Entertainment

રાજા તો ઘણા આવ્યા ને ગયા… પણ રાજ’કુમાર’ તો અક્ષય જ

ણબીર કપૂરને આવનારા સમયના ટોપ સ્ટાર તરીકે માનવામાં આવે છે પણ ‘શમશેરા’ જે રીતે માર ખાઇ ગઇ તે પછી તેના માટે ટોપનું પદ હજુ હોલ્ડ પર રાખવા જેવું છે. રણવીર સીંઘ પણ ટોપના પદ માટે ટકકર લે એવો ગણાય છે પણ હમણાં જ તેની ‘જયેશભાઇ જોરદાર’ જોરદાર રીતે પિટાઇ ગઇ અને તેનાથી વધુ લેટેસ્ટ તો તે જે રીતની નાગાઇ પર ઊતરી આવ્યો તે છે. મોટા સ્ટાર્સની એક જાહેર જવાબદારી હોય છે પણ કલ્ચરલી તે હજુ ઇમેચ્યોર છે. દિપીકા પાદુકોણનું તેની પર કોઇ નિયંત્રણ હોય એવું લાગતું નથી. કોઇ સ્ટાર તરીકે ને વ્યકિત તરીકે કેવો છે તે સમય સામે કેવો ટકે છે તેના આધારે જ કહી શકાય. અમિતાભ તેનું મોટું ઉદાહરણ છે.

અજય દેવગણ, અક્ષયકુમાર તેવા બીજા ઉદાહરણો છે. સંજય દત્તના વ્યકિતત્વ વિશે ઘણા સવાલો છે પણ તેણે તેની બોકસ ઓફિસ વેલ્યુ જાળવી રાખી છે. શાહરૂખ હજુ પ્રેક્ષક વચ્ચે ઊભો રહી શકે એવો જરૂર છે પણ તે ફિલ્મોની પસંદગીમાં લાંબો સમથી માર ખાય રહ્યો છે એટલે નિષ્ફળતા ભેગી થઇ ગઇ છે. સલમાન ખાનને ઘોસ કરવાની, દબંગાઇ દાખવવાની કુટેવ છે. તેનો ઇગો બહુ મોટો થઇ ચુકયો છે ને નિષ્ફળ ફિલ્મોનોને તે કાર્પેટ નીચે છૂપાવી દે છે. આમીરખાન આ બધાથી જુદો છે ને સ્પર્ધામાં રહ્યા વિના શાંતિથી દરેક ફિલ્મ બનાવે છે. બાકી ઋતિક પણ પોતાની ટેલેન્ટ પ્રમાણે હિસાબ આપી શકતો નથી અને સ્ત્રી સંબંધ મામલે તે દિશાહિનતામાંથી અટવાયા કરે છે. જે અંગત જીવનમાં ગુંચવાયેલા હોય તે ફિલ્મો બાબતે પણ ગુંચવાયેલા જ રહેવાના. સ્ટારડમ મળી જવાથી કાંઇ થતું નથી. તેને કેટલો વખત સુધી કઇ રીતે ટકાવી રાખો છો તેનું જ મહત્વ છે. દિલીપકુમાર, રાજકપૂર, દેવઆનંદ, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, શમ્મીકપૂર, અમિતાભ બચ્ચન સમય સામે ટકી શકયા હતા.

અત્યારે આવો થોડો દાવો કરી શકે તો અજય દેવગણની સાથે અક્ષયકુમાર જ કરી શકે. તેનામાં ય ઘણી મર્યાદા હતી પણ કારકિર્દીમાં આગળ વધતો ગયો તેમ પોતાના નવા વર્ઝન તૈયાર કરતો ગયો. પોતાની ક્ષમતા અને તે અનુરુપ ફિલ્મો સાથે કનેકટેડ થતો રહ્યો. તેણે સખ્ત પરિશ્રમ પર ભરોસો કર્યો અને પોતાની ફિલ્મો ય નિષ્ફળ જાય એવું સમજી નવા વિકલ્પો શોધતો રહ્યો. કોઇ ફિલ્મ સફળ જાય તો તેના કારણમાં પોતે જ એવી ડિંગ તે હાંકતો નથી એટલે નિષ્ફળતા વખતે પણ તેના માથે માછલા ધોવાતા નથી. તે પોતાના ટોપલામાં અનેક પ્રકારના ફળ લઇને ઊભેલા ધંધાદારી જેવો છે. કોઇને એક ફળ ન ભાવે તો તરત બીજું ધરે છે.

અક્ષયકુમાર એવું માનીને ચાલતો નથી કે પોતે મોટો સ્ટાર છે એટલે તેની ફિલ્મો ચાલી જ જશે. તે તેની દરેક ફિલ્મોના રજૂ થવા પહેલાં પ્રમોશન માટે સમય ફાળવે છે. તે તેના નિર્માતાને ફિલ્મ મોંઘી ન પડે તેની ય કાળજી રાખે છે. બે-ત્રણ વર્ષ સુધી જેનું શૂટિંગ ચાલ્યા કરવાનું હોય એવી ફિલ્મોથી દૂર રહે છે. ટોપની હીરોઇનનો ય આગ્રહ નથી રાખતો કે જેથી તારીખો મેળવવામાં સમય જાય. કોઇ હીરોઇનને ઊંચે લાવવાનો દાવો નથી કરતો કે કોઇ તેની સાથે કામ કરવા તૈયાર ન થાય તો તેને ખખડાવી નથી નાંખતો. અમુક નિર્મતા યા દિગ્દર્શક પર દબાણ નથી કરતો કે તમારી આગલી ફિલ્મમાં હું હતો તો નવી ફિલ્મમાં પણ હું જ હોઇશ, નહીંતર જોઇ લેજો. જે ફિલ્મ મળે તેમાં પૂરેપૂરો સંડોવાતો હોય છે. આખર તો આ બધી બાબતો એક સ્પષ્ટ પરિણામ સુધી જતી હોય છે. અક્ષય પોતાની ફિલ્મનું નિર્માણ પોતે જ કરી પોતાની ઇમેજનો પહેરો નથી ભરતો.

તેની ‘રક્ષાબંધન’ ૧૧મી ઓગસ્ટે રજૂ થશે. આજના સમયે આટલી બધી કૌટુંબિક લાગે એવી ફિલ્મ માટે કોઇ સ્ટાર તૈયાર ન થાય. આ ફિલ્મમાં તે ફરી ભૂમિ પેડનેકર ઉપરાંત સહેજમીન કૌર, દિપીકા ખન્ના, સાદિયા ખતિબ, સ્મૃથી શ્રીકાંથ સાથે છે. આવી રહેલી ‘રામસેતુ’, ‘ઓએમજી-2’, ‘સેલ્ફી’ જેવી ફિલ્મનો સ્ટાર ઘણી બધી અભિનેત્રીઓ વચ્ચે ‘રક્ષાબંધન’માં ઘેરાયો છે. આપણે ત્યાં દિવાળી, ઇદ કે ઇસુના નવા વર્ષે ફિલ્મ રજૂ કરવાના પ્લાન થાય છે, રક્ષાબંધન નિમીત્તે રજૂ કરી શકાય એ રીતે ફિલ્મ નથી બનાવાતી.

અક્ષયકુમાર વધુ હોમલી સ્ટાર બન્યો ગણી શકાય. રક્ષાબંધનનો મહિમા તેણે આ રીતે વધાર્યો છે. પણ તે અમુક વિષયોમાં જ બંધાય રહેશે એવું ય નથી. હમણાં તેણે મૂળ સુરીયા અભિનીત તમિલ ફિલ્મ ‘સુરારાઇ પોતરુ’ની રિમેક મેળવી છે. આ વર્ષે અક્ષયની ‘ગોરખા’, ‘રામસેતુ’, ‘ઓએમજી-2’ રજૂ થવી બાકી છે ને ‘બડે મિયાં છોટે મિયાં’, ‘ડ્રાઇવિંગ લાયસન્સ’, ‘કેપ્સ્યૂલ ગીલ’, ‘ક્રેક’ ઉપરાંત રંજીત તિવારી દિગ્દર્શીત ફિલ્મનું ય શૂટિંગ ચાલુ છે. અક્ષય રેસનો એ ઘોડો છે જેની પર દરેકને દાવ લગાડવો ગમે. ને જે સૌથી આગળ જ દોડતો હોય તે હકીકતે રેસની બહાર હોવા છતાં અવ્વલ હોય છે. •

Most Popular

To Top