Charchapatra

નાનકડી સુધારણાની મોટી ભૂમિકા

ટ્રાફિકના ખૂબ જ સરળ પણ વધારે અગત્યના મુદ્દા પર પ્રકાશ પાડવાની જરૂર પડી છે. જે સુરતના લગભગ દરેક ચાર રસ્તા પર જોવા મળે છે. •જ્યારે ટ્રાફિક સિગ્નલ લાલ હોય ત્યારે સામાન્ય નિયમ મુજબ ડાબી બાજુ જવા માંગતાં વાહનોને અટક્યા વગર ડાબી બાજુ વળીને આગળ જવાની છૂટ હોય છે જો રસ્તો સ્પષ્ટ- સાફ અને આગળ કોઈ અવરોધ ન હોય…! •⁠પરંતુ, થાય છે એવું કે, જે વાહનોને સીધા જ જવાનું હોય છે તેઓ આખો રસ્તો રોકીને, ડાબે વળવાની જગ્યા પણ રોકીને ઊભાં રહી જાય છે.

એક રીતે જોતાં, આ બાબત એ સીધાં જનારાં વાહનચાલકોનું રસ્તા પર અતિક્રમણ જ કહી શકાય…! •⁠આને કારણે નિયમ મુજબ આગળ વધવાની છૂટ હોવા છતાંય ડાબી બાજુ જનારાં વાહનચાલકો આગળ જઈ શકતા નથી. એમણે ત્યાં જ અટકી જવું પડે છે. •આ નાની બેદરકારી/ભૂલને કારણે ડાબી બાજુનો પ્રવાહ અટકી જાય છે, જેનાથી પાછળ વાહનોની લાંબી કતાર જામ થવા લાગે છે અને બિનજરૂરી ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થાય છે. •જો કે, આ સમસ્યા માત્ર કાયદાના અમલની નહીં, પણ ટ્રાફિક શિષ્ટાચાર અને સામાજિક જવાબદારીને લગતી બાબત પણ છે. •ઉપરાંત, ચાર રસ્તા પર ડાબી બાજુ વળવા માટેની લેનને સ્પષ્ટ રીતે અલગ દર્શાવવા માટે સફેદ પટ્ટાનું માર્કિંગ અને વધારે સ્પષ્ટ અને મોટાં સાઈનબોર્ડ હોવાં જોઇએ.
સુરત     – ચારુલતા અનાજવાળા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top