એક દિવસ ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, આજે હું તમને સૃષ્ટિનો એક અતિ મહત્ત્વનો નિયમ સમજાવવાનો છું.’ એક બટકબોલો શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, તમે જણાવ્યું છે મને યાદ છે કે સૃષ્ટિનો નિયમ છે કે આ પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે.’ ગુરુજી બોલ્યા, ‘બરાબર તે ભૂગોળનો નિયમ છે.’ શિષ્યોની પરીક્ષા લેવાના હેતુ સાથે ગુરુજીએ પૂછ્યું, ‘હવે પહેલાં તમે મને કહો કે જીવન માટેનો સૃષ્ટિનો નિયમ કયો છે?’ એક શિષ્ય તરત બોલ્યો, ‘ગુરુજી, જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે. તે સૃષ્ટિનો જીવન માટેનો નિયમ છે.’
ગુરુજી બોલ્યા, ‘બરાબર, આ જીવનના અંતનું અફર સત્ય છે, પણ મારે આજે તમને જીવન દરમ્યાન સતત ધ્યાનમાં રાખવા જેવો સૃષ્ટિનો અતિ મહત્ત્વનો નિયમ સમજાવવો છે, જે તમને જીવન સારી રીતે જીવવા માટે અને દરેક ક્ષણે કઈ રીતે વર્તન કરવું ..શું કાર્યો કરવાં ..કેવા નિર્ણય લેવા …માટે મદદ કરશે.’ બધા શિષ્યો ગુરુજી એવો કયો નિયમ જણાવશે જે સતત જીવનમાં યાદ રાખવો પડશે તે જાણવા આતુર બન્યા. ગુરુજી બોલ્યા, ‘શિષ્યો આ સૃષ્ટિનો નિયમ છે કે તમે જે આપશો તે મળશે.જે વહેંચશો તે તમારી પાસે બેહિસાબ રહેશે.જે મેળવવા માંગો તે પહેલાં આપતાં શીખો.જે જોઈએ છે તે માંગો નહિ, આપો.’
આ વાક્યો સાંભળી શિષ્યો મૂંઝાયા, કે કોઇ પણ વસ્તુ કોઈકને આપીએ તો આપણને કઈ રીતે મળે? આપણે વહેંચીએ તો તે આપણી પાસેથી ઓછી થાય બેહિસાબ કઈ રીતે રહે? આપણે જે આપણી પાસે ન હોય તે માંગીએ તો જે આપણી પાસે ન હોય તે કોઈને કઈ રીતે પહેલાં આપી શકીએ? મૂંઝાયેલા શિષ્યોના ચહેરા જોઇને ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘નથી સમજાતો નિયમ.યાદ રાખજો, શિષ્યો આ નિયમ જ સાચો નિયમ છે.બરાબર સમજો, જે આપશો તે મળશે.જે વહેંચશો તે બેહિસાબ રહેશે, એટલે જો તમે ધનનું દાન કરશો તો ઈશ્વર તમને બેહિસાબ ધન આપશે.તમે અન્ન આપશો તો અન્ન તમારી પાસે બેહિસાબ રહેશે.તમે પ્રેમ મેળવવા માંગો છો તો પહેલાં બીજાને પ્રેમ આપો.
સન્માન જોઈએ છે તો પહેલાં બીજાને માન આપો.સાથ મેળવવો છે તો સહકાર પહેલાં આપો અને આ જ નિયમ પ્રમાણે નફરત આપશો તો નફરત મળશે.દગો આપશો તો દગો અને અપમાન કરશો તો અપમાન મેળવશો અને વળી બધું જ અનેકગણું થઈ બેહિસાબ મેળવશો.એટલે સજાગ થઈ જજો અને કોઈ પણ વાણી ,વ્યવહાર ,વર્તન , નિર્ણય કરતાં પહેલાં પ્રતિપળ આ સૃષ્ટિનો આ નિયમ યાદ રાખજો.’ ગુરુજીએ શિષ્યોને જીવન જીવવાનો સાચો પથ દેખાડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે