સુરત(Surat): લગ્ન લાયક કન્યાઓની અછતથી સમાજ પીડાઈ રહ્યો છે. યોગ્ય મૂરતિયા હોવા છતાં યુવતીઓ મળી રહી નથી ત્યારે આવા લગ્નવાંછુક યુવકોને છેતરતી લૂંટેરી દુલ્હન ગેંગ છેલ્લાં કેટલાંક સમયથી સક્રિય થઈ છે, જે લગ્નના બહાને યુવકોને લૂંટી રહી છે. આવી એક લૂંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સૂત્રધારને સુરત પોલીસે સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
અન્ય સમાજમાંથી કન્યા શોધી ચાણોદ મંદિરમાં સગાઈ કરાવી નાણાં અને દાગીના પડાવી લેનાર લૂંટેરી દુલ્હન ગેંગના સૂત્રધાર પ્રવીણ ઉર્ફે સંજય બચુ ગાબાણીને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો છે. ગાબાણીએ નર્મદાના ઉમરલા, રાજપારડી અને ભાવનગરના ત્રણ યુવકોને છેતર્યા છે. તે 2020થી વોન્ટેડ હતો.
આ કેસની વિગત એવી છે કે મૂળ જૂનાગઢના વિસાવદર તાલુકાના વતની અને સુરતમાં કામરેજના પાસોદરા ગામ પાસે ઓમ ટાઉનશિપમાં રહેતા અલ્પેશ વજુભાઇ મેંદપરાને ગાબાણીએ ફસાવ્યો હતો. અલ્પેશને સમાજમાં કન્યા મળતી નહોતી. તે રૂપિયા ખર્ચી અન્ય સમાજની કન્યા સાથે લગ્ન કરવા પણ તૈયાર હતો. આ વાત તેણે વતનમાં પાડોશીને કરી હતી. તેથી વતનના પાડોશી જીણાભાઇએ અલ્પેશની મુલાકાત તેમના સંબંધી મહેશ ધીરુભાઈ કથીરિયાની સાથે કરાવી હતી. મહેશ કથીરિયાએ અલ્પેશને ભરુચના નેત્રંગ પાસે વાઘેચા ગામમાં એક છોકરી હોવાનું કહીને ફોટો બતાવ્યો હતો.
અલ્પેશના પરિચિત કૌશલ રીબડિયાને પણ લગ્ન કરવાના હતા. તેથી બંને જણાએ કન્યાનો ફોટો જોઇને મુલાકાત માટે તારીખ નક્કી કરી હતી. ગઈ તા. 11મી જાન્યુઆરીએ અલ્પેશ, કૌશલ રીબડિયા અન્ય સંબંધીઓને લઈ વાઘેચા કન્યા જોવા ગયા હતા. અહીં પ્રિયંકા, શીતલ અને પ્રવીણભાઈ ઉર્ફે સંજયભાઈ પટેલ હાજર હતા.
સગાઈ વખતે અલ્પેશ અને કૌશલના પરિવારજનોએ નક્કી થયા પ્રમાણે સોનાનો દાણો, ડ્રેસ અને રોકડા રૂ. 75હજાર સહિત કુલ રૂ. 1.50 લાખ રૂપિયા પ્રવીણભાઇના હાથમાં આપ્યા હતા. 21/01/2024ના રોજ લગ્ન કરવાનું નક્કી કરી બધા છૂટા પડયા હતા. ત્યાર બાદ લગ્નના બે દિવસ પહેલા જ બધાના ફોન સ્વીચ ઓફ થઇ ગયા હતા. મંદિરનો મહારાજ પણ ગાયબ થઈ ગયો હતો. તપાસ કરતા બંને યુવકો લૂંટેરી દુલ્હન ગેંગનો શિકાર બન્યાનું બહાર આવ્યું હતું.
બનાવ અંગે ભોગ બનનાર બંને યુવકોએ સરથાણા પોલીસને ફરિયાદ કરી હતી. સરથાણા પોલીસે આ પ્રકરણમાં ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ ગેંગના મુખ્ય સૂત્રધાર 49 વર્ષીય પ્રવીણ ઉર્ફે સંજય બચુ ગાબાણી (રહે. નીચલું ફળિયું, જૂનાઘાટા ગામ, રાજપીપળા)ને પકડી લીધો હતો.
આ જ મોડસ ઓપરેન્ડીથી ગુજરાતના અન્ય શહેરોના પણ ત્રણ ગુનાઓ આચર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આરોપી સામે નર્મદા જિલ્લાના ઉમરલા પોલીસ સ્ટેશન, રાજપારડી અને ભાવનગરના નિલમબાગ પોલીસ મથકમાં લગ્ન વાનછુકને છોકરી બતાવી છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.અને તે છેલા 2020થી વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું હતું.