કાશ્મીર ખીણમાં ૧૯૯૦ પહેલાના ઇતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે, પણ કેન્દ્રની હિન્દુત્વવાદી સરકાર લાચાર બનીને તમાશો જોઈ રહી છે. આપણે બધા જાણીએ છીએ કે ૧૯૯૦ પૂર્વે કાશ્મીર ખીણમાંથી હિન્દુ પંડિતોનો સફાયો કરવાનું આતંકવાદી અભિયાન ચાલુ થયું હતું. ત્યારે કાશ્મીર ખીણમાં સદીઓથી વસતા પંડિતોની એક પછી એક હત્યા કરીને એવું ડરામણું વાતાવરણ પેદા કરવામાં આવ્યું હતું કે જે પંડિતો બચ્યા હતા તેઓ પોતાનો જીવ મુઠ્ઠીમાં લઈને પોતાના માદરે વતનને છોડીને ચાલી નીકળ્યા હતા. આવા લાખો પંડિત પરિવારો ૩૧ વર્ષ પછી પણ દિલ્હીની અને જમ્મુની નિરાશ્રીત છાવણીઓમાં વસે છે.
તેમની એક આખી પેઢી નિરાશ્રીત છાવણીઓમાં મોટી થઈ છે. ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપનું રાજ આવ્યું તે પછી કાશ્મીરી પંડિતોને આશા બંધાઈ હતી કે સરકારના સધિયારાથી તેઓ પોતાની માતૃભૂમિમાં પાછા ફરી શકશે, પણ તે આશા ઠગારી પુરવાર થઈ હતી. ભાજપના સાત વર્ષના શાસન પછી પણ જેમને સરકારી નોકરી મળી છે તેવા બહુ ઓછા પંડિત પરિવારો ખીણમાં પાછા ફરી રહ્યા છે. બાકીના પરિવારો પાછા ફરવાના શમણાં જોતા હતા ત્યાં કાશ્મીર ખીણમાં નવો ઝંઝાવાત પેદા થયો છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવ્યા પછી કાશ્મીરના આતંકવાદીઓએ રહ્યાસહ્યા લઘુમતી (હિન્દુ અને શીખ) કોમના લોકોની સફાઈ કરવા નવેસરથી આતંકવાદી અભિયાન આદર્યું છે. ૧૯૯૦ના દસકામાં કાશ્મીર ખીણમાં માત્ર ત્રણ ટકા જ બિનમુસ્લિમો બચ્યા હતા, જેમાં શીખો અને ઉત્તર ભારતીયો મુખ્ય હતા. હવે આતંકવાદીઓ વીણી વીણીને તેમને મારી રહ્યા છે. તેને કારણે ફરીથી ખીણમાં ભયનો માહોલ પેદા થવાથી બાકી રહેલા બિનમુસ્લિમોની હિજરત ચાલુ થઈ છે. પોલિસે તેમને રાહત છાવણીઓમાં જતા રહેવાની તાકીદ કરી હોવાથી સાબિત થઈ ગયું છે કે સરકાર તેમની સુરક્ષા કરી શકે તેમ નથી. જો આવો જ માહોલ ચાલુ રહ્યો તો કાશ્મીર ખીણને ૧૦૦ ટકા મુસ્લિમ બનાવવાની આતંકવાદીઓની યોજના સફળ થશે.
કાશ્મીર ખીણમાં છેલ્લા દસ દિવસમાં આતંકવાદીઓ દ્વારા આઈકાર્ડ ચેક કરીને ૧૧ લઘુમતી કોમના બિનમુસ્લિમોની કે બહારના રાજ્યમાંથી આવેલા મુસ્લિમોની પણ હત્યા કરવામાં આવી છે. રવિવારે આતંકવાદીઓએ કુલગામ જિલ્લાના વનપોહ ખાતે ત્રણ બિહારી મજૂરો પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે મજૂરો માર્યા ગયા હતા અને એક ઘાયલ થયો હતો. બિહારી મજૂરોની હત્યાનો રાજકીય લાભ ઉઠાવવા બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને ફોન કરીને ચિંતા વ્યક્ત કરી હતી. ૧૯૯૦માં જમ્મુ અને કાશ્મીરના ગવર્નર જગમોહન લાચાર બનીને તમાશો જોઈ રહ્યા હતા તેમ ૨૦૨૧માં ભાજપ સરકાર દ્વારા નિમણુક પમાયેલા મનોજ સિંહા પણ લાચાર બનીને તમાશો જોઈ રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદીઓનો સફાયો કરવા માટે લશ્કરને છૂટો દોર આપવામાં આવ્યો છે. લશ્કરે શરૂ કરેલા અભિયાનમાં એક જ સપ્તાહમાં ૧૩ આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા છે, પણ તેના થકી પણ કાશ્મીર ખીણમાં લઘુમતી કોમમાં પેદા થયેલો ભયનો માહોલ કમ નથી થયો. લઘુમતી કોમોની નવેસરથી હિજરત શરૂ થઈ ચૂકી છે. તેમાં વડા પ્રધાનની યોજના હેઠળ કાશ્મીર ખીણમાં ફરીથી વસવાટ કરવા આવેલા હિન્દુ કાશ્મીરી પંડિતોનો પણ સમાવેશ થાય છે. જો કેન્દ્ર સરકાર વતી યુદ્ધના ધોરણે પગલાં ભરવામાં નહીં આવે તો મહિના પછી કાશ્મીરમાં માત્ર મુસ્લિમો જ બચ્યા હશે.
છેલ્લા દસ દિવસમાં આતંકવાદીઓ દ્વારા જે ૧૧ હત્યાઓ કરવામાં આવી છે તેની યાદી ચેક કરતાં જ ખ્યાલ આવે છે કે તેઓ યોજનાબદ્ધ રીતે લઘુમતી કોમોને ટાર્ગેટ કરી રહ્યા છે :
- (૧) માખન લાલ બિન્દરુ, જેઓ કાશ્મીરી પંડિત કોમના આગેવાન હતા અને શ્રીનગરમાં ફાર્મસીની દુકાનના માલિક હતા. ૧૯૯૦ની હિજરત પછી પણ તેઓ ખીણમાં ટકી રહ્યા હતા.
- (૨) મોહમ્મદ શફી લોણે નામનો મુસ્લિમ ટેક્સી ડ્રાઇવર, જેની હત્યા પોલિસના ખબરી હોવાના વહેમમાં કરવામાં આવી હતી. તે કાશ્મીર ખીણનો મુસ્લિમ હતો.
- (૩-૪) દિપક ચંદ નામના હિન્દુ અને સુપન્દર કોર નામના શીખ શિક્ષકો.
- (૫) વિરેન્દ્ર પાસવાન નામનો ઉત્તર ભારતીય ફેરિયો.
- (૬) અરવિંદ કુમાર સાહ, જે બિહારનો પાણીપુરી વેચનારો હતો.
- (૭) સાગીર અહમદ, જે ઉત્તર પ્રદેશનો મુસ્લિમ મિસ્ત્રી હતો.
- (૮-૯) રાજા રિષી દેવ, જોગિન્દર રિષી દેવ, બિહારી મજૂરો
કાશ્મીર ખીણમાં છેલ્લા દસ દિવસમાં જે ૧૧ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી તેમાંના પાંચ બહારનાં રાજ્યોના હતા. આતંકવાદીઓનો ઇરાદો સ્પષ્ટ છે. તેઓ કાશ્મીર ખીણમાં વસવાટ કરતા તમામ હિન્દુઓ તેમ જ શીખોને ડરાવીને હાંકી કાઢવા માગે છે. બહારનાં રાજ્યોમાંથી આવતાં હિન્દુઓ અને શીખો તો સમજ્યા, મુસ્લિમોને પણ તેઓ ભગાડવા માગે છે. ઉત્તર પ્રદેશમાંથી આવીને કાશ્મીર ખીણમાં વસેલા મુસ્લિમ મિસ્ત્રીની હત્યા તેની સૂચક છે.
કાશ્મીર ખીણમાં નાગરિકોની ટાર્ગેટેડ હત્યાને કારણે જમ્મુ અને કાશ્મીર પોલિસના આઇજી વિજય કુમારે દસેય જિલ્લાઓના પોલિસ વડા પર તાકીદનો સંદેશો મોકલ્યો હતો કે તેમના અધિકારક્ષેત્રમાં જેટલા પણ બહારના મજૂરો રહેતા હોય તેમને પોલિસની, અર્ધ લશ્કરી દળોની કે લશ્કરની છાવણીઓમાં લઈ આવો. આ સંદેશો ફ્લેશ કરવામાં જમ્મુ અને કાશ્મીરના આઇજીએ ઉતાવળ કરી હતી અને કાચું કાપ્યું હતું. તેને કારણે બિહારી મજૂરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેમણે બિસ્તરા પોટલા બાંધીને હિજરત કરવાનો પ્રારંભ કરી દીધો હતો. આતંકવાદીઓ તેમની ગેમમાં સફળ થયા હતા.
પોલિસે ભૂલભૂલમાં તેમના સહાયકની ભૂમિકા ભજવી હતી. કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાના ધ્યાન પર આ વાત આવી હતી. તેમણે તરત જ આઇજી પર સંદેશો મોકલીને તેમને ખખડાવ્યા હતા. તરત જ જમ્મુ અને કાશ્મીર પોલિસ દ્વારા ખુલાસો બહાર પાડવામાં આવ્યો હતો કે તેમના દ્વારા બહારના મજૂરોને રાહત છાવણીઓમાં લાવવાની કોઈ સૂચના બહાર પાડવામાં આવી નથી; પરંતુ ત્યાં સુધીમાં તો બિહારી મજૂરોની હિજરત શરૂ થઈ ચૂકી હતી. કાશ્મીર ખીણમાં વર્તમાનમાં જે ચાલી રહ્યું છે તે જોઈને જમ્મુની નિરાશ્રીત છાવણીમાં વસવાટ કરતા કાશ્મીરી પંડિતોને ૧૯૯૦ની યાદ આવી રહી છે. શિવાની પંડિત નામની યુવતી કહે છે કે ૧૯૯૦ના શિયાળામાં તેના પિતા ત્રાલમાં પાંચ માળની ભવ્ય હવેલીમાં રહેતા હતા.
તેમને બે બાળકો હતાં. ત્યારે મસ્જિદમાંથી નારા બોલાઇ રહ્યા હતા કે કાશ્મીર બનાવો પાકિસ્તાન. ભયભીત થયેલા કાશ્મીરી પંડિતો પહરેલાં કપડે પોતાના બાપદાદાનાં મકાનો છોડીને જીવ બચાવવા ચાલી નીકળ્યા હતા. તેમને એમ હતું કે થોડા મહિનામાં પરિસ્થિતિ થાળે પડશે અને તેઓ પોતાના વતનમાં પાછા ફરી શકશે. તે વખત આવ્યો જ નહી. શિવાનીના પિતા જ્યારે ત્રાલ છોડીને નીકળ્યા ત્યારે તે બે વર્ષની હતી. આજે તે ૩૩ વર્ષની યુવતી છે. તેના માટે પોતાનું વતન માત્ર કલ્પના સમાન જ છે. કાશ્મીર ખીણમાં ઇતિહાસનું પુનરાવર્તન વર્તમાન ભાજપ સરકાર રોકી શકશે ખરી?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.