આજે તો લોકોને ખાવા પીવાનું ભલે નહિ મળે પણ ફોન વગર તો નહીં જ ચાલે. કેટલાક લોકો એવા છે જેમને રાત્રે ઊંઘતા પહેલાં અને જાગીને તરત જ ફોન લેવાની આદત છે ફોન વગર તો જાણે તેમનું શરીર જ કામ કરતું અટકી જાય. આમાંના કેટલાક લોકો તો એવા હોય છે જે ફોનની બિનજરૂરી આદત છોડવા ઈચ્છે તો પણ છોડી નથી શકતા. તો બીજી તરફ એવાં પણ કેટલાક લોકો છે જેઓ હવે ફોનની કેટલીક એપ થી એટલા કંટાળી ગયા છે કે કામ સિવાયની એપ ડિલીટ કરીને ફોનનો ઉપયોગ જ નહિવત કરી દીધો છે અને ફોનમાં વેડફાતો સમય હવે પરિવારના સભ્યોને કે પોતાની મનગમતી પ્રવૃતિને આપી રહ્યા છે. તો કેટલાક લોકો ફોનના ઉપયોગ થકી ઉપયોગી કાર્યો પણ કરી રહ્યાા છે
મોબાઇલમાંથી બચાવેલો સમય એટલે ખરી જિંદગી
દુનિયામાં મોબાઈલ ન હતો ત્યારે પણ સંબંધો તો જીવતા જ હતા અને આજે જ્યારે મોબાઈલ હાથવાગો છે ત્યારે પણ સંબંધો તો જીવે છે પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી. મોબાઈલ આજના યુગની એવી શોધ છે કે જેની કેટલીક એપ્સ દ્વારા આપણા ઘણા ખરા કામો ઘરે બેઠા કરી શકીએ છીએ જેથી સમયની પણ બચત થાય છે અને એ બચેલા સમયનો ઉપયોગ આપણે અન્ય કામ માટે કે પોતાનો શોખ પૂરો કરવા માટે કરી શકીએ છીએ. જ્યારે કેટલાક લોકો એવા પણ છે કે જેઓ મોબાઇલની કેટલીક એપ્સના કારણે એટલા કંટાળી ગયા છે કે, વાતચીત કરવા સિવાય મોબાઈલ ફોનનો ઉપયોગ જ નથી કરતા અને એ સમય દરમિયાન પોતાનું કામ કરે છે, ગમતાં શોખ પૂરા કરે છે કે પછી ફક્ત પરિવારને સમય આપે છે. તો ચાલો મળીએ આવા કેટલાક સુરતીઓને જેઓ આજના ડિજિટલ યુગમાં પણ મોબાઈલથી પોતાની જાતને અળગી રાખે છે.
યુ ટ્યુબ પરથી રેસિપી જોઈને ફેમિલીને ખવડાવું છું: સોનલ વ્યાસ
શહેરના અમરોલી વિસ્તારમાં રહેતાં 48 વર્ષીય સોનલબેન વ્યાસ જણાવે છે કે, આજે ભલે ફોનમાં અવનવી આકર્ષક એપ ઉપલબ્ધ હોય પણ હું ફકત યુ ટ્યુબ પર રેસિપી જ જોવાનું પસંદ કરું છુ. મારી આસપાસ દરેકને ફોનમાં ખોવાયેલા જોઈને હું અકળાઇ ઉઠું છુ અને મને લાગે છે કે, ફોનના વધુ પડતાં ઉપયોગને કારણે પરિવારના સભ્યો એકબીજાથી દૂર થઈ રહ્યા છે. જેથી હું ફોનમાં મનોરંજનની કોઈ એપ ડાઉનલોડ ન કરીને યુ ટ્યુબ દ્વારા નવી નવી રેસિપી બનાવીને પરિવારને ખવડાવવાનો શોખ પૂરો કરું છુ.’
બિનજરૂરી એપનો ઉપયોગ ટાળીને સંગીતનો શોખ પૂરો કરું છું: મહેશ દેસાઇ
મેડિસિનના વ્યવસાય સાથે સંકળાયેલા મહેશભાઇ દેસાઇ જણાવે છે કે, ‘મારૂ કામ એવું છે કે મારા મેડિસિનના ઓર્ડર અને પેમેન્ટની પ્રોસેસ ફોન દ્વારા કરવી પડતી હોય છે પરંતુ એ સમય દરમિયાન સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી હું અન્ય સોશ્યલ એપથી દૂર રહું છુ. એવું નથી કે દરેક એપ સમયનો બગાડ જ કરે છે, હું પણ સોશ્યલ મીડિયામાં સક્રિય છુ પરંતુ એક હદ સુધી જ. સવારે જ્યારે સોશ્યલ મીડિયા પર ગુડ મોર્નિંગ જેવા ફોર્મલ અને ફોર્વર્ડેડ મેસેજ આવતા હોય ત્યારે એ જોવાનું ટાળીને હું મારા સંગીતનો રિયાઝ કરું છુ જેમાં મને અનેરો આનંદ મળે છે. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યો પણ જોબ કરતાં હોવાથી તેમની સાથે શક્ય એટલો વધુ સમય વિતાવવાનું પસંદ કરું છુ.
મોબાઈલ આપણો ગુલામ નહીં, આપણે તેના ગુલામ થઈ ગયા: ચેતન ત્રિવેદી
રાંદેર વિસ્તારમાં રહેતા ચેતનભાઈ ત્રિવેદી હાલમાં નિવૃત્ત જીવન ગાળે છે. ચેતનભાઈ કહે છે કે, ‘ પહેલાના સમયમાં જ્યારે મોબાઈલ ન હતા ત્યારે પણ લોકોનો સંપર્ક થતો જ હતો અને એવું ક્યારેય બન્યું નથી કે એ સમયમાં મોબાઈલ ન હોવાના કારણે સંપર્ક ન થઈ શકતા કોઈ સારા કે નરસા પ્રસંગમાં જઇ શકયું ન હોય. હું જ્યારે નોકરી કરતો હતો ત્યારે ફોનનો ઉપયોગ જરૂરી હતો અને એની લોભામણી એપના કારણે મન લલચાઈ જતું હતું એટ્લે ફોનમાં સમય પણ ખાસ્સો નીકળી જતો અને પરિવારને પણ ખાસ સમય આપી શકતો ન હતો, પરંતુ રિટાયરમેંટ બાદ મે ફોનનો ઉપયોગ નહિવત કરી દીધો છે અને આ સમય દરમિયાન હું ભગવાનની ભક્તિ કરવાની સાથે જ મારા પરિવારને સમય આપવાનું વધુ પસંદ કરું છુ. ત્યારે આજે હું એ જ કહીશ કે મોબાઈલ આપણો ગુલામ હોવો જોઈએ પણ આપણે એના ગુલામ થઈ ગયા છે’
માનસિક ત્રાસના કારણે મોબાઈલ દીકરાને આપી દીધો: ભરત જોરારિયા
સોશ્યલ વર્કર ભરતભાઇ જોરારિયા કહે છે કે, ‘ મોબાઈલના કારણે આજે કેટલાક કર્યો સરળ બન્યા છે એ માનું છુ પણ તેની સાથે તેમાં આવતી વિવિધ એપના કારણે એટલો સમય બગડે છે કે ક્યારેક જરૂરી કામો પણ કરી શકાતા નથી. અને લોકડાઉનના સમય દરમિયાન તો સતત ઘરે રહીને સોશ્યલ મીડિયાના મેસેજથી એટલો ત્રાસી ગયો હતો કે મે મારો મોબાઈલ મારા દીકરાને જ આપી દીધો છે અને જ્યારે પણ ઘરેથી બહાર નીકળું છુ ત્યારે ક્યાં અને કોની પાસે જાઉં છુ એ કહીને નીકળું છુ જેથી ઇમરજન્સીમાં પરિવારજનો મારો સંપર્ક કરી શકે અને હવે હું મારૂ સમગ્ર ધ્યાન મારા સોશ્યલ વર્કને આપી શકું છુ. ‘
મોબાઇલ રસિયાઓનો નશો ઉતાર્યો નહીં ઉતરે
આજે ભલે તમે એકલા રહેતા હોવ પણ મોબાઈલ તમને એકલુ ફીલ નહીં થવા દે. ટચૂકડા મોબાઇલમાં કામ સિવાય પણ એટલી બધી ઢગલાબંધ એપ્સ ઓપલબ્ધ છે જે તમને જકડી રાખવા પૂરતી છે. જો કે તેમ છતાં પણ એક હદ સુધી આપણે તેનો ઉપયોગ કરી શકીએ, પછી કંટાળી જઈએ છીએ અને એ સિવાય પણ આપણે સમાજથી કે પરિવારથી વિમુખ બનતા જઈએ છીએ. જો કે આ વાત સારી રીતે જાણતા હોવા છતાં પણ કેટલાક લોકો મોબાઇલની માયાજાળમાથી બહાર નથી નીકળી શકતા અને ઘણીવાર પોતાનું નુકશાન પણ કરી લેતા હોય છે. આજે આપણે આવા જ કેટલાક મોબાઇલ રસિયાઓને મળીશું જેઓ લાખ પ્રયત્નો છતાં મોબાઇલનું વળગણ છોડી નથી શકતા.
ફોનના ચક્કરમાં પગ મચકોડાઇ ગયો હતો: દસ્તૂર ચૌધરી
લૉ નો વિધ્યાર્થી દસ્તૂર ચૌધરી જણાવે છે કે, ‘ફોનમાં ગેમ રમતા રમતા દાદર ઉતરી રહ્યો હતો, મારૂ સમગ્ર ધ્યાન મોબાઇલમા હોવાના કારણે હું એક પગથિયું ચૂકી ગયો જેના કારણે મારો પગ મચકોડાઇ ગયો અને 2 દિવસ સુધી હું ચાલીને બહાર નહીં જઇ શક્યો, આ કારણે મને મારી ગેમ રમવાની ટેવ પર ગુસ્સો આવ્યો અને મે ગેમ ડિલીટ કરી દીધી પણ 2 દિવસ કરવું શું એમ વિચારીને ફરીથી ગેમ ડાઉનલોડ કરી દીધી. જો કે આટલું થવા છતાં પણ મારૂ મોબાઈલનું વળગણ છૂટયું નહીં અને એકવાર સોશિયલ મીડિયા પર વિડીયો જોવામાં મશગુલ હોવાના કારણે દરવાજા સાથે ભટકાઈ ગયો હતો જેથી પરિવારજનો પણ મારી આવી ટેવથી પરેશાન છે પણ મોબાઇલનું વળગણ છોડી નથી શકતો.
સોશ્યલ મીડિયાનું વળગણ છોડી નથી શક્તી: સુરભિ હરણેશા
મોબાઇલની માયાજાળના કારણે ક્યારેક આપણે શું કરી રહ્યા હોઈએ એ પણ ભૂલી જઈએ છીએ. સુરભિ હરણેશા કહે છે કે, ‘મોબાઈલમાં અનેક સગવડો મળે છે પણ આપણે જો એનો યોગ્ય ઉપયોગ કરીએ તો જ. મારી વાત કરું તો લોકડાઉનના સમયમાં ઘરે રહીને કંટાળી જતી જેથી અનેક સોશ્યલ એપ ઇન્સ્ટોલ કરી હતી જેમાં હું અવનવા વિડીયો જોતી હતી, પરંતુ હવે જ્યારે જનજીવન સામાન્ય થઈ ગયું છે ત્યારે મે ઘણીવાર આ એપ્સ ડિલીટ કરી દીધી પણ બે- ત્રણ દિવસ પછી ફરીથી હું આ એપનો ઉપયોગ શરૂ કરી દઉં છુ. જો કે ઓફિસના સમયમાં હું એપ્સનો ઉપયોગ ટાળું છુ પણ ઘણીવાર તો એવું થાય ને કે હું ઘરમાં હોઉ અને સોશ્યલ મીડિયામાં ખોવાયેલી હોઉ તો મને ભાવતી વસ્તુની ઓફર કરવામાં આવે તો પણ હું જોયા વગર જ ના પાડી દઉં છુ અને પછી અફસોસ કરતી રહું છુ.’
ગમે એટલો થાકી ગયો હોઉ પણ મને મોબાઈલ વગર નહીં ચાલે: કિશન મંજી
કિશન મંજી કહે છે કે, ‘હું સોશ્યલ વર્ક કરું છુ એટ્લે ફોન હંમેશા મારી પાસે જ રાખું છું અને ગમે એટલો થાકેલો કેમ ન હોઉ રાત્રે 2 વાગે પણ મારો ફોન રિસીવ કરું છુ. ખોટું નહીં કહું પણ મારા તમામ ફેમિલી મેમ્બર અને મિત્રો પણ મારી આ ટેવ જાણે છે અને આ ટેવના કારણે જ કોઈને ગમે ત્યારે પણ જરૂર પડે તો મને તરત યાદ કરે છે અને હું હાજર થઈ જાઉં છુ. સતત ફોનમાં જ રચ્યા પચ્યા રહેવાની મારી આ ટેવ અંગે ઘણા ટકોર પણ કરે છે. જેથી મે કંટાળીને ઘણીવાર મોબાઇલનો ઉપયોગ ઓછી કરવાનો પ્રયત્ન કરી જોયો પણ હું મારી આદત છોડી નથી શકતો. કેટલીક વાર તો જમતાં જમતાં વિડીયો જોવા બેસી જાઉં તો જમવાનું પણ ભૂલી જાઉં છું પણ મારી ફોનની આદતના કારણે લોકોના સતત સંપર્કમાં રહીને લોકોની મદદ કરવાની ખુશી પણ છે જેથી હવે આ આદત છોડવી પણ નથી.’
મોબાઇલનું વળગણ થઇ ગયું છે : દિવ્યા રાજપૂત
સીટી લાઇટ વિસ્તારમાં રહેતી દિવ્યા રાજપૂત કહે છે કે ‘શરૂઆતમાં મોબાઈલ લીધો ત્યારે ઘણી એપ્સ વિષે માહિતી ન હોવાથી મોબાઈલનો ખાસ યુઝ કરતી ન હતી પણ મોબાઇલમા જેમ જેમ ઊંડી ઊતરતી ગઈ તેમ તેમ જાણે હવે તેનું વળગણ જ થઈ ગયું છે. મને ફોન વગર બિલકુલ ચાલતું જ નથી. એકવાર તો એવું થયું કે મારો ફોન ખરાબ થઈ ગયો અને હું જાણે બીમાર હોઉ એવું ફીલ થતું હતું. ઘણીવાર ફોનમાં વિડીયો જોતાં જોતાં તો ક્યારેક રસોઈમાં મીઠું વધારે પડી જાય તો વળી ક્યારેક સાવ ભૂલી જ જવાય. ઘણીવાર હું મારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી ચૂકી છુ પણ 1 દિવસ કે કલાકો માંડ નીકળે ને ફરી પાછી હતી ત્યાં ને ત્યાં જ.’