ગાંધીનગર : પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આત્મનિર્ભર શેરી ફેરિયાઓનો સ્નેહમિલન સમારંભ અમદાવાદમાં યોજાયો હતો. જેને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, કોરોનાની મહામારીના સમયે દેશના નાના વેપારીઓ, ફેરિયાઓના પડી ભાંગેલા ધંધા-વ્યવસાયોને પુનર્જીવિત કરવાના ધ્યેય સાથે અને નાના શેરી ફેરિયાઓ અને વેપારીઓને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યાંક સાથે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ અને નાના વેપારીઓને ક્રમશઃ ૧૦, ૨૦ અને ૫૦ હજાર રૂપિયાની કાર્યશીલ મૂડી કોઈ પણ ગેરંટી વિના આપવામાં આવે છે. તેમના ગેરંટર પીએમ નરેન્દ્ર મોદી બન્યાં છે.
પીએમ સ્વનિધિ યોજના વિશે વધુ વાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે જણાવ્યું હતું કે, આ યોજનામાં સૌથી ઓછું NPA જોવા મળ્યું છે. એટલે કે મોટાભાગની લોન પરત કરવામાં આવી રહી છે, જે નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓની પ્રામાણિકતાની સાબિતી છે. પીએમ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં આ યોજના સ્વનિધિથી સ્વરોજગાર અને સ્વરોજગારથી સ્વાવલંબનનો મંત્ર સાર્થક કરે છે. અમદાવાદ શહેર પીએમ સ્વનિધિ યોજનાના લાભોના વિતરણમાં દેશભરમાં સૌથી પ્રથમ ક્રમે છે. શહેરમાં ૧,૫૫,૧૦૬ શેરી ફેરિયાઓ અને નાના વેપારીઓની અરજી મંજૂર કરવામાં આવી છે. જેમાંથી ૧,૪૮,૫૦૩ લાભાર્થીઓને ૧૮૬.૬૮ કરોડની લોન ચૂકવવામાં આવી છે. સમયસર લોન પરત કરવાથી ૭% વ્યાજની સબસીડી લાભાર્થીને મળે છે. એટલું જ નહિ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન થકી વાર્ષિક ૧૨૦૦ રૂપિયા કેશબેક પણ લાભાર્થીઓને મળે છે. આ યોજના અંતર્ગત અરજી કરનાર ૪૫% લાભાર્થીઓ મહિલાઓ છે. દેશમાં ૪૦ લાખથી વધુ ફેરિયાઓ આજે ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આશરે ૬ લાખ લોકોને રૂા. ૭૦૦ કરોડ થી વધુની લોન સહાય આપવામાં આવી છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ૫,૮૦,૦૦૦ જેટલા નાગરિકો કોઈને કોઈ યોજના અંતર્ગત લાભ મેળવી ચૂક્યા છે. મોટા ભાગની યોજનાઓમાં ૯૦% સેચ્યુરેશન થયું છે તથા ૭ જેટલી યોજનાઓમાં ૧૦૦% સેચ્યુરેશન ગાંધીનગર લોકસભા વિસ્તારમાં થયું છે, જે ખૂબ મોટી સિદ્ધિ છે. ૭૦,૦૦૦થી વધુ લોકોએ ડિજિટલ પેમેન્ટ અપનાવીને રૂપિયા ૨ કરોડથી વધુનો કેશબેક મેળવ્યો છે. એકલા અમદાવાદમાં ૩.૨૫ કરોડ જેટલી વ્યાજ સબસીડી પૂરી પાડવામાં આવી છે.
ફેરિયાઓને અપાતી પીએમ સ્વનિધિ યોજનામાંસૌથી ઓછું NPA જોવા મળ્યું
By
Posted on