એક દિવસ એક સીનીયર ફોટોગ્રાફર ટ્રેર્નીંગ લેવા આવનાર યુવા ફોટોગ્રાફર્સને ટ્રેર્નીંગ આપવા આવ્યા.બધા આટલા અનુભવી ફોટોગ્રાફર પાસેથી જ્ઞાન મળશે તે જાણીને ખુશ હતા.સીનીયર ફોટોગ્રાફરે પહેલાં બધાની ઓળખાણ માંગી, પછી પોતાની ઓળખાણ આપી અને કહ્યું, ‘ફોટોગ્રાફી વિષે તો તમે બધા ઘણું જ્ઞાન લઈને જ આવ્યા છો.હું તમને મારા અનુભવોની વાત કરીશ, જેમાંથી તમને ફોટોગ્રાફી વિષે તો જાણવા મળશે જ, પણ સાથે સાથે જીવન વિષે પણ ઘણું શીખવા મળશે.’આટલું કહી તેમણે પોતાનો કેમેરા બાજુ પર મૂકી પોતાના જીવનની શરૂઆતથી વાત કરવાની શરૂ કરી.
પોતાના સંઘર્ષના દિવસો કહ્યા. હવે ફોટોગ્રાફરે બધાને પોતાના કેમેરા બહાર કાઢવા કહ્યું.બધાએ પોતાના કેમેરા બહાર કાઢ્યા અને હવે સર શેનો ફોટો પાડવા કહેશે તે જાણવા આતુર બન્યા.સીનીયર ફોટોગ્રાફર બોલ્યા, ‘અરે વાહ, બધા પાસે લેટેસ્ટ ડીએસએલઆર કેમેરા છે, શું વાત છે.હવે તમે મને કહો, શું તમારો કેમેરા તમારી સાથે વાત કરે છે કે તમે તેની સાથે વાત કરો છો? શું તમારા આ એકદમ લેટેસ્ટ કેમેરા પાસેથી તમે કૈંક શીખ્યા છો?’ આવા સવાલ સાંભળી કોઈને કંઈ સમજાયું નહિ કે સર શું કહેવા માંગે છે.બધાને મૂંઝાયેલા જોઇને સીનીયર ફોટોગ્રાફર પોતાનો બાજુ પર મૂકેલો કેમેરા ઉપાડી બોલ્યા, ‘અરે, મારી પાસે મારો પહેલો કેમેરા પણ આજે સાચવેલો છે અને આજનો લેટેસ્ટ ટેકનોલોજીવાળો આ લેટેસ્ટ ડીએસએલઆર કેમેરા પણ છે.
હવે હું તમને કહું કે આ તમારો લેટેસ્ટ કેમેરા તમને શું લાઈફ લેસન સમજાવે છે. ચાલો તમે બધા જયાં છો ત્યાંથી આ રૂમની કોઈ પણ એક વસ્તુ પર તમારા કેમેરાનું ફોકસ કરો…પણ માત્ર ફોકસ કરજો, હમણાં ફોટો પાડવાનો નથી.’ બધાએ સરે કહ્યું તેમ કર્યું…અને સર કયારે ફોટો પાડવા કહે છે તેની રાહ જોવા લાગ્યા.સર બોલ્યા, ‘અત્યારે તમારા બધા પાસે લગભગ લેટેસ્ટ ડીએસએલઆર કેમેરા છે, જેની ટેકનોલોજી છે કે તે જે તરફ ફોકસ કરવામાં આવે તેને બરાબર મુખ્ય કેન્દ્રમાં રાખે છે. બાકી આજુબાજુનું દૃશ્ય ધૂંધળું કરી નાખે છે.આ તમારો કેમેરા તમને એક મંત્ર સમજાવવા માંગે છે કે આ જ રીતે તમે માત્ર અને માત્ર તમારા જીવનના લક્ષ્ય પર ધ્યાન આપજો. બાકી બીજી બધી વાતોને ધૂંધળી રાખજો, દૂર રહેજો,ભૂલી જજો તો જીવનમાં ચોક્કસ લક્ષ્યને મેળવી શકશો.આ મારી સફળતાનો મંત્ર છે કે જે મેળવવું હોય માત્ર તેની પર ધ્યાન આપો.ચારે બાજુ ફાંફા ન મારો.એક દિશામાં ધ્યેય નક્કી કરી આગળ વધો.’સીનીયર ફોટોગ્રાફરે પોતાના ફોટોગ્રાફીના અનુભવમાંથી સફળતાનો ફોટો કેમ પાડવો તે સમજાવ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે