Editorial

ટાઈટેનિકનો ભંગાર જોવામાં પાંચ અબજોપતિઓએ ગુમાવેલા જીવે અનેક પ્રશ્નાર્થો ઊભા કર્યા

જીવના જોખમે કરવામાં આવતાં સાહસ ક્યારેક ભારે પણ પડે છે. એક સદી કરતાં પણ પહેલા ડ઼ૂબી ગયેલા અને અપશુકનિયાળ મનાતા ટાઈટેનિકને વિશ્વના 5 અબજોપતિ જોવા માટે ગયા હતા. અબજોપતિની આ સબમરિન બાદમાં ગુમ થઈ ગઈ હતી અને માહિતી આવી છે કે તમામ અબજોપતિના મોત થઈ ગયા છે. જે કેપ્સ્યુઅલમાં તેઓ હતા તે કેપ્સ્યુઅલમાં જ તેમના મોત થઈ ગયા છે અને કેપ્સ્યુઅલનો કાટમાળ પણ ટાઈટેનિક કરતાં પણ 1600 ફુટ નીચેથી મળ્યો છે. ટાઈટેનિકનો કાટમાળ એટલાન્ટિક મહાસાગરમાં કેનેડાના ન્યુફાઉન્ડલેન્ડમાં સેન્ટ જોન્સથી 700 કિમી દૂર દરિયામાં 3800 મીટરની ઊંડાઈએ છે.

આ કાટમાળને જોવા માટે કેનેડાના ફાઉન્ડલેન્ડથી પ્રવાસ શરૂ કરવામાં આવે છે. બે કલાકમાં કેપ્સ્યુઅલ ભંગારની નજીક પહોંચી જાય છે. આ કારણે જ આ કેપ્સ્યુઅલમાં ઓક્સિજનનો જથ્થો ઓછો હોય છે. ગત તા.18મી જૂનથી આ કેપ્સ્યુઅલ ગુમ થઈ ગઈ હતી. આ કેપ્સ્યુઅલમાં  બ્રિટિશ બિઝનેસમેન હેમિશ હાર્ડિંગ, ફ્રેન્ચ ડાઈવર પૉલ-હેનરી, પાકિસ્તાની-બ્રિટિશ બિઝનેસમેન શહજાદા દાઉદ, તેનો પુત્ર સુલેમાન અને ઓશનગેટ કંપનીના સીઈઓ સ્ટોકટન રશનો સમાવેશ થાય છે. પાંયેના મોત થઈ ગયા હોવાની યુએસ કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ પુષ્ટિ પણ કરી છે.

એવું માનવામાં આવે છે કે એટલાન્ટિક મહાસાગરમાં આ કેપ્સ્યુઅલમાં વિસ્ફોટ થયો હોવાની સંભાવના છે અને તેને કારણે અબજોપતિના મોત થઈ ગયા હોઈ શકે. તા.18મી જૂનના રોજ સાંજે 5-30 કલાકે આ કેપ્સ્યુઅલ એટલાન્ટિક મહાસાગરમાં છોડવામાં આવી હતી. આ કેપ્સ્યુઅલ સાડા નવ ફુટ જેટલી જ પહોળી હતી અને આ કેપ્સ્યુઅલમાં બેસીને ટાઈટેનિકનો કાટમાળ જોવાનો ખર્ચ આશરે 2 કરોડ રૂપિયા છે. આ કેપ્સ્યુઅલને કાર્બન ફાઈબરની બનાવવામાં આવી છે. જ્યારે આ કેપ્સ્યુઅલ નીકળી ત્યારે આશરે પોણા બે કલાક સુધી તેનો સંપર્ક કરી શકાતો હતો પરંતુ બાદમાં તે ગુમ થઈ ગઈ હતી અને છેલ્લા 4 દિવસથી તેને શોધવા માટે ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું. આ ઓપરેશનમાં અમેરિકાની સાથે સાથે કેનેડા, ફ્રાન્સ અને બ્રિટનના એરક્રાફ્ટ અને જહાજોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.

સર્ચ ઓપરેશનમાં 10 જહાજ, અન્ય કેપ્સ્યુઅલ અને ફ્રાન્સ દ્વારા પોતાનો અંડરવોટર રોબોટ પણ શોધખોળ માટે કામે લગાડવામાં આવ્યો હતો. પરંતુ એકપણ અબજોપતિને બચાવી શકાયા નથી. એટલાન્ટિકના દરિયામાં  22 ફૂટ લાંબી ટાઇટન કેપ્સ્યૂલના 5 ભાગોના કાટમાળ મળ્યા છે. જેમાં ટેલ કોન અને પ્રેશર હલના 2 સેક્શન સામેલ છે. આ કેપ્સ્યુઅલના કાટમાળને તેના નજીકથી રેકોર્ડ થયેલા અવાજોને આધારે જ શોધી શકાયા છે.  આ કેપ્સ્યુઅલ માત્ર 22 જ ફુટની હતી અને તેમાં બેસવા માટે કોઈ જ સીટ પણ નહોતી. કેપ્સ્યુઅલમાં અબજો-પતિના થયેલા મોતની પાછળનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી પરંતુ એવું માનવામાં આવે છે કે કેપ્સ્યુઅલમાં ઓક્સિજનનો અભાવ થઈ ગયો હોવો જોઈએ. આ એક જ સમસ્યા નથી પણ તેમાં વીજપૂરવઠો પણ બંધ થઈ ગયો હોવાની શક્યતા છે.

જો વીજ પૂરવઠો નહીં હોય તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ વચ્ચે સંતુલન રાખી શકાય નહીં અને તેને કારણે પણ મોત થઈ શકે છે. યુએસ કોસ્ટ ગાર્ડ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે તેના દ્વારા કેપ્સ્યુઅલના આ અવશેષોને શોધવાનું ચાલું જ રાખવામાં આવશે પરંતુ આ એક ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. એક તો મુદ્દો એવો છે કે જ્યારે આ પ્રવાસ જોખમી છે તો તેને શા માટે મંજૂરી આપવામાં આવે છે? જે રીતે ટાઈટેનિક જેવું જહાજ ડૂબી ગયું તો કેપ્સ્યુઅલ માટે પણ જોખમ તો રહેલું જ છે તો તેવા સંજોગોમાં શા માટે સલામતીના અન્ય પગલાઓ પહેલેથી જ લેવામાં આવ્યા નહીં. એડવેન્ચર કરવું ખોટું નથી પરંતુ તેમાં સલામતી પહેલી જરૂરીયાત છે. આ કોઈ સામાન્ય ઘટના નથી. આ દુર્ઘટનાને કારણે પાંચ અબજોપતિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ મુદ્દે વિચારણા માંગી લે છે અને ભવિષ્યમાં આવા પ્રવાસો પર પ્રતિબંધ મુકવામાં આવે તે જરૂરી છે અન્યથા ભવિષ્યમાં મોટી હોનારત થવાનો ભય રહેલો છે.

Most Popular

To Top