Business

મહિલાઓની બહુમતી અને 90 ટકા શિક્ષિત ગામ કાકડવેરી

ખેરગામ તાલુકાનાં કેટલાંય ગામો આજે શિક્ષણ પ્રત્યે જાગૃત થયાં છે. એવું જ એક ગામ છે કાકડવેરી. સરકારની વસતી ગણતરી પ્રમાણે કુલ જન સંખ્યા 2024 છે. જેમાં મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે. 1016 મહિલાની સામે પુરુષની સંખ્યા 1008 છે. 348.52.80 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ ગામમાં આરોગ્યની સુવિધા માટે પેટા આરોગ્ય કેન્દ્ર પણ ઊભું કરાયું છે. એ સાથે બે પ્રાથમિક શાળા, 2 આંગણવાડી, 1 પોસ્ટ ઓફિસ, એક સસ્તા અનાજની દુકાન, 5 મંદિર, 2 દૂધમંડળી, 1 સ્મશાનભૂમિ આવેલી છે. ગામના 8 વોર્ડમાં ગામના સરપંચની કુનેહથી વિકાસ કામોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એ માટે ગ્રામજનો પણ સહકાર આપી રહ્યા છે. કાકડવેરીમાં પાણીની સુવિધા માટે મોટી ટાંકી ઊભી કરવામાં આવી છે. એ સિવાય 25 નાની ટાંકી છે. જે લોકોને પાણીની જરૂરિયાત પૂરી પાડે છે.

14 ભૂગર્ભ ટાંકા થકી પણ પાણી મળી રહે છે. વિકાસ કામો માટે પણ ગ્રામ પંચાયતે સુવ્યવસ્થિત આયોજન કરતાં ગામની કાયાપલટ થઈ છે. મહત્તમ ફળિયાંમાં પેવર બ્લોક અને ડામરના રસ્તા જોવા મળે છે. એ સિવાય મનરેગા યોજના થકી 156 લોકોને રોજગારી મળી છે. કાકડવેરી ગામમાં સહકારી મંડળી થકી સહકારી ક્ષેત્રનો વિકાસ થયો છે. આ સહકારી મંડળીમાં કાકડવેરી, તોરણવેરા, જામનપાડા, પાટી, વડપાડા ગામનો પણ સમાવેશ થાય છે. આ સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે જમસુભાઈ જી.ચૌધરી, મેનેજર તરીકે રમણભાઈ એન.પટેલ ફરજ બજાવે છે. શિક્ષણની વાત કરીએ તો કાકડવેરીના 90 ટકા લોકો શિક્ષિત છે. જેને કારણે વિવિધ સરકારી વિભાગોમાં ઉચ્ચ હોદ્દા ઉપર ગામના શિક્ષિતો ફરજ બજાવી રહ્યા છે. તો કેટલાક સરકારી વિભાગોમાં ફરજ બજાવી વય નિવૃત્ત પણ થયા છે.

જેમાં હરકિશનભાઈ પી.પટેલ એસઆરપીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તો ઠાકુરભાઈ મંછુભાઈ પટેલ મામલતદાર તરીકે સેવા બજાવી સેવાનિવૃત્ત થયા છે. વધુમાં સુરેશભાઈ મણિલાલભાઈ ગરાસિયા આદિજાતિ ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવે છે. જ્યારે દિવ્યેશ ડી.કેદારિયા નાયબ મામલતદાર તરીકે વલસાડમાં સેવારત છે. તો દિનેશભાઈ ચીમનભાઈ પટેલ વકીલના વ્યવસાય સાથે જોડાયેલા છે. ગામના જ ઠાકોરભાઈ ખુશાલભાઈ પટેલ અમદાવાદ કોલેજમાં પ્રોફેસર છે. જ્યારે ધીરજભાઈ ચીમનભાઈ પટેલ અને તેમનાં પત્ની આશાબેન પણ ઉપલેટાની કોલેજમાં પ્રોફેસર છે. તો અંબેલાલ રણછોડભાઈ પટેલ ભાવનગરની કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા બજાવે છે.

  • અમારા ગામના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે: દયાનંદ પટેલ

કાકડવેરી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દયાનંદ પટેલે જણાવ્યું હતું કે, અમારા ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. પરંતુ ઉનાળામાં પાણીની તંગીના કારણે ખેતી કરાતી નથી. જેથી પૂરક વ્યવસાય પશુપાલન અમારા ગામના લોકોનો મુખ્ય આધાર છે. જેથી અમારા ગામના લોકો પશુપાલન પર નભે છે. કાકડવેરી ગામના લોકોને સિંચાઈનાં પાણી મળી રહે એ માટે ઉચ્ચ કક્ષાએ ગામના આગેવાનો સાથે રજૂઆત કરી છે.

  • જિલ્લા પંચાયતનાં સભ્ય સુમિત્રાબેન ગરાસિયા વિકાસનાં કામો કરવા અગ્રેસર

આ બાબતે કાકડવેરી ગામના જિલ્લા પંચાયતનાં સભ્ય સુમિત્રાબેન ગરાસિયાએ જણાવ્યું હતું કે, આદિવસી વિસ્તારોમાં શિક્ષણની ભૂખ જાગી છે. આજે તમને એવા વિસ્તારો ભાગ્યે જ જોવા મળશે, જ્યાં આદિવાસીઓનાં બાળકોએ કાઠું ન કાઢ્યું હોય. બીજી બાજુ કાકડવેરી ગામમાં આરોગ્ય અને પ્રાથમિક સુવિધા પણ હાલમાં સારી એવી ઉપલબ્ધ છે. સરકારી યોજનાઓનો લોકોને વધુમાં વધુ લાભ મળી રહ્યો છે.

  • કાકડવેરી ગ્રામપંચાયત
  • સરપંચ- ચંપાબેન નવનીતભાઈ નાયક
  • ડેપ્યુટી સરપંચ- દયાનંદ કાલીદાસભાઈ પટેલ
  • સભ્ય
  • અરુણાબેન કલ્પેશભાઈ પટેલ
  • રાહુલભાઈ જયંતીભાઈ સોલંકી
  • કલ્પના બેન જયંતીભાઈ પટેલ
  • પુષ્પાબેન કલ્પેશભાઈ ગામીત
  • વિજયભાઈ રણછોડભાઈ ગવલી
  • દિનેશભાઈ મોહનભાઇ નાનકા
  • સુધાબેન જીતેશભાઈ ગાવીત
  • દસ વર્ષમાં રસ્તા અને વીજળીના પ્રશ્નો હલ થયા

આ બાબતે ગામના અગ્રણી નિતેશભાઇએ જણાવ્યું હતું કે, આજથી ૧૦ વર્ષ પહેલાની વાત કરું તો તે સમયે અમારા ગામમાં વીજળીનો પ્રશ્ન ખૂબ જ મોટો હતો. ક્યારેક જમવાના સમયે તો ક્યારેક રસોઈ બનાવવાના સમયે લાઈટ જતી રહેતી હતી. પરંતુ હવે ખૂબ જ બદલાવ આવ્યો છે. એક સમય એવો હતો કે શેરીઓમાં કાદવ-કીચડ થતો હતો. પરંતુ આજે મોટા ભાગના ફળિયામાં ૮૦ ટકા જેટલા રસ્તા બની ગયા છે. અગાઉ લોકો કાચા મકાનમાં રહેતા હતા. પરંતુ એ બાદ ઈન્દિરા આવાસ યોજના આવી હતી. પરંતુ એ યોજના નિષ્ફળ ગઇ. સરકારો બદલાતા સરદાર આવાસ યોજના અમલમાં આવી અને ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં જ રૂપિયા જમા થતાં લોકો તેમાં વધારાના પૈસા ઉમેરી આજે સારી રીતે પોતાનું ઘર બનાવી રહ્યા છે. પહેલા કરતા અમારા ગામમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે.

Most Popular

To Top