હાલોલ : એસટી ડ્રાયવર પાસે ડેપો મેનેજર હેમંત પટેલે રૂટ બદલવા અંગે 10,000/- રૂપિયા લાંચની માંગણી કરતા એસટી ડ્રાયવર એક જિલ્લા એ.સી.બી.પોલીસનો સંપર્ક સાધતા એ.સી.બી.ટીમે છટકું ગોઠવ્યું હતું જેમાં ડેપો મેનેજર રંગે હાથે લાંચ લેતા ઝડપાઈ જતા એ.સી.બી પોલીસે તેમની સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ ખાતે રહેતા રોહિતભાઈ મનહરલાલ સોની વર્ષ 2018થી હાલોલ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે.
જેમાં તેઓ દાહોદ સુરતના લોંગ રૂટની એસ.ટી. પર પોતાની સેવાઓ આપતા હતા જેમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાલોલ એસ.ટી. ડેપોના મેનેજર હેમંત પટેલ તેઓને દાહોદ સુરત રૂટની એસ.ટી.બસ પરથી હટાવી દઈ લોકલ રૂટો પર અલગ-અલગ સ્થળે મોકલી તેઓની પાસે નોકરી કરાવતા હતા જેમાં રોહિતભાઈએ હેમંત પટેલને પોતાના જુના દાહોદ સુરત રૂટ પર ફરી મોકલવાની માંગણી કરતા ડેપો મેનેજર હેમંત પટેલે તેઓની પાસે 10,000/- રૂપિયાની લાંચની માગણી કરી હતી જેમાં રોહિતભાઈ 5,000/- રૂપિયા આપવા માટે સંમત થયા હતા.
પરંતુ ડેપો મેનેજર 10,000/- રૂપિયાની જીદ લઇ પોતાની વાત પર અડગ રહેતા રોહિતભાઈએ આ બાબતે ડેપો મેનેજર ની સામે ન જુકવાનો નિર્ણય કરી પંચમહાલ જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો શાખા ગોધરાની કચેરી ખાતેના અધિકારીનો સંપર્ક સાધી સમગ્ર બાબતે જાણ કરી હતી જેમાં અધિકારીએ તેમને સમજાવીને લાંચ આપવા બાબતે છટકું ગોઠવ્યું હતું જેમાં બુધવારના રોજ હાલોલના ગોધરા રોડ પર એસ.ટી વર્કશોપ ખાતે ડ્રાયવર રોહિતભાઈ એસ.ટી ડેપો મેનેજર હેમંત પટેલ ને 10,000/- રૂપિયાની લાંચ આપવા પહોંચ્યા હતા જ્યાં તેઓએ 10,000/- રૂપિયાની રકમ લાંચ સ્વરૂપની હેમંત પટેલને આપતા ગોઠવેલા છટકામાં પ્રમાણે એ.સી.બી.ની ટીમે અચાનક ત્રાટકી ડેપો મેનેજર હેમંત પટેલને રંગે હાથે લાંચ લેતાં ઝડપી પાડયા હતા.