Comments

પ્રધાનમંડળની પુનર્રચના પાછળનો સંદેશ

૨૦૧૪ થી શરૂ થયેલા મોદી યુગના ગુણવત્તાના ચિહ્નમાં પોતાની સરકારે જે કાંઇ પણ કામ હાથ પર લીધાં હોય તેને ભવ્યતાથી અને ફામફોસથી રજૂ કરવાનું રહ્યું છે. પછી તે ગુજરાતમાં સરદાર પટેલની વિરાટ પ્રતિમા હોય કે પ્રધાન મંત્રી ઉજજવલા યોજના હોય કે શૌચાલય યોજના હોય કે ટેકનોલોજીથી અત્યંત સજજ એવી ચૂંટણી સભા હોય. જેવી અગાઉ કયારેય કોઇએ જોઇ જ ન હોય એવું જ છેલ્લા સાત દાયકામાં અભૂતપૂર્વ બન્યું: પ્રધાન મંડળનું વિસ્તરણ. મોદી વારંવાર શબ્દપ્રયોગ કરતા હતા ‘અલ્પ સરકાર વધુ શાસન’. દેશની વિશાળતા અને જટિલતા જોતાં અને જુદાં જુદાં રાજયો, પ્રદેશો અને ધાર્મિક તેમજ વંશીય જૂથોને પ્રતિનિધિત્વ આપવાની જરૂર જોતાં ‘અલ્પ સરકાર’ શબ્દ સામે પ્રશ્નાર્થ થવા છતાં કેટલાક લોકો આ ફેરફારને આવકાર આપે છે. અત્યારે ‘અલ્પ સરકાર’નો મતલબ એ જ થાય કે એક પ્રધાનના હાથમાં એકથી વધુ ખાતાં હોય ત્યારે તેમણે અમલદારો પર વધુ આધાર રાખવો પડે.

પ્રધાન મંડળની પુનર્રચનાનો ગંજીપો ચીપવામાં મહત્ત્વનાં ખાતાં ધરાવતા છ કેબિનેટ પ્રધાનો સહિત બાર પ્રધાનોને પડતા મૂકાયા અને નવા ૩૬ ને દાખલ કરાયા. ૧૯૬૦ ના દાયકામાં તે વખતની કોંગ્રેસે એક જ વાર આટલી બધી મોટી સંખ્યામાં કામરાજ યોજનાના અમલ વખતે પડતા મૂકયા હતા. આમ છતાં અત્યારે જે કવાયત થઇ છે તેમાં કોવિડ મહામારીમાં અણઘડ વહીવટ, ઓકિસજન અને રસીની તંગી તેમજ બેરોજગાર બની ગયેલા આ ઉઘાડે પગે વતન હિજરત કરતાં લાખો કામદારોને ભગવાન ભરોસે છોડી દેવાયેલા તે અણઘડ કારભારને છાવરવાનો હેતુ લાગે છે. પોતાના પ્રધાનો પસંદ કરવાનો મોદીને અધિકાર છે એની ના નહીં, પણ પ્રધાન મંડળની પુનર્રચનાની તાજેતરની કવાયત મહામારી કથળતા અર્થતંત્ર અને બેરોજગારી તેમજ અન્ય સામાજિક સમસ્યાઓને ધ્યાનમાં લેતાં સામાન્ય સંજોગોમાં નથી થઇ અને તેના પ્રશ્નો ઉપસ્થિત થવાના જ છે.

સરકાર અને શાસક ભારતીય જનતા પક્ષ ભલે ઇન્કાર કરે પણ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ ખાતાના પ્રધાન ડો. હર્ષવર્ધન, શિક્ષણ ખાતાના પ્રધાન રમેશ પોખરીવાલ નિશાંક, સામાજિક ન્યાય અને સશકિતકરણ ખાતાના પ્રધાન થાવરચંદ ગેહલોત, માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકર અને કામદાર પ્રધાન સંતોષ ગંગવોરને પડતા મૂકાયા તેને સીધો કોરોનાની મહામારીની સ્થિતિ સાથે સંબંધ છે. નબળી કામગીરીને કારણે તેઓ ઘેર બેઠા કે તેમને બલિના બકરા બનાવાયા? રાજકીય વર્તુળોમાં આ પ્રશ્નો ખુલ્લેઆમ પૂછાય છે. જાવડેકર, ડો. વર્ધન અને ગંગવોરે કામગીરી સારી કરી હોવા છતાં ધાર્યું ધણીનું થાય એ ન્યાયે તેઓ ઘેર બેઠા છે. કમનસીબે પત્રકારો આ ચઢાવ-ઉતારની રમતમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

ડો. વર્ધન – કાન – નાક – ગળાંના એક પ્રતિષ્ઠિત નિષ્ણાત છે અને વિશ્વ આરોગ્ય સંગઠને શરૂ કરેલી પોલિયો રસીકરણની ઝુંબેશ સફળતાથી હાથ ધરી છે. આરોગ્ય મંત્રાલયમાં તેમને ઘરે બેસાડી બીજાને બેસાડવાથી સાચા ઇરાદા વિશે શંકા જાગે છે કારણકે નવાગંતુક કંઇ ખાસ ઉત્સાહી રાજકારણી તરીકે જાણીતા નથી. ગંગવોર ઉત્તર પ્રદેશના બરેલીમાંથી આઠ વાર સંસદસભ્ય તરીકે ચૂંટાયા છે, પણ ભારતીય જનતા પક્ષના પીઢ નેતા અડવાની અને ડો. મુરલી મનોહર જોષી જેવા વરિષ્ઠ નેતાઓની હરોળમાં માર્ગદર્શક મંડળમાં બેસવા માટે નકકી થયેલી ૭૫ વર્ષની ઉંમર કરતાં તેમના હજી ત્રણ વર્ષ બાકી છે. કેટલાકને બચાવવા માટે બીજાને કુહાડી મારવા જેવો ઘાટ છે. જૂના જોગીઓ જયાં ટસ કે મસ થવા તૈયાર ન હોય ત્યાં નવા ચહેરાઓ હંમેશાં આવકાર્ય છે. કેબિનેટના કુલ ૭૭ પ્રધાનોમાંથી અડધોઅડધ નવા ચહેરા છે, જેમાંના બાર તો પહેલી વાર સંસદસભ્ય બન્યા છે.પ્રધાન મંડળનું વિસ્તરણ અને પુનર્ગઠન ૨૦૨૨-૨૦૨૩ માં આવનારી સાત રાજયોની વિધાનસભાઓની અને ત્યાર પછી આવનારી ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જ્ઞાતિ ગણિત પર ભાર મૂકી રાજકીય સંદેશો આપે છે. આમ છતાં જ્ઞાતિવાદની બાજી પહેલી વાર કુનેહપૂર્વક રમાઇ છે:

(૧) કેબિનેટમાં પ્રમાણમાં યુવાનોને વ્યૂહાત્મક રીતે સ્થાન અપાયું છે અને કેબિનેટ પ્રધાનોની સરેરાશ ઉંમર ઘટી છે. (૨) ૭૭ માંથી ૨૭ પ્રધાનો અન્ય પછાત વર્ગોમાંથી અને બિનયાદવો છે. અન્ય પછાત વર્ગોનો વર્ગ મોટો છે અને તેમના ટેકા વિશે ચોકકસતા ન હોવાથી તેમના  પર સરકાર અને શાસક પક્ષે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અત્યારે અન્ય પછાત બિનયાદવો ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહના સમાજવાદી પક્ષને અને લાલુ યાદવના જનતા દળને ટેકો આપે છે અને ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે.

હવે પ્રધાન મંડળમાં અન્ય પછાત વર્ગોના પાંચ, બે દલિતો અને ત્રણ આદિવાસી પ્રધાનોને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. અન્ય પછાત વર્ગોને ૨૦૧૪ પછી સતત ભારતીય જનતા પક્ષને ટેકો આપવાનું ઇનામ મળ્યું છે.વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષ માટે તેઓ મહત્ત્વના છે અને ભારતીય જનતા પક્ષને લોકસભાની ચૂંટણીઓનો ૨૦૧૪ અને ૨૦૧૯ જેટલો દલિતોના પીઠબળનો ભરોસો નથી. પ્રધાન મંડળની ચૂંટણીઓ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના અન્ય સાથીઓને તેમજ પક્ષપલટુઓ માટે બેવડો સંદેશો છે. જનતા દળ (યુ) અને અપના દળની અને અન્યોને સ્થાન મળ્યું ને? રામવિલાસ  પાસવાન સ્થાપિત લોકજનશકિત પક્ષનું શું થયું? ‘ઘર ફૂટે ઘર જાય’ એવો ઘાટ થયો હોવા છતાં કૂટનીતિ સમજ પડી?           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top