પણ ભાગ લઈ વેક્સિન લગાડાવી લઈ કોરોનાની ભયાનકતા ઘટાડી શકાશે. સરકાર દ્વારા પહેલા 60થી વધુ, બાદમાં 45થી વધુ તમામને હાલમાં વેક્સિન આપવામાં આવી રહી છે.
લોકોએ સૌથી વધુ આ વેક્સિનેશનનો લાભ લેવો જોઈએ. જો વેક્સિનેશનનો લાભ લેવામાં આવશે તો કોરોનાથી બચી શકાશે. કોરોના થાય તેની સારવાર કરી શકાય છે પરંતુ કોરોનાની ભયાનકતાથી બચવું જરૂરી છે. લોકોએ આ વાત ખાસ ધ્યાનમાં રાખે તે જરૂરી છે.