આજે જયારે માણસાઇના દીવામાં તેલ ખૂટી રહ્યું છે ત્યારે મુંબઇ કે જયાં રોટલો મળે પણ ઓટલો ન મળે ત્યાં મુંબઇના દાદર પરામાં રહેતી એક મધ્યમવર્ગીય એકસઠ વર્ષની સામાન્ય સ્ત્રી એકવીસ કરોડની જમીન કેન્સરની ટાટા હોસ્પિટલને દાનમાં આપે છે જે મોટું આશ્ચર્ય છે અને તેથી મોટું આશ્ચર્ય તો એ છે કે તેમાં તેનું નામ ન લખાય તેની પુરેપુરી ચોકસાઇ રખાય તે છે. જેની વિગત એવી છે કે આ બેનનાં પિતા ગુજરાતી અને માતા પારસી – તેઓ તેમના પિતાનું એકમાત્ર સંતાન. તેમના પિતાજીનું પ્રિન્ટીંગ પ્રેસ પરેલમાં ત્રીસ હજાર સ્કવેરફીટની જમીન પર હતું. એ વિસ્તારમાં ટાટા મેમોરિયલ ટ્રસ્ટની કેન્સર હોસ્પિટલ. જેમાં એ દર્દથી પીડાતા દેશના એકતૃતિયાંશ દર્દીઓ સારવાર લે છે. દર્દીઓની સંખ્યા વધતી જ રહેતી હોવાથી હોસ્પિટલમાં મળેશ મળે ત્યાં સુધી તેઓ ફુટપાથ પર જ રાતદિવસ કાઢતા હોય છે. પેલા બહેન અવારનવાર ત્યાંથી પસાર થતા ત્યારે તે આ બધું જોતા.
તેઓ માટે તેમને કશુંક કરવાની ઇચ્છા થતી પણ તે કરવાની શકિત નહોતી. આ બહેનના પિતાના અવસાન બાદ પેલી પ્રિન્ટીંગ પ્રેસવાળી મસમોટી જગ્યા કે જે કેન્સર હોસ્પિટલ નજીક જ હતી. તે વારસામાં મળી ત્યારે પળનો પણ વિલંબ કર્યા વગર ટાટા હોસ્પિટલને દાનમાં આપી દીધી. જેમાં તેમના પતિ તથા પુત્ર તેમજ અન્ય કુટુમ્બીજનોએ પણ સંમતિનો સૂર પુરાવ્યો. તેમનો પુત્ર બેંગલોરમાં નોકરી કરે છે. આજે જયારે માણસાઇના દીવામાં તેલ ખૂટી રહ્યું છે ત્યારે આટલી મોટી સખાવત અને તે પણ ગુપ્ત દાન, જેનાથી સમાજ અજાણ રહે તે કેમ ચાલે. ત્યારે પત્રકાર માલવિકા સંઘવીએ આ ગુપ્તદાનના દાતાને શોધીને ફોન પર મુલાકાત લઇ તેના પર એક લેખ લખ્યો જે એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયો. કદરદાનથી ચુકીએ તે તો કેમ ચાલે?
વ્યારા – પ્રકાશ સી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.