જે રીતે ક્રિકેટની રમતમાં ભારતના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન કૂલનું ઉપનામ મળ્યું હતું તે રીતે જ જો ટેનિસમાં કોઇને મિસ્ટર કૂલનું ઉપનામ આપવું હોય તો તેના માટે રોજર ફેડરર ફિટ બેસે છે. ટેનિસ જગતના દિગ્ગજ ખેલાડી અને માજી નંબર વન રોજર ફેડરરે ગુરુવારે જાહેરાત કરી હતી કે 41 વર્ષની વયે તે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લઇ રહ્યો છે ત્યારે ખરા અર્થમાં ટેનિસ જગતમાં એક અલગ જ શૂન્યાવકાશ સર્જાયો હતો. US ઓપન દરમિયાન દિગ્ગજ મહિલા ખેલાડી સેરેના વિલિયમ્સે નિવૃત્તિ લીધી તે પછી એવી અપેક્ષા હતી કે ફેડરર સંભવત: એકાદ ગ્રાન્ડસ્લેમ રમીને નિવૃત્તિ લેશે, જો કે આ વર્ષની તમામ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ પૂરી થઇ ચૂકી હતી અને આવતા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનથી ફરી ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ શરૂ થાય.
તેની ફેડરરે રાહ જોવાની તસદી ન લીધી અને અચાનક જ તેણે પોતાનું રેકેટ ખીંટીએ ટાંગી દેવાનો નિર્ણય કરી લીધો. ફેડરરે 4 મિનિટ અને 24 સેકન્ડનો વીડિયો પોસ્ટ કરીને પોતાની 24 વર્ષની પ્રોફેશનલ કેરિયરનો અંત લાવવાની જાહેરાત કરી હતી. લંડનમાં આગામી અઠવાડિયે રમાનારી લેવર કપ કેરિયરની અંતિમ ATP ટુર્નામેન્ટ હશે. ફેડરર જુલાઇ 2021માં વિમ્બલડનમાં રમ્યા પછી સ્પર્ધાત્મક ટેનિસ રમ્યો નથી. ગ્રાસ-કોર્ટના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંના એક ગણાતા ફેડરરે વિમ્બલડનમાં સૌથી વધુ 8 પુરુષ સિંગલ ટાઇટલ જીત્યા છે. તેના નામે છ ઓસ્ટ્રેલિયન ઓપન અને 5 US ઓપન ટાઇટલ પણ છે. ફેડરર માત્ર એક જ વાર ક્લે કોર્ટ પર રમાયેલી ફ્રેન્ચ ઓપન જીતવામાં સફળ રહ્યો છે.
તાજેતરમાં US ઓપન ટાઈટલ જીત્યા બાદ, કાર્લોસ અલ્કારેઝે ઈચ્છા વ્યક્ત કરી હતી કે હું ફેડરર સામે રમવા માંગું છું, જો કે તેના માટે ચાન્સ ઓછા છે પરંતુ હું તેની સામે કોર્ટ પર ઊતરવા માગું છું. હું રોજર ફેડરર, રાફેલ નડાલ અને નોવાક જોકોવિચને ગ્રાન્ડ સ્લેમમાં હરાવવા માંગું છું. જો કે 19 વર્ષીય સ્પેનિશ ખેલાડી કાર્લોસને હવે કોઈ પણ ગ્રાન્ડ સ્લેમમાં ફેડરર સાથે ટકરાવાની કોઇ તક મળે તેમ નથી કારણ કે ફેડરરે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
પોતાના બેકહેન્ડ શોટ માટે જાણીતા ફેડરરે એક ટ્વિટમાં કહ્યું કે તે આ વર્ષે લેવર કપ 2022માં રમ્યા બાદ ટેનિસમાંથી નિવૃત્તિ લેશે. ફેડરરે નિવેદન આપ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં, મારે ઇજાઓ અને ઓપરેશનનો સામનો કરવો પડ્યો છે. કોર્ટ પર પૂરા ઉત્સાહ સાથે કમબેક કરવા માટે મેં ઘણી મહેનત કરી છે. પરંતુ હું જાણું છું કે મારા શરીરની મર્યાદા શું છે. શરીર શું કહે છે તે હવે સંપૂર્ણપણે સ્પષ્ટ છે. હું 41 વર્ષનો છું. મેં છેલ્લા 24 વર્ષમાં 1500થી વધુ મેચ રમી છે. ટેનિસે મેં ક્યારેય વિચાર્યું નહોતું તેના કરતાં વધુ આપ્યું છે. મારા માટે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે. ટેનિસ જગતમાં સતત 237 અઠવાડિયા સુધી નંબર 1 રહેલા ફેડરરે કહ્યું, ‘આગામી સપ્તાહનો લેવર કપ મારી છેલ્લી ATP ઇવેન્ટ હશે. હું ભવિષ્યમાં વધુ ટેનિસ રમીશ, પરંતુ ગ્રાન્ડ સ્લેમ કે ATP ટૂરમાં નહીં. તે થોડો ખાટો-મીઠો નિર્ણય છે.
ફેડરર 20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર પ્રથમ પુરુષ ટેનિસ ખેલાડી છે. ફેડરર કુલ ગ્રાન્ડ સ્લેમ ખિતાબના મામલે હાલ વિશ્વમાં ત્રીજા નંબરે છે. તેમનાથી આગળ રાફેલ નડાલ અને નોવાક જોકોવિચ છે. જ્યારે રોજર ફેડરરે 2003માં વિમ્બલડન ટાઇટલ જીત્યો ત્યારથી તેણે 6 ઓસ્ટ્રેલિયન ઓપન, 1 ફ્રેન્ચ ઓપન, 8 વિમ્બલડન અને 5 US ઓપન ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યા છે. સિંગલ્સમાં કુલ 103 ટાઇટલ જીતી ચૂકેલા ફેડરરે ટેનિસ પ્રત્યે તેનો પ્રેમ કેવી રીતે શરૂ થયો તે વર્ણવતા કહ્યું હતું કે ટેનિસ પ્રત્યે મારો પ્રેમ બાળપણથી શરૂ થયો હતો.
હું ટેનિસ ખેલાડીઓને રમતા જોઈને આશ્ચર્યચકિત થઈ જતો. તેમની રમત જોઈને હું પણ સપના સેવવા માંડ્યો, એ સપનાઓ માટે મેં સખત મહેનત શરૂ કરી. કેટલીક સફળતાઓએ મારામાં વધુ વિશ્વાસનું સિંચન કર્યું અને તે પછી એક એવા રોમાંચક પ્રવાસ પર હું નીકળ્યો જે મને આજે હું જ્યાં છું ત્યાં સુધી પહોંચાડ્યો. ફેડરર 2021માં રમાયેલી વિમ્બલડન ટુર્નામેન્ટથી ટેનિસ કોર્ટથી દૂર હતો. ઘૂંટણની ઈજાને કારણે તેને અનેક ઓપરેશન કરાવવા પડ્યા હતા. ફેડરરે પોતાની છેલ્લી સ્પર્ધાત્મક મેચ 7 જુલાઈ 2021ના રોજ રમી હતી. તે સમયે તે વિમ્બલડનના સેન્ટર કોર્ટમાં રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં હ્યુબર્ટ હર્કેઝ સામે હારી ગયો હતો.
ટેનિસ ચાહકો પણ રાફેલ નડાલ સાથેની હરીફાઈ માટે ફેડરરનો યુગ યાદ રાખશે. બંનેએ એકબીજા સામે 40 મેચ રમી હતી. નડાલે 24 અને ફેડરરે 16 મેચ જીતી હતી. નડાલ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલના મામલે વિશ્વમાં નંબર 1 પર છે. તેના નામે 22 ગ્રાન્ડ સ્લેમ છે. ફેડરરના નામે આવા 20 ટાઇટલ છે. ATP ઈતિહાસમાં સૌથી યુવા ક્રમાંકિત નંબર 1 કાર્લોસ અલ્કારેઝે US ઓપન જીત્યા બાદ કહ્યું હતું કે ફેડરર જેવા ખેલાડીઓ તેને પ્રેરણા આપે છે અને આ શબ્દો જ ફેડરરની મહાનતા દર્શાવવા માટે પૂરતા છે.