Columns

જીવનની સફર

એક દિવસ ગુરુજીએ શિષ્યને પૂછ્યું, ‘ચાલો, આજે વાત કરીએ જીવનની સફરની.બધા અહીં પૃથ્વીની સફરે આવ્યા છીએ અને દરેકની સફર જુદી જુદી હોય છે.અનુભવ જુદા જુદા હોય છે, પણ આ જીવનની સફરનો સાર એક જ હોય છે.’ બધા શિષ્યો આવી વિરોધાભાસી વાત સાંભળીને મૂંઝાઈ ગયા.થોડી વાર કોઈ કંઈ બોલ્યું નહિ.ગુરુજી માર્મિક હસ્યા અને બોલ્યા, ‘કોઈને કંઈ પૂછવું છે? કે બધાં સમજી ગયા છો મારી વાત.’ એક શિષ્યે હિંમત કરીને પૂછ્યું:  ‘ગુરુજી હમણાં તમે જ કહ્યું કે બધાના જીવનની સફર જુદી જુદી હોય છે.બધાનું જીવન જુદું જુદું હોય છે.બધાના જીવન વિશેના વિચારો જુદા જુદા હોય છે.બધાની આવડત અને લાયકાત જુદી જુદી હોય છે.

બધાની જીવન જીવવાની રીત જુદી જુદી હોય છે તો બધાના જીવનની સફરનો સાર એક જ કઈ રીતે હોઈ શકે?’ બીજા શિષ્યે પૂછ્યું , ‘ગુરુજી , એક રાજા અને એક ગરીબના જીવનની સફરનો સાર તો અલગ જ હોય ને. ગુરુજી તમે ગુરુ અને અમે તમારા શિષ્ય, તમે જે શીખવાડો,જેમ શીખવાડો તે અમે શીખીએ તો પછી તમારી જીવનસફર અને અમારી જીવનસફરનો સાર એક કઈ રીતે થઈ શકે? એક પછી એક શિષ્યો આવો જ પ્રશ્ન કરવા લાગ્યા.ગુરુજીએ શાંતિથી બધાના પ્રશ્નો સાંભળ્યા અને પછી બધાને કહ્યું, ‘જુઓ, તમારા આટલા બધા સવાલ છે અને હું એક જવાબ આપીશ અને બધા મનના પ્રશ્નો દૂર કરી દઈશ.હવે તમે હું પૂછું તે પ્રશ્નના જવાબ આપો.

સૌથી પહેલાં દરેક માણસ જન્મે તે દિવસથી ઇચ્છાઓના વર્તુળમાં ફરે છે હા કે ના?’ શિષ્યો બોલ્યા, ‘હા ‘ગુરુજીએ આગળ પૂછ્યું, ‘મારો બીજો પ્રશ્ન છે કે એક ઈચ્છા પૂરી થાય તો દરેક માણસના મનમાં બીજી ઈચ્છા જાગી જ જાય છે બરાબર હા કે ના?’ શિષ્યોએ હકારમાં ડોકું હલાવ્યું.ગુરુજીએ આગળ પૂછ્યું, ‘કોઈ પણ માણસ હોય, ઈચ્છા પૂરી થાય તો નાચી ઊઠે છે અને ઈચ્છા પૂરી ન થાય તો દુઃખી થઈ જાય છે ખરું ને, એટલે માણસ જીવનમાં કંઈ ને કંઈ મેળવવા દોડે છે અને ન મળે કોઈ વસ્તુ તો તે દુઃખી રહે છે.

કોઈ વસ્તુ મળી જાય તો બે ઘડી ખુશ થઇ જાય છે અને પછી તે મળ્યા બાદ ખોવાઈ ન જાય, તેમાં ચિંતા કરે છે.ગરીબ હોય કે તવંગર , રંક હોય કે રાજા ,ગુરુ હોય કે શિષ્ય, જ્ઞાની કે અજ્ઞાની દરેક માણસના જીવનની સફરનો સાર આ જ છે. વસ્તુ ન મળે તો બેચેની અને મળી જાય તો ખોવાઈ જવાના ડર વચ્ચે જ વીતે છે જીવનની આખી સફર.’શિષ્યોના મનના દરેક પ્રશ્નનું ગુરુજીએ સમાધાન કરતાં સમજાવ્યું અને આગળ કહ્યું, ‘ઈચ્છારહિત બનવું તો લગભગ અશક્ય છે, પણ બને ત્યાં સુધી મનની ઇચ્છાઓને કાબૂમાં રાખવી અને મનગમતું મળે તો ખુશી અને ન મળે તો સ્વીકાર કરી આગળ વધતાં રહેવું,’ગુરુજીએ શિષ્યોને જીવનની સફરનું સત્ય સમજાવ્યું.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top