આણંદ : આજના યુગમાં શિક્ષણ, માર્કેટીંગ, ફોટોગ્રાફી, જ્ઞાન-વિજ્ઞાન માટે મોબાઇલ ફોનનો ઉપયોગ વધ્યો છે, ખેડૂતો પણ ખેતીમાં સ્માર્ટ ફોન અપનાવે તે જરૂરી છે. રાજ્ય સરકારે ખેડૂતોને આ હેતુસર સ્માર્ટ મોબાઇલ ફોન ખરીદી માટે સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે. આ સ્માર્ટ ફોન ધરતીપુત્રો માટે અત્યંત ઉપકારક બની રહેશે. ખેડૂતને હવે વિવિધ સહાય – લોન માટે, વાતાવરણનો વર્તારો જાણવા, ખાતર-બિયારણ પાક પદ્ધતિ જેવી વિગતો અને માહિતી માટે ખેતર છોડી કયાંય જવું પડશે નહીં. તેમને પોતાના ખેતરમાં બેઠાં જ એટ વન કલીક આ બધી સુવિધા સ્માર્ટ ફોનમાં હાથવગી થશે. આણંદ જિલ્લામાં યોજાયેલા સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણના કાર્યક્રમમાં જણાવ્યું હતું.
રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા આયોજિત સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કલેકટર કચેરી આણંદ ખાતે કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને, જિલ્લા પંચાયત, આણંદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે કલેકટર કચેરી આણંદ અને જિલ્લા પંચાયત ખાતે ઉપસ્થિત મહાનુભાવો તથા ખેડૂત મિત્રોએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. જેમાં મુખ્યમંત્રીએ ખેડુતો-કૃષિકારોને ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી દવા છંટકાવ સહિતની કૃષિ વિષયક પદ્ધતિ તથા પ્રાકૃતિક ખેતીના વધુને વધુ ઉપયોગથી ઝીરો બજેટ – રસાયણમુકત ખેતી તરફ વળવા આહવાન કર્યુ હતું.
આ પ્રસંગે કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપી 21મી માર્ચ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હોવાથી ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મનોજ દક્ષિણી અને જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ પ્રતિકાત્મક સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લામાં 102 ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટ ફોન સહાય યોજના અંતર્ગત 5.77 લાખની સહાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલ સહિત ખંભાત, તારાપુર, પેટલાદ અને ઉમરેઠ તાલુકાના જયારે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન પ્રદિપભાઇ પટેલ અને આણંદ, બોરસદ તથા આંકલાવ તાલુકાના ખેડૂત લાભાર્થીઓ હાજર રહ્યા હતા.