લુણાવાડા : મહિસાગરના મલેકપુર ગામ નજીક દોલતપુરા ગામ પાસે આવેલી મહિસાગર નદીનો પુલ સાવ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. પુલની આવી હાલત હોવા છતા તંત્ર તરફથી કોઈપણ પગલા ભરવામાં ન આવતા લોકો રોષે ભરાયા છે અને પુલનું નવનિર્માણ કરવા માંગ ઉઠી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામ નજીક આવેલી મહિસાગર નદીનો પુલ સાવ ખખડધજ હાલતમાં જોવા મળે છે.પુલ ઉપરના ભાગનો રસ્તો ખાડાથી ઉબડ ખાબડ, બહાર નિકળેલા લોખંડના સળિયા સહિત વેર વિખેર થયેલ કોન્કરેટ, સિમેન્ટથી છૂટ્ટો પડેલ છે. જેના કારણે મલેકપુર વિસ્તારની પ્રજા સહિત આટલવાડા, માલા મહુડી, તાતરોલી, ભાગલીયા, બોકન નાડા, ખાતવા, કોલંબી, રહેમાન, આકલીયા, ખાનપુર, કારંટા, તલવાડા, વેલણવાડા, વાંટા, પઢારા, બુચાવાડા, અમથાણી, રણકપુર, ઢીગલવાડા, જોગણ, ઘાસવાડા, કાકરી મહુડી, દેદાવાડા, ડિટવાસ, સહિત અન્ય ગામોની પ્રજાના જીવન સાથે ખેલ ખેલાય રહ્યો છે.
પુલને કારણે ભવિષ્યમાં મુશાફરો અકસ્માતે મોતના ઘાટ ઉતારે તેવું જોવા મળે છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા,ખાનપુર, કડાણા, સંતરામપુર, વિરપુર, બાલાસિનોર તાલુકાની પ્રજા પણ આ પુલ ઉપયોગી કરે છે. દૂરદૂરથી આવતાં જતાં આ વાહનચાલકો માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પુલ ઉપરના બંને તરફના સળિયા પણ સાવ તૂટી ગયા છે.વાહન ચાલતું હોય ત્યારે પુલનો અવાજ આવે છે અને પુલ થરથરે છે. આથી, આ પુલ ક્યારે નીચે બેસી જાય તે નક્કી કહેવાય નહિ. જેના કારણે આ પુલની મરામતથી માંડી નવા પુલનું નિર્માણ વહેલી તક શરુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
મલેકપુરમાં ઘર વખરીનો સામાન ખરીદવા લોકોની ભીડ જામે છે
મલેકપુર વેપારી મથક હોવાથી ઘર વખરીનો સામાન ખરીદવા અવાર નવાર આજુબાજુના ગામના લોકો આવે છે. આથી તેમની સલામતિ માટે વહેલી તકે મહીસાગર નદીનો પુલ સુસજ્જ નવો બને રાહ જોવાઇ રહી છે. પ્રજાની આ માંગ પૂરી થશે કે કેમ તેવી ચર્ચા ઓ જોર શોરથી થતી જોવા મળે છે.