તાજેતરમાં રમાઇ ગયેલી ટોકયો ઓલિમ્પિકમાં આપણને એક ગોલ્ડ મેડલ, બે સિલ્વર, ચાર બ્રોન્ઝ. કુલ સાત મેડલ ખેલાડીઓને મળ્યા છે. મીરાબાઇ ચાનુ, પી.વી. સિંધુ, નીરજ ચોપરા, બજરંગ પુનીયા, લવલીના બોર ગોહેન, રવિ દહિયા અને ટીમો અભિનંદનની અધિકારી છે. દેશના યુવા ખેલાડીઓના ઉત્સાહ, આત્મવિશ્વાસમાં અનન્ય વધારો થયો છે. વિશ્વમાં ભારત સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે. પરદેશમાં બાળકો નાનાં હોય ત્યારથી જ રમતની તૈયારી શરૂ કરી દે છે. વડાપ્રધાને ઉપરોકત ખેલાડીઓની પીઠ થાબડી એ સારું કર્યું. લોક સંત પૂ. મુરારિબાપુએ પણ પ્રત્યેક ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી ઉત્સાહમાં વધારો કર્યો છે.
ભૂતકાળમાં શાળાના ઓરડા બાંધનારા પ.પૂ. હરિ ૐ આશ્રમવાળા, પૂ. મોટા અને નારેશ્વરના સંત શ્રી રંગ અવધૂત બાપજીએ યુવાનોમાં સાહસની ભાવના ખીલે, ખેલદિલી પ્રગટે એ માટે ભારે જહેમત કરી સંસ્થાઓને મોટી રકમના દાનો આપેલા. બાળપણથી જ શાળાઓમાં તાલીમ અને સુવિધા મળે તો આપણા યુવાનો અનેક એવોર્ડ મેળવી લાવે. દેશમાં અભૂતપૂર્વ સન્માન થઇ રહયું છે એનો આનંદ છે તો ભારતીય હોકી ટીમ ટોકયો ઓલિમ્પિકમાં હારી ગઇ તે દિવસે દલિત પરિવારની દીકરીના હેટ્રીક કરનારી પ્રથમ ખેલાડી વંદના કટારીયાના ઘર સામે શરમજનક ઉજવણી થઇ. આ યોગ્ય નથી થયું. આઝાદીનાં આટલાં વર્ષોનાં વહાણાં પછી પણ કહેવાતી પછાત જાતિ સાથે દુર્વ્યવહાર, ભેદભાવ રાખવામાં આવે છે એ બહુ જ દુ:ખદ છે. સર્વે વર્ગોને સાથે લઇને ચાલવાથી જ સર્વાંગી પ્રગતિ થશે. સુરત -ભગુભાઇ પ્રે. સોલંકી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.