Comments

ચીનના વિદેશ મંત્રીની ભારતની મુલાકાત પાછળનો મુખ્ય હેતુ

ચીનના વિદેશ મંત્રી વાંગ યી તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. જો કે તેઓ ભારત આવતાં પહેલાં પાકિસ્તાન જઈને આવ્યા હતા અને PoK સમેત પાકિસ્તાનના સામે ઊભા થતા કોઈ પણ પડકારમાં ચીન પાકિસ્તાનની સાથે એક સાચા મિત્ર તરીકે ઊભો રહેશે એવી વાત તેમણે ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC)ના દેશોની બેઠકમાં કરી અને કાશ્મીર મુદ્દે આ દેશોના વલણને ટેકો આપ્યો હતો. ભારતે વાંગ યીની ટિપ્પણી ફગાવતા કાશ્મીરને ભારતની આંતરિક બાબત ગણાવી એ મુદ્દે કોઈ પણ દેશને દખલ કરવાનો અધિકાર નથી એવું સ્પષ્ટ વલણ અપનાવ્યું હતું. ભારતે બેઇજિંગના નેતૃત્વને યાદ અપાવ્યું કે ભારત ચીનના આંતરિક મુદ્દાઓ પર જાહેર નિર્ણયથી દૂર રહે છે. ભારત સામાન્ય રીતે તાઈવાન, તિબેટ, હોંગકોંગ, માનવાધિકાર ઉલ્લંઘન અને શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગુર વિરુદ્ધ અત્યાચારો સહિત તેના આંતરિક મુદ્દાઓ પર ચીનની ટીકા કરતું નથી.

લડાખ ગલવાનની ખીણની અથડામણ બાદ પહેલી વાર ભારતના પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાતમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે એલએસીનો વિવાદ ઉકેલાશે નહીં ત્યાં સુધી ભારત-ચીન વચ્ચે સંબંધો સામાન્ય થશે નહીં. ચીન સાથે ભારતના સંબંધો સુમેળભર્યા અને સ્થિર થાય એવું ભારત ઈચ્છે છે પણ એ માટે સરહદે શાંતિ સ્થપાય એ પાયાની જરૂરિયાત છે. મુલાકાતમાં હાજર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વિવાદિત સ્થળોએ સૈન્ય પાછું ખેંચવાની રજૂઆત કરી હતી જેમાં સૂર પુરાવતા જયશંકરે કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચે સરહદી વિવાદ ઉકેલવાના પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ એ પ્રક્રિયા ગોકળગાયની ગતિએ ચાલે છે, તેને ઝડપી બનાવી વિવાદ ઉકેલવો જોઇએ. બંને દેશોના વિદેશી સંબંધો યુએનના આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે હોવા જોઈએ. ભારત ઈચ્છે છે ચીન અત્યારે જે લાઇન ઓફ એક્ચ્યુયલ કંટ્રોલ સુધી આવ્યું છે ત્યાંથી પાછા હટીને અગાઉની લાઇન ઓફ કન્ટ્રોલ સુધી જવું જોઈએ,

જે વાત એક યા બીજાં કારણોસર ચીન ટાળી રહ્યું છે. સ્વાભાવિક છે કે ચીન અત્યારે જ્યાં સુધી પહોંચ્યું છે તેને બંને દેશો વચ્ચેની સરહદ તરીકે સ્વીકારવા ભારત સંમત થઈ શકે નહીં. લડાખ વિવાદ બાદ બંને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે ૧૫ બેઠકો થઈ ચૂકી છે, જેનું કોઇ પરિણામ આવ્યું નથી. પેંગોંગ લેક ક્ષેત્રમાં ૫ મે, ૨૦૨૦ ના રોજ બંને તરફ ભારે હથિયારો સાથે સૈનિકો તૈનાત કરાયા હતા. ફેબ્રુઆરી ૨૦૨૧ માં બંને પક્ષો વચ્ચે ઉત્તર અને દક્ષિણનાં ક્ષેત્રોના વિવાદ પર વાટાઘાટો દ્વારા ઉકેલ આવ્યો, પણ પોતાની આડોડાઈ ચાલુ રાખતા અત્યાર સુધી ચીને પોતાનું સૈન્ય હટાવ્યું નથી તેને લીધે ૫૦ હજાર હથિયારધારી સૈનિકો હજુ પણ બોર્ડર ઉપર હાજર છે. પૂર્વીય લડાખમાં સરહદ પર શાંતિ માટે એક તરફ ચીન વાટાઘાટોનું નાટક કરતું રહે છે અને બીજી તરફ હિમાલયમાં ભારતની સરહદ નજીક એક પછી એક ગામો વસાવતું રહે છે. અત્યાર સુધીમાં ૬૨૪ ગામ ચીન દ્વારા વસાવ્યાં હોવાનું બહાર આવ્યું છે.

પણ ચીનના વિદેશ મંત્રી ભારત આ પ્રશ્નની મર્યાદિત ચર્ચા માટે નહોતા આવ્યા. માધ્યમોમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલો મુજબ બેઇજિંગ દ્વિપક્ષીય સંવાદને પુનર્જીવિત કરવા માટે નવી દિલ્હી સુધી પહોંચ્યું તેનો ઉદ્દેશ્ય આ વર્ષના અંતમાં ચીનમાં યોજાનાર BRICS સમિટ માટે સ્ટેજ તૈયાર કરવાનો છે. ચીન ઈચ્છે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટ માટે રૂબરૂ ઉપસ્થિતિ રહે, જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ હાજરી આપશે. અત્યારે રશિયા યુક્રેન પરના તેના આક્રમણ માટે વૈશ્વિક વિરોધનો સામનો કરી રહ્યું છે. બ્રિક્સના સભ્યોમાંથી એક હોવાના નાતે રશિયા પણ સમિટનો ભાગ હશે અને રશિયન નેતા સાથે એક મંચ પર ઊભા રહેવું એ એક પ્રકારનું સમર્થન માનવામાં આવશે. વળી ભારત-ચીન વચ્ચે સરહદી વિવાદ શમ્યો નથી. આ બધી મડાગાંઠ વચ્ચે પીએમ મોદી મીટિંગ માટે ઝિયામેન જશે તેની ખાતરી ચીનને હોય એમ લાગતું નથી. જોઈએ રાજનીતિની આ શતરંજમાં ચીન કેટલું સફળ થાય છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top