SURAT

હોર્નના મોટા અવાજના લીધે લોકોના કાનની નસો નબળી પડી રહી છે!

સુરતઃ શહેરમાં રોડ પર વધતા ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે સુરત ટ્રાફિક પોલીસે ‘નો હોર્ન’ કેમ્પેઈન શરૂ કર્યું છે. ટ્રાફિક સિગ્નલ્સ પર વાહનો ઉભા હોય ત્યારે બિનજરૂરી હોર્ન વગાડવાના કારણે ધ્વનિ પ્રદૂષણ વધી રહ્યું છે, જેનાથી લોકોમાં બહેરાશની સમસ્યા પણ વધી રહી છે. આ કેમ્પેઈન હેઠળ પોલીસ જાગૃતિ અભિયાન ચલાવી રહી છે અને બિનજરૂરી હોર્ન વગાડનારા વાહનચાલકોને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ₹500થી ₹1000 સુધીનો દંડ ફટકારવાનું નક્કી કર્યું છે. આ પહેલ રોડ સેફ્ટી મન્થ અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટેના પ્રયાસોના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમિત્રે આ અંગે શહેરના પ્રખ્યાત ઈએનટી સર્જન ડો. સંદીપ પટેલ પાસેથી વિગતો મેળવી છે. ડો. પટેલે ચેતવણી આપી છે કે રોડ પરના હોર્ન, ડીજેના ધમાકેદાર અવાજ અને મોબાઈલ પર બ્લુટૂથ ઈયરફોન્સથી સાંભળવામાં આવતા મોટા અવાજ કાનની તંદુરસ્તીને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે.

90 ડેસિબલથી વધુ અવાજ: કાન માટે જોખમી
ડો. સંદીપ પટેલ કહે છે કે 90 ડેસિબલથી વધુ અવાજ કાન માટે અત્યંત જોખમી છે. ટ્રાફિક સિગ્નલ્સ પર હોર્નના સતત અવાજથી કાનની નસો ધીમે ધીમે નબળી પડવા લાગે છે. આનાથી સડન સેન્સરીન્યુરલ હિયરિંગ લોસ (SSNHL) જેવી બીમારીના કેસો વધી રહ્યા છે. SSNHL એ અચાનક સાંભળવાની ક્ષમતા ગુમાવવાની સ્થિતિ છે, જેમાં કાનની અંદરની નસોને નુકસાન થાય છે. આના મુખ્ય કારણોમાં વાયરલ ઇન્ફેક્શન, જોરદાર અવાજના એક્સપોઝર અને બ્લડ સર્ક્યુલેશનની સમસ્યાઓ શામેલ છે.

જો કાનમાં અચાનક જોરથી અવાજ આવે તો નસ અચાનક કામ કરતી બંધ થઈ શકે છે. ડો. પટેલના મુજબ, આવા કેસમાં 72 કલાકમાં ઇલાજ ન કરાવવામાં આવે તો 10-15 દિવસમાં નસ કાયમી રીતે નિષ્ક્રિય થઈ જાય છે, જેનાથી કાયમી બહેરાશ આવી શકે છે. મુખ્ય સારવારમાં કોર્ટિકોસ્ટેરોઇડ્સનો ઉપયોગ થાય છે, જે પ્રારંભિક તબક્કામાં અસરકારક સાબિત થાય છે.

વધતા બહેરાશના કેસો અને યુવાનો પર અસર
સતત વધતા નોઈસ પોલ્યુશનના કારણે બહેરાશનું પ્રમાણ હવે 50-60 વર્ષની ઉંમરમાં વધુ જોવા મળી રહ્યું છે. પહેલાં 80 વર્ષની ઉંમરે બહેરાશના કેસ જોવા મળતા હતા, પરંતુ હવે તે 40-50 વર્ષની ઉંમરમાં જ આવી રહ્યા છે. ભારતમાં 50 વર્ષથી ઉપરના 18% લોકોમાં બહેરાશ છે અને તેનું પ્રમાણ 70% જેટલું વધી શકે છે, જેમાં નોઈસ પોલ્યુશન મુખ્ય કારણ છે. વય સાથે જોડાયેલી બહેરાશ (પ્રેસ્બાયક્યુસિસ) અને નોઈસ-ઇન્ડ્યુસ્ડ હિયરિંગ લોસ (NIHL) બંને આને વધારી રહ્યા છે.

15 વર્ષના કિશોરમાં અચાનક બહેરાશનો કેસ આવ્યો
આઘાતજનક વાત એ છે કે હવે 15 વર્ષના કિશોરોમાં પણ SSNHLના કેસ આવી રહ્યા છે. બાળકોમાં આવા કેસના કારણોમાં વાયરલ ઇન્ફેક્શન, ઓટોલોજિકલ સમસ્યાઓ (જેમ કે મેનિયર્સ ડિસીઝ), ટ્રોમા અને નોઈસ એક્સપોઝર સામેલ છે. ડો. પટેલ કહે છે કે અચાનક હિયરિંગ લોસના કેસ વધી રહ્યા છે. પહેલાં વર્ષે 100 કેસ આવતા હતા, હવે તે 500 થઈ ગયા છે. સતત ઈયરબડ્સ, બ્લુટૂથનો ઉપયોગ, ડીજે સાઉન્ડ અને વાહનોના હોર્ન આના મુખ્ય કારણો છે.

ભવિષ્યની ચિંતા અને પ્રિવેન્શન
ભવિષ્યમાં બહેરાશના કેસો વધશે તેવી ચિંતા છે. જો કાનને પ્રોટેક્ટ ન કરીએ તો આ સમસ્યા વધતી જ રહેશે. પ્રિવેન્શન માટે નોઈસ પોલ્યુશનથી દૂર રહો. ડીજેથી દૂર રહો અને હોર્નના અવાજથી બચો. કાનમાં રૂના પૂમડાં અથવા ઇયરપ્લગ્સ મુકો. મોબાઈલ પર મ્યુઝિક સાંભળતી વખતે વોલ્યુમ 60%થી નીચું રાખો અને 60 મિનિટ પછી બ્રેક લો (60/60 રૂલ). અચાનક બહેરાશ થાય તો તરત જ ENT ડોક્ટરને મળો. નિયમિત કાનની તપાસ કરાવો.

Most Popular

To Top