Business

મન જીતે જગત જીત

મન માનવીના જીવનનું દિશામાપક યંત્ર છે. જો એ યંત્ર બરાબર ન હોય તો આપણે દિશાશૂન્ય બની જઈએ. મન અભેદ્ય નથી, અગમ્ય નથી જો તેની લગામ આપણા હાથમાં હોય તો. પ્રથમ તો આપણે આપણા મનને સમજી લેવું જોઈએ, ઓળખી લેવું જોઈએ. જે માણસ પોતાના મનને નથી ઓળખતો એ જગતને કેવી રીતે જાણી શકે? મન જ સારા-નરસાનો વિવેક શીખવે છે. મન જ જ્ઞાનની ક્ષિતિજ સુધી વિસ્તરી શકે છે. મન વગર અંધારું છે- અજ્ઞાન છે. મનના ગર્ભમાં જ ઈચ્છાઓનો વિકાસ થાય છે. મનની ભૂમિમાં જ આશા-નિરાશાનો છોડ ઊગે છે. અનુભવીઓએ સાચું જ કહ્યું છે કે ‘મન હોય તો માળવે જવાય’, ‘મન ચંગા તો કઠરોટ મેં ગંગા’, ‘ મન જીતે જગત જીત’ વગેરે. આ સચ્ચાઈને આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ.

એક સવારે આશ્રમમાં ગુરૂજી ધ્યાનમાં બેઠા હતા ત્યારે શિષ્યોમાંના એક અભિમાની શિષ્યને ગુરુજીની પરીક્ષા કરવાનું મન થયું. તેણે એક ઊડતા પંખીનું બચ્ચું બે હાથના ખોબામાં બંધ કરી દીધું અને મનમાં કુટિલ વિચાર સાથે નક્કી કરી લીધું કે આજે ગુરુજીને પૂછીશ કે મારા બે હાથના ખોબામાં જે પક્ષીનું બચ્ચું છે તે જીવંત છે કે મરેલું છે? જો ગુરુજી કહેશે કે તે મરેલું છે તો એ પંખીનું બચ્ચું બે હાથના ખોબામાં જીવે છે તેને હાથ ખોલી દઈશ એટલે ઊડી જશે અને જો ગુરુજી એમ કહેશે કે તે પંખી જીવતું છે તો હું એ પંખીના બચ્ચાને મારા બે હાથના ખોબાથી દબાવીને મારી નાખીશ એટલે ગુરુજીનું અજ્ઞાન બહાર પડશે.

પરંતુ જ્યારે ગુરુજીએ ધ્યાનાવસ્થામાંથી આંખો ખોલી ત્યારે પેલા અહંકારી શિષ્યે ગુરુજીને પૂછ્યું કે ગુરુજી મારા ખોબામાં જે પંખીનું બચ્ચું છે તે જીવતું છે કે મરેલું? ગુરુજીએ ખૂબ જ સ્વસ્થતા સાથે શાંત મને શિષ્યે પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું કે, ‘‘હે શિષ્ય, આજે તારા હાથના ખોબામાં જે પંખીનું બચ્ચું છે તે હું ઉત્તર આપીશ એવું નથી નીકળવાનું પણ તારું મન જેવું ઈચ્છે છે તેવું પંખી ખોબામાંથી નીકળવાનું છે’. શિષ્યે ઉત્તર સાંભળી પોતાના અહંકારીપણાને ભૂલી ગુરુજીની હૃદયથી ક્ષમા માંગી અને પ્રણામ કરી મનને જ્ઞાનવાન બનાવવા અભ્યાસમાં લાગી ગયો એટલે સર્વશાસ્ત્રમણી ‘ગીતા’માં ભગવાન ઉવાચ છે- ‘‘હે અર્જુન! ફક્ત તારા મનને મુજ એકમાં લગાવ’’ અને કૃતાર્થ થા.

મન ઉપર કાબૂ મેળવવામાં જ માનવીનો વિજય છે. મનનું કામ વિચાર કરવાનું છે, જ્યારે બુદ્ધિનું કામ નિર્ણય કરવાનું છે. જો સારા સકારાત્મક નિર્ણય કરી કર્મ કરીશું તો સગુણી- સંસ્કારી બનશો અને નકારાત્મક નિર્ણય કરી ખોટા કર્મ કરીશું તો દુર્ગુણી- દુરાચારી- કુસંસ્કારી બની જશો માટે મનના વિચારોને પવિત્ર નિર્ણયો કરી પવિત્ર કર્મ જ કરતા રહેશો તો જીવન ‘મન જીતે જગત જીત’ બની રહેશે. મન ચંચળ છે એવું કહેવાય છે પણ એ મનરૂપી અશ્વની લગામ આપણા હાથમાં આવી ગયા પછી જગતને જીતવું સરળ બની જાય છે. આ મનની લગામ આપણા હાથમાં આવી જાય એ એટલું સરળ નથી પણ એ અશક્ય પણ નથી. મહાન માણસોથી જ એ થઈ શકે એમ માનવું તે એક ભ્રમ છે. મહાન માનવીઓનો જન્મ સામાન્ય માનવીમાંથી જ થયો છે. મનને ઈચ્છાઓના હાથમાં સોંપીને આપણે પશુ બનવા નથી ઈચ્છતા.

ઈચ્છાઓનો અજગર ગળી ન જાય ત્યાં સુધી મન મુક્ત છે. માનવીઓનો અધિષ્ઠાતા છે. જીવનનો વિજેતા છે. જે માનવી પોતાના મનને બરાબર ઓળખે છે અને ઓળખીને પોતાના મનને વશમાં રાખે છે તે મહાન છે. આપણા મનના મંદિરમાં સકારાત્મક વિચારોનો ભંડાર ભરપૂર હશે તો જ નકારાત્મક વિચારોને પ્રવેશ જ મળશે નહીં માટે ‘શુભ થાઓ આ સકળ વિશ્વનું’. એવી ભાવના નિત્ય વહેતી રહેવી જરૂરી  તે માટે મન-બુદ્ધિનો તાર ઈશ્વર સાથે અને તેના પાવરહાઉસ સાથે સતત જોડાયેલો હોવો જોઈએ. મિત્રો, ચાલો શરૂઆત આજથી જ કરીએ અને આપણે જ કરીએ કે મારું મન એ મારું જ છે અને એ અશ્વની લગામ બરાબર કાબૂમાં રાખીએ તો જ મન જીતશે અને જગતને પણ જીતાશે અર્થાત્ સુખ, શાંતિ પવિત્રતા આપણને સોગાદમાં મળશે. એવી સોગાદ આપણા સહપરિવારને પણ મળતી રહે તે માટે આપણે પ્રેરણાસ્ત્રોત પણ બનીએ એવી શુભ ભાવના સાથે.

Most Popular

To Top