ડાકોર: ઠાસરા તાલુકાની મોટી કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. પરંતુ, આ કેનાલની બંને બાજુ જર્જરિત થઈ ગઈ છે. તેમજ કેનાલ ની અંદર ઉતરવા માટેના પગથિયા પણ તૂટી ગયા છે. જેને પગલે આ કેનાલમાં ગાબડું પડવી ભિતી સેવાઈ રહી છે. ત્યારે, તંત્ર દ્વારા વહેલીતકે આ જર્જરિત કેનાલની મરામત કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ઠાસરા થી ખાખણપુર ને જોડતી મુખ્ય કેનાલની ખેડુતો માટે આશીર્વાદરૂપ છે. અનેક ખેડુતો આ કેનાલના પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગ કરે છે અને મબલક પાક ઉત્પન્ન કરે છે. પરંતુ, તંત્રની લાપરવાહીને કારણે આ કેનાલ જર્જરિત બની છે. કેનાલની બંને સાઈડોમાં ઠેર-ઠેર પોપડા ઉખડી ગયાં છે.
જેને પગલે આ કેનાલમાં ગાબડું પડવાની ભિતી સેવાઈ રહી છે. જો આ મુખ્ય કેનાલમાં ગાબડું પડે અને ખેડૂતોને નુકસાન થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ ઉઠવા પામ્યાં છે. છેલ્લા ઘણા વર્ષોથી આ મુખ્ય કેનાલની બંને સાઈડોનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી. જેથી આવનાર સમયમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી દહેશત છે. નેશ ગામથી આ કેનાલ પસાર થાય છે, ત્યાં પણ મોટા પ્રમાણમાં નહેર તૂટેલી હાલતમાં છે. તેમજ એક જાગૃત નાગરિકના જણાવ્યાં મુજબ નેશ ગામથી પસાર થતી કેનાલ ઉપર બનાવવામાં આવેલ પુલ પણ જર્જરિત થઇ ગયો છે. કેનાલ ઉપરના બધા જ પુલની હાલત પણ દયનીય બની જવા પામી છે. ત્યારે, જવાબદાર તંત્ર દ્વારા સત્વરે આ અંગે તપાસ કરી, મુખ્ય કેનાલનું વહેલીતકે નવીનીકરણ કરવામાં આવે અને બંને તરફ સેફ્ટી રેલીંગો લગાવવામાં આવે તેવી જાગૃત નાગરિકોની માંગણી અને લાગણી છે.