મુંબઈ(Mumbai) : મહારાષ્ટ્રમાં (Maharashtra) ચાલતું મરાઠા આરક્ષણ આંદોલન (MarathaAarakshanAndolan) વધુ ઉગ્ર બન્યું છે. તેની અસર હવે ગુજરાતમાં (Gujarat) પણ દેખાવા લાગી છે. ગુજરાત એસટીની (ST) બસ સેવા પર આંદોલનની અસર પડી છે. ગુજરાતથી મહારાષ્ટ્ર જતી બસોને અટકાવી દેવાતા મુસાફરો અટવાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતથી મહારાષ્ટ્ર જતી બસોને સાપુતારામાં આંદોલનકારીઓ (Protest) દ્વારા અટકાવી દેવાઈછે. આંદોલનકારીઓ દ્વારા બસને નુકસાન પણ કરાયું છે, તેને લઈને ગુજરાતથી મહારાષ્ટ્ર જતા મુસાફરો અટવાયા છે.
ગુજરાત રાજ્યથી મહારાષ્ટ્ર જતી એસ ટી બસો રોકી દેવાઇ છે. જેમાં નાશિક, શિરડી, પુણે જતી એસ ટી.બસોને સાપુતારા બસ સ્ટેન્ડ પર અટકાવી દેવાઈ છે. આંદોલનકારીઓ બસને નિશાન બનાવી નુકસાન કરતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. એસ. ટી વિભાગ દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને પણ ધ્યાને લઇ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે ગુજરાત બોર્ડર સુધી જ મર્યાદિત બસનો રુટ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ તરફ ગુજરાતથી મહારાષ્ટ્રમાં જતાં મુસાફરો સાપુતારા ખાતે અટવાયા છે.
ચાર લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો
મરાઠા આરક્ષણ આંદોલન હિંસક બની રહ્યું છે ત્યારે આરક્ષણના આંદોલન સાથે સંકળાયેલા ચાર લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. આ અગાઉ એક 26 વર્ષીય યુવક રણજીત માંજરેએ ઝેરી દવા પી લીધી હતી. આ પછી રણજીત માંજરેના સમર્થનમાં દીપક પાટીલ, યોગેશ માંજરે અને પ્રશાંત માંજરેએ હોસ્પિટલના પરિસરમાં જ આ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ચારેય દેવગાંવની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મંત્રીના કાફલા પર આંદોલનકારોઓનો હુમલો
મંત્રી હસન મુશ્રીફના કાફલાના વાહનની તોડફોડ કરવામાં આવી હતી. આંદોલનના વધતા વેગ વચ્ચે સરકારને પણ લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી હસન મુશ્રીફના કાફલામાં તોડફોડ કરવામાં આવી હતી. મુંબઈમાં અજાણ્યા લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે વાહનોમાં તોડફોડ કરવામાં આવી ત્યારે હસન મુશ્રીફ વાહનમાં ન હતા.
મુખ્યમંત્રીએ બોલાવી સર્વપક્ષીય બેઠક
મરાઠા આંદોલન વચ્ચે મુખ્યમંત્રીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. મરાઠા ધારાસભ્યોએ મંત્રાલયની અંદરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિશેષ સત્ર બોલાવીને મરાઠા આરક્ષણ આપવાની માંગણી કરી છે. ધારાસભ્યો બાબાસાહેબ પાટીલ, શેખર નિકમ, રાહુલ પાટીલ, કૈલાશ પાટીલ, રાજુ નવઘરે, બાબાજાની દુર્ગાની, અમોલ મિતકરી, મોહનરાવ હંબર્ડે, વિક્રમ કાલે અને અન્ય ધારાસભ્યો સામેલ હતા.