હિમાલય પર્વતનો સમગ્ર વિસ્તાર પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ઝોનમાં આવે છે. હિમાલયની પર્વતમાળા હજુ કાચી છે, જેને કારણે વારંવાર ભૂકંપ અને જમીન ધસી પડવાની ઘટના બને છે. ૨૦૧૩માં કેદારનાથમાં વાદળ ફાટવાની ઘટના બની ત્યારે જે વિનાશ વેરાયો તેનું મુખ્ય કારણ નદીના પટમાં બાંધી કાઢવામાં આવેલાં મકાનો હતાં. જો મકાનો નદીના પટમાં બાંધવામાં ન આવ્યાં હોત તો ૫,૦૦૦ માણસોના જીવ ન ગયા હોત. ૨૦૧૩માં દુર્ઘટના બની ત્યારે ઉત્તરાખંડમાં આડેધડ થઈ રહેલા વિકાસ પર અંકુશ મૂકવાની વાતો થઈ હતી, પણ સ્થાપિત હિતો પાછાં કૌભાંડો આચરવા લાગ્યાં હતાં.
તાજેતરમાં બદ્રીનાથના રસ્તે આવેલા જોષીમઠમાં પણ જે તિરાડો પડવાની ઘટના બની તેના માટે કુદરતી પરિબળો કરતાં પણ વધુ જવાબદાર માનવો દ્વારા કરવામાં આવી રહેલાં અવિચારી બાંધકામો છે. કેદારનાથની દુર્ઘટના બની ત્યારે ઉત્તરાખંડની વિવિધ નદીઓ ઉપર ચાલી રહેલા હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટો પર રોક લગાવવાની માગણી ઊઠી હતી, પણ સરકારે તેની અવગણના કરી હતી. આ અવગણનાને પરિણામે જ જોષીમઠમાં કટોકટી પેદા થઈ છે.
હિમાલયના ગઢવાલ વિસ્તારમાં આવેલું જોષીમઠ સમુદ્રની સપાટીથી ૧,૮૯૦ મીટરની ઊંચાઈએ આવેલું સનાતન સંસ્કૃતિનું મહત્ત્વનું તીર્થ છે. શંકરાચાર્યે ભારતમાં તેમની જે ચાર ગાદીની સ્થાપના કરી તેમાંની એક જોષીમઠમાં સ્થાપી હતી, જેનું મૂળ નામ જ્યોતિર્મઠ છે. શિયાળામાં બદ્રીનાથનું મંદિર જ્યારે બરફથી ઢંકાઈ જાય છે ત્યારે બદ્રીનાથ ભગવાનને જોષીમઠમાં લાવીને તેમની પૂજા ચાલુ રાખવામાં આવે છે. ગયા ગુરુવારે જોષીમઠનાં ૫૬૧ મકાનોમાં તિરાડો જોવા મળતાં તેના રહેવાસીઓ ભયભીત થઈ ગયાં હતાં. સરકારે સાવચેતીનાં પગલાં રૂપે તેમને મકાનો ખાલી કરાવ્યાં હતાં. ૨૦ હજારની વસતિ ધરાવતું જોષીમઠ પહાડના ઢાળ પર આવેલું છે, જેમાં ગમે ત્યારે જમીનો ધસી પડતી હોય છે. આ આખું નગર ગમે ત્યારે જમીનમાં બેસી જાય તેમ છે.
જોષીમઠ નગર એક ટેકરીના મધ્ય ઢાળ પર આવેલું છે, જેની ચારેય તરફ નદીઓ કે ઝરણાં આવેલાં છે. જોષીમઠની પૂર્વમાં ઢકનાળા અને પશ્ચિમમાં કર્માનસા નામની નાની નદીઓ આવેલી છે. તેની ઉત્તરમાં અલકનંદા તો દક્ષિણમાં ધૌલીગંગા નદીઓ વહે છે. આ નદીઓમાં બરફનું પીગળતું પાણી વહેતું હોય છે. જોષીમઠની જમીન કાચી છે. તેમાં રેતાળ માટીમાં મોટા ખડકો અને નાના પથ્થરો ખૂંચેલા જોવા મળે છે. આ જમીન ગમે ત્યારે સરકી જવાનો સ્વભાવ ધરાવે છે. છેક ૧૯૭૬માં ઉત્તરાખંડના પર્યાવરણ બાબતમાં મિશ્રા પંચનો રિપોર્ટ આવ્યો તેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જોષીમઠની જમીન કાચી હોવાથી વધુ ભાર ઉપાડવાની ક્ષમતા ધરાવતી નથી. ૨૦૧૩માં ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના બની તેમાં જોષીમઠ નજીક બંધમાં કામ કરતાં ૨૦૪ મજૂરોનાં મોત થયાં હતાં. ત્યાર બાદ ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં પણ પૂર આવ્યું હતું. આ બે દુર્ઘટનાઓને કારણે જોષીમઠમાં નદીકિનારે બાંધવામાં આવેલાં મકાનો હેઠળની જમીનો પોચી પડી ગઈ હતી. જોષીમઠમાં ૨૦૨૧ની ૧૭ ઓક્ટોબરે ૧૯૦ મી.મી. વરસાદ પડતાં હાલત વધુ બગડી હતી.
જોષીમઠ ચમોલી જિલ્લામાં આવેલું છે, જેને ભૂકંપની દૃષ્ટિએ પણ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. છેલ્લા દાયકામાં ત્યાં રિક્ટર સ્કેલ પર પાંચ કે તેથી વધુ તીવ્રતાના સંખ્યાબંધ ભૂકંપો નોંધાયા છે. જોષીમઠ પોતે ભૂકંપની ફોલ્ટલાઈન પર આવેલું છે. તેની નજીકમાંથી બીજી બે ફોલ્ટલાઈનો પસાર થાય છે. તેને કારણે ત્યાં ભેખડો ધસી પડવાની ઘટનાઓ કાયમ બને છે. અત્યારે બદ્રીનાથ જતો રસ્તો જોષીમઠથી પસાર થાય છે. કેન્દ્ર સરકારની ચાર ધામ યોજના હેઠળ વર્તમાનમાં હેલાંગ બાયપાસ રોડ બની રહ્યો છે.
તેને કારણે હરિદ્વાર અને બદ્રીનાથ વચ્ચેનું અંતર ૩૦ કિલોમીટર જેટલું ઘટી જશે, પણ તેમાં ભારે મશીનરી દ્વારા ખોદકામ ચાલી રહ્યું હોવાને કારણે પણ જમીન ધસી પડવાની ઘટનાઓ વધી ગઈ છે. મેદાનમાં રહેતાં લોકોની સુવિધા માટે ઉત્તરાખંડમાં જે ફોર લેન રસ્તાઓ બની રહ્યા છે, તેને કારણે પહાડોમાં રહેતાં હજારો લોકો બેઘર બની જાય તેમ છે. ઉત્તરાખંડનો વિસ્તાર ભૌગોલિક દૃષ્ટિએ સંવેદનશીલ છે તેની જાણ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા હિમાલયની નદીઓ આડે બંધો બાંધીને વીજળી પેદા કરવાની વિનાશક યોજનાઓ તૈયાર કરી હતી. જોષીમઠની આજુબાજુ તપોવન અને વિષ્ણુગઢ જેવી યોજનાઓનું કામ ચાલી રહ્યું છે. તેનું મુખ્ય બોગદું બરાબર જોષીમઠ નગરની નીચેથી પસાર થાય છે. તેમાં અલકનંદા નદીનું પાણી બોગદામાં ઊતારી દેવાને કારણે જમીન પોલી થઈ જતાં પણ તિરાડો પડી રહી છે.
જોષીમઠનાં રહેવાસીઓ કહે છે કે તેમની જમીન આટલી પોચી છે તે જાણતા હોવા છતાં નગરપાલિકા દ્વારા બિલ્ડર લોબીના દબાણ હેઠળ બહુમાળી મકાનો બાંધવાની પરવાનગી આપી દેવામાં આવી છે. તાજેતરમાં તેવું એક મકાન જમીનમાં ઊતરી જવાને કારણે વાંકું વળી ગયું હતું. જોષીમઠના બોગદામાં વહેતાં નદીનાં પાણી સરકીને મકાનોના પાયામાં પ્રવેશી જાય છે અને તેને નબળા પાડી દે છે. ઘણાં મકાનો જમીનો ધસી પડનારા ક્ષેત્રની નજીકમાં બાંધવામાં આવ્યાં છે. તેમને પહાડોના ઢાળથી સંરક્ષણ આપવા તેમની આજુબાજુ પ્રોટેક્શન વોલ બાંધવામાં આવે છે. તેને કારણે જમીનો ઉપરનું ભારણ ઔર વધી જાય છે. અગાઉ જે નદીકિનારે આવેલી જમીનમાં વરસાદનું અને બરફનું પાણી શોષાઈ જતું હતું ત્યાં હવે મકાનો અને રસ્તાઓ બની ગયા છે. તેને કારણે વરસાદનાં પાણીએ નવા રસ્તાઓ શોધી કાઢ્યા છે. તે પાણી મકાનોના પાયામાં પહોંચી જાય છે. જોષીમઠમાં કોઈ ગટર સિસ્ટમ નથી. રહેઠાણોનું ગંદું પાણી ખાળકૂવાઓ મારફતે જમીનમાં ઊતારી દેવામાં આવે છે. તેને કારણે જેમ જેમ વસતિ વધતી જાય છે તેમ જમીનમાં વધુ પાણી ઊતરતું જાય છે.
ઉત્તરાખંડની ભૂમિ હિમનદીઓ અને નદીઓથી ઘેરાયેલી છે. ભાગીરથી, અલકનંદા, મંદાકિની વગેરે નદીઓ ભેગી થઇને ઉત્તરકાશીમાં ગંગા નદીનું સ્વરૂપ ધારણ કરે છે. ઉત્તરાખંડની સરકાર દ્વારા છેક ગંગોત્રીથી લઇને ઉત્તરકાશી સુધી આ પ્રાચીન નદીઓ ઉપર સેંકડો નાના-મોટા બંધો બાંધીને નદીઓને નામશેષ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેની સામે પ્રચંડ લોક આંદોલન પણ ચાલી રહ્યું છે. ગંગા નદી ઉપર બંધાયેલા વિરાટ ટહેરી બંધને કારણે ભૂકંપનો ખતરો વધી જશે એવી ચેતવણીઓની પણ સરકાર દ્વારા ઉપેક્ષા કરવામાં આવી હતી.
હવે એવું લાગે છે કે અલકનંદા અને ભાગીરથી જેવી નદીઓ તેના પ્રવાહને રૂંધવાના માનવીય પ્રયાસો સામે વિરોધ વ્યક્ત કરી રહી છે. ઉત્તરાખંડના કુદરતી પ્રકોપમાં સેંકડો મકાનો નદીમાં ધોવાઇ જતાં આપણે જોયાં છે. હવે એવું બહાર આવ્યું છે કે તેમાંનાં આશરે ૩૦૦ મકાનો પર્યાવરણના કાયદાઓનો ભંગ કરીને નદીના પટમાં બાંધવામાં આવ્યાં હતાં. રૂદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લાની ૬૦ હોટેલો રિવરફ્રન્ટના નિયમોનો ભંગ કરીને નદીના પટમાં બાંધવામાં આવી હતી. સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આ હોટેલોના માલિકો પાસેથી લાંચ લઇને આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. આ લાલચુ હોટેલમાલિકોના પાપે તેમાં રહેનારાં સેંકડો સહેલાણીઓના જાન ગયા હતા. આ હોટેલમાલિકો તેમને થયેલા નુકસાન પેટે સરકાર પાસેથી વળતર મેળવવાની આશા સેવી રહ્યા છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.