કોરોના કાળમાં રાજ્યમાં બે જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મોત નીપજ્યા હતા, તેની તપાસ માટે નીમાયેલા જસ્ટીસ ડી.એ. મહેતા તપાસ પંચનો આખરી રિપોર્ટ મંગળવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયો હતો. જેમાં જસ્ટીસ મહતાએ બન્ને હોસ્પિટલના મેનેજમેન્ટ સામે પગલા લેવા ભલામણ કરી છે. ખાસ કરીને અમદાવાદમાં નવરંગપુરામાં શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ માટે ટ્રસ્ટી – મેનેજમેન્ટને જવાબદાર ઠેરવવામાં આવી છે. જ્યારે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગ માટે ધમણ વેન્ટિલેટરને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. જસ્ટીસ મહેતાએ તેમના તારણોમાં એવુ નિરીક્ષણ કર્યુ છે કે ધમણ વેન્ટિલેટર હોસ્પિટલને દાનમાં મળ્યું છે, એટલે તેના માટે હોસ્પિટલને જવાબદાર ના ઠેકરવી શકાય જો, કે હોસ્પિટલના મેનેજમેન્ટ સામે પગલા લેવાવા જોઈએ.
શ્રેય હોસ્પિટલ આગ્નિકાંડમાં 8 દર્દીના મૃત્યુ થયા હતા
અમદાવાદમાં 6 ઓગસ્ટ 2020ના રોજ બનેલી નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલની આગની ઘટનામાં 8 દર્દીએ જીવ ગુમાવ્યો હતો. પંચ દ્વારા 232 પાનાનો અહેવાલ તૈયાર કરાયો છે. આઈસીયુ વોર્ડ નંબર 8માં રાત્રે 3.30 વાગ્યે અચાનક આગ લાગી હતી. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. આ આગની ઘટનામાં 5 પુરૂષ અને 3 મહિલાઓનું મૃત્યુ થયુ હતું. આ સમગ્ર માલો છેક ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.
તપાસ પંચના તારણો
– શ્રેય હોસ્પિટલની ઘટનામાં ખાસ કરીને હોસ્પિટલના સ્ટાફને ફાયર ફાઈટિંગની કોઈ તાલીમ અપાઈ નહોતી
– શ્રેય હોસ્પિટલમાં કોઈ ફાયર એલાર્મ કે ઓટોમેટિક સ્પ્રિંકલર લગાડવામાં આવ્યું નહોતું.
– આગ વખતે હોસ્પિટલ સ્ટાફ તથા પોલીસ જવાને દર્દીઓને બહાર કાઢયા હતા છતાં તેનાથી ટ્રસ્ટીની જવાબદારી ઓછી થતી નથી.
– એક દર્દી સારવાર દરમ્યાન સતત માસ્ક કાઢી નાંખતો હોવાથી તેમને તો બેડ સાથે બાંધેલા હતા. તે દરમ્યાન આગ લાગતા તેમને બેડથી છોડાવી શકાયા નહોતા, જેના કારણે તેનું મૃત્યુ થયુ હતું.
– શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટીએ સ્વીકાર્યુ હતું કે દર્દીઓ ગુંગળાઈને મર્યા હતા.
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ આગ કાંડમાં છ દર્દીના મોત થયા હતા
જસ્ટીસ મહેતા પંચ દ્વારા રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 5 ડિસે. 2021ના રોજ બનેલી આગની ઘટનામાં 6 દર્દીઓનું મૃત્યુ થયુ હતું. 205 પાનાના રિપોર્ટમાં જસ્ટીસ મહેતાએ નોધ્યું છે કે ધમણ વેન્ટિલેટરમાં આગના કારણે કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી.
તપાસ પંચના તારણો
– ખાસ કરીને હોસ્પિટલના બેડ નંબર 103ના વેન્ટિલેટર ધમણમાં ધડાકા સાથે આગ લાગી હતી.
– ઓક્સિજન સપ્લાય માટેની પાઈપથી આગ અન્ય જગ્યાએ ફેલાઈ હતી
– દર્દીઓની નજીકમાં લાગેલી આગને ધાબળા વડે ઓલવવાનો પ્રયાસ થયો હતો.
– આઈસીયુ વોર્ડમાં વાયરમાં આગ લાગી હતી, તે પછી આગળ વધીને વેન્ટિલેટર સુધી પહોંચીને ધડાકો થયો હતો.
– ધમણ વેન્ટિલેટરના વાયરથી આગ લાગી હતી
– હોસ્પિટલ દ્વારા ધમણ વેન્ટિલેટર ખરીદયા નહોતા, જો કે તે હોસ્પિટલને દાનમાં મળ્યા હતા.
– હોસ્પિટલમાં બહાર નીકળવાનો રસ્તો બ્લોક હતો એટલે દર્દીઓ જલ્દીથી બહાર નીકળી શકયા નહોતા.
– હોસ્પિટલની મેનેજમેન્ટ કે ભાગીદાર તેની જવાબદારીમાંથી છટકી ના શકે.