ખંભાત : ખંભાત પાલિકાની મંગળવારે યોજાયેલી બજેટ બેઠકમાં ગાંગડીયા તળાવ પાસે સેલ્ફી પોઇન્ટ ઉભો કરવાના મુદ્દે વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને સેલ્ફી પોઇન્ટનો વિરોધ કર્યો હતો. એક સમયે સભા પણ વચ્ચે અટકાવવાની ફરજ પડી હતી. ખંભાત નગરપાલિકા બોર્ડ બેઠક દરમિયાન નગરપાલિકા પ્રમુખ કામિનીબેન ગાંધી અને ઉપપ્રમુખ વિજયસિંહ પરમાર (રાજભા) દ્વારા વર્ષ 2022-23 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં 46,88,77,000 આવક સામે 46,34,63,001નો ખર્ચ રજુ કરવામાં આવ્યો 54,13,999ની પુરાંત દર્શાવતું બજેટ શાસક પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ બોર્ડ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા વિધવા બહેનોને કરમુક્ત કરવા જણાવ્યું હતું. જેને વિપક્ષએ ટેકો આપ્યો હતો. આ ઉપરાંત ખંભાતની નેજા રોડ ઉપર ગાંગડીયા તળાવ પાસે સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવા અંગે શાસક પક્ષ દ્વારા નક્કી કર્યું હતું. જેનો વિપક્ષ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે, ખંભાતનો નેજા માર્ગ અકસ્માત ઝોન છે. અહીંયા વારંવાર અકસ્માતો સર્જાય છે, અકસ્માતનો સીલસીલો અહીંયા ચાલુ જ હોય છે. આથી આ જગ્યા ઉપર સેલ્ફી પોઇન્ટ બનાવવાને બદલે લોકોની સેલ્ફ લાઈફ માં સુધારો થાય તે અત્યંત જરૂરી છે.
ખંભાતમાં કરોડોના પ્રોજેક્ટ ધૂળ ખાય છે
વિપક્ષ કાઉન્સિલર ઇપતેખાર યમનીએ જણાવ્યું હતું કે, ખંભાતમાં તિલક બાગ, શહીદ બાગ ધૂળ ખાય છે. 2.25 કરોડનુ મ્યુઝિયમ ધૂળ થાય છે. બજેટમાં રૂપિયા કમાવા માટેનું જ આયોજન હાથ ધરાયું છે. બજેટમાં નારેશ્વર તળાવ બ્યુટીફીકેશન અર્થે પણ ખર્ચ બતાવવામાં આવ્યો છે. જોકે આ તદ્દન ગેરવ્યાજબી છે, શહેરમાં એલઇડી લાઇટો કોઈ સ્થાને જોવા મળતી નથી આ ઉપરાંત 5.7 કરોડ નો ઘન કચરાનો પ્રોજેક્ટ પણ અત્યારે ધૂળ ખાય છે. સિટી બસો ધૂળ ખાય છે. માત્ર શાસક પક્ષે પોતાની આવકનો સ્ત્રોત વધારવા માટે બજેટમાં આયોજનો હાથ ધર્યા છે.