એક સમૃદ્ધ નગરના રાજા વૃદ્ધ થઈ ગયા હતા અને તેમને કોઈ સંતાન ન હતું.એક દિવસ રાજાએ અચાનક બધું છોડી વનમાં જવાનું નક્કી કરી લીધું અને એમ નક્કી કરવામાં આવ્યું કે આવતી કાલે સવારે નગરની બહારથી જે કોઈ સૌથી પહેલું નગરમાં આવશે તેને નગરનો રાજા બનાવવામાં આવશે. બીજે દિવસે સવારે નગરના પ્રવેશદ્વાર પર વહેલી સવારથી રાજા અને મંત્રીજી પહોંચી ગયા. થોડી જ વારમાં એક ફાટેલાં કપડાં પહેરેલો યુવાન આવ્યો અને તરત જ મંત્રીજીએ તેના ગળામાં હાર પહેરાવી તેનું સ્વાગત કર્યું.નક્કી કર્યા મુજબ તે યુવાનને રાજગાદી સોંપી વૃદ્ધ રાજા વનમાં ચાલ્યા ગયા.યુવાન હોંશિયાર હતો.
થોડા જ સમયમાં બધું સમજી લઈને રાજકાજ વ્યવસ્થિત સંભાળવા લાગ્યો.રાજાએ બધાને સઘળી જવાબદારીઓ વહેંચી દીધી હતી.માત્ર રાજાના મહેલમાં છેક છેલ્લે એક નાનકડી કોઠડીની ચાવી રાજાએ કોઈને આપી ન હતી. તે હંમેશા રાજા પોતાની કમર પર બાંધી રાખતા અને ગમે ત્યારે તે કોઠડીમાં જતા. અને કલાકો બાદ પાછા ફરતા.તેમની સાથે ત્યાં જવાની કોઈને પરવાનગી ન હતી.રાજાના અંગરક્ષકો, સેનાપતિ ,મંત્રી, ખજાનચી બધાને નવાઈ લાગતી કે આ કોઠડીમાં શું હશે? અને રાજા ત્યાં જઈને કલાકો સુધી શું કરતા હશે?
એક દિવસ અંગરક્ષકે રાજાએ કોઠડી ખોલી ત્યારે અંદર જોવાનો પ્રયત્ન કર્યો તો રાજા એકદમ ગુસ્સે થઈ ગયા.ત્યારબાદ કોઠડીમાં શું હશે તે જાણવાની બધાના મનની જિજ્ઞાસા વધી ગઈ.સેનાપતિએ મંત્રીને કહ્યું, ‘મંત્રીજી રાજ્યના બધા મહત્ત્વના દસ્તાવેજ તમારી પાસે છે.શસ્ત્રાગારની ચાવી મારી પાસે છે અને ખજાનાની ચાવી ખજાનચી પાસે જ રહે છે તો પછી આ બધાથી એવું તે શું જરૂરી અને કિંમતી રાજાએ આ કોઠડીમાં છુપાડીને રાખ્યું હશે જેની આપણને કોઈને ખબર નથી અને જેની રખેવાળી માટે રાજા આટલા તકેદાર રહે છે એવું તે શું છુપાવતા હશે રાજા? સેનાપતિ અને મંત્રીની આ વાત રાજાએ સાંભળી અને પોતાના ખાસ વ્યક્તિઓના મનમાં અવિશ્વાસ ન ઉત્પન્ન થાય તે માટે સાંજે તેમણે મંત્રીજીને ચાવી આપી અને કહ્યું, ‘મંત્રીજી સેનાપતિને બોલાવો અને પેલી કોઠડી ખોલો, હું આવું છું.’ મંત્રીજીને નવાઈ લાગી તેમને જલ્દી જઈને કોઠડી ખોલી અંદર જોયું તો એક અરીસો અને એક નાનકડી પોટલી સિવાય કંઈ જ ન હતું.
રાજા આવ્યા. મંત્રીજી અને સેનાપતિ એકસાથે બોલ્યા, ‘રાજાજી, અહીં તો કંઈ નથી શું ચોરી થઇ?’ રાજા બોલ્યા, ‘ના, ના, અહીં જે હતું તે છે જ. અહીં મારી હકીકત છે.’ પછી પોટલી ખોલી તેમાં ફાટેલાં કપડાં હતાં.રાજા બોલ્યા, ‘મારામાં જયારે અભિમાન જાગે છે ત્યારે હું આ કોઠડીમાં આવી આ ફાટેલાં કપડાં પહેરી અરીસા સામે બેસું છું અને જાતને યાદ દેવડાવું છું કે આ તારી હકીકત છે માટે અભિમાન કર નહિ અને જયારે મનમાં જાગેલું અભિમાન શાંત થઇ જાય છે ત્યારે હું રાજાનાં કપડાં પહેરી બહાર આવી જાઉં છું.’ મંત્રી અને સેનાપતિ રાજાની અભિમાન દૂર કરવાની રીત જાણી અભિભૂત થયા.આભિમાન તો ક્યારેક જાગે જ છે, બસ તેને દૂર કરવાની કોઈ રીત શોધી રાખવી જરૂરી છે.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.