હાલ થોડા દિવસ પહેલા જાપાનના દરિયા કિનારે હજારો ટન મરેલી માછલીઓ તણાઇ આવી હતી. આ એના ત્રણ મહિના પછી બન્યું છે જ્યારે જાપાને પોતાના ફુકુશીમા અણુમથકનું કિરણોત્સર્ગી પાણી તેના પર પ્રક્રિયા કરીને દરિયામાં છોડ્યું હતું. ફુકુશીમા અણુમથકમાંથી કિરણોત્સર્ગવાળુ પાણી દરિયામાં છોડવાનું ત્રણેક મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું ત્યારે જ એ બાબતે ખાસ્સી ચિંતાઓ હતી. જાપાને જો કે દાવો કર્યો હતો કે જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે પૂરતી પ્રક્રિયા કરીને સલામત બનાવીને છોડવામાં આવી રહ્યું છે અને તેનાથી સમુદ્રી જીવસૃષ્ટિને કે સમુદ્રી પર્યાવરણને કોઇ અસર થશે નહીં. છતાં ઘણા લોકોને જાપાનના આ દાવા પર શંકા હતી અને તેમાં આ ટનબંધ માછલીઓના સામૂહિક મોતની ઘટના આવી પડી છે જેને કારણે લોકોની શંકામાં ઓર વધારો થયો છે.
ઉત્તર જાપાનના દરિયા કાંઠે આ ઢગલેબંધ મરેલી માછલીઓ તણાઇ આવી તેનાથી એવી અટકળોને વેગ મળ્યો છે કે ફુકુશીમા અણુ વિજળી મથકમાંથી જે રેડિયોએક્ટિવ પાણી સમુદ્રમાં છોડવામાં આવ્યું છે તેણે સ્થાનિક જળ સૃષ્ટિને મોટી હાનિ પહોંચાડી છે. જાપાનના સૌથી ઉત્તરના મુખ્ય ટાપુ હોકાઇડોના હાકોડાટના કાંઠે ગુરુવારે સવારે આ માછલીઓ તણાઇ આવી હતી. આ માછલીઓમાં સાર્ડીન અને માકેરેલ જેવી માછલીઓનો સમાવેશ થતો હતો. આ મરેલી માછલીઓના ઢગલાને કારણે લગભગ એક માઇલ જેટલા દરિયા કાંઠા પર જાણે રૂપેરી રંગની ચાદર પથરાઇ ગઇ હતી.
આ બાબતનો ખુલાસો અધિકારીઓ કરી શક્યા ન હતા પણ હાકોડાટ માછીમારી સંશોધન સંસ્થાના એક સંશોધક તાકાશી ફુજીઓકાએ આ રીત માછલીઓના સામૂહિક મોત બાબતે અનેક થિયરીઓ રજૂ કરી છે. તેમણે જણાવ્યું છે કે આ માછલીઓનું ઝુંડ છીછરા પાણીમાં ભારે ગીચ જગ્યામાંથી પસાર થતું હોય ત્યારે ઓક્સિજનના અભાવે ગુંગળાઇ જવાથી આ માછલીઓ મરી ગઇ હોઇ શકે, તેમણે એમ પણ જણાવ્યું છે કે સ્થળાંતર વખતે આ માછલીઓનું મોટું ઝુંડ અચાનક ઠંડા પાણીમાં પ્રવેશતા ઝુંડની માછલીઓ મરી ગઇ હોઇ શકે છે. ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ જાપાનના દરિયાકાંઠાઓ પર બની છે. તેમની વાત સાચી હોઇ શકે છે પરંતુ આમ છતાં કિરણોત્સર્ગી દ્રવ્ય યુક્ત પાણી અંગેની શંકા સહેલાઇથી દૂર થાય તેમ નથી.
માછલીઓ સામૂહિક રીતે મરી જવાની આ ઘટના એના ત્રણ મહિના પછી જ બની છે જ્યારે જાપાને ફુકુશીમા અણુ વિજળી મથકનું કિરણોત્સર્ગથી બગડેલું પાણી દરિયામાં છોડવાનું શરૂ કર્યું હતું. જાપાન સરકારે દાવો કર્યો હતો કે આ પાણી પર પ્રક્રિયા કરીને તેમાંના રેડિયોએક્ટિવ તત્વો મંદ પાડી દઇને આ પાણીને સલામત બનાવી દેવામાં આવ્યું છે અને તેનાથી જળચર સૃષ્ટિને કોઇ ખતરો નથી. જો કે ચીન અને દક્ષિણ કોરિયા જેવા જાપાનના પાડોશીઓએ આ રીતે પાણી છોડવાનો સખત વિરોધ કર્યો હતો અને ચીને તો જાપાનના સી-ફૂડની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
દક્ષિણ કોરિયામાં તો વિરોધ પ્રદર્શનો પણ યોજાયા હતા. હવે જ્યારે માછલીઓના મોતની આ ઘટના બની જ ગઇ છે ત્યારે જાપાને આ બાબતે વિગતવાર અને પુરાવાઓ સાથે ખુલાસો કરીને વિશ્વની શંકાઓનું નિવારણ કરવું જ જોઇએ. અણુ વિજ મથકોનું જોખમ પણ આ ઘટનાથી ફરી એકવાર પ્રકાશમાં આવ્યું છે. રશિયાના ચેર્નોબિલ અણુમથકની દુર્ઘટના પછી પણ વિશ્વના દેશોની આંખ ખાસ ઉઘડી નહીં અને આવા અણુમથકો બાંધવાનું ચાલુ જ રહ્યું છે. અણુ વિજ મથકોમાં કોઇ પણ હોનારત નજીકની વસ્તીમાં મોટો અનર્થ સર્જી શકે છે.
જાપાનમાં ધરતીકંપ વખતે ફુકુશીમા અણુમથકમાં થયેલા નુકસાને આ વાત ફરી છતી કરીને બતાવી છે. અણુ વિજળી ભલે સ્વચ્છ અને પ્રદૂષણ રહિત ગણાતી હોય પણ કિરણોત્સર્ગી કચરો અને પાણી તેના મોટા જોખમી પરિબળો હોય છે. ફુકુશીમા અણુ વિજ મથકનું કેટલાય ગેલન પાણી અકસ્માત પછીની મજબૂરીને કારણે જ દરિયામાં છોડવું પડ્યું છે. ભવિષ્યમાં હોનારતો ઘટાડવા અણુ વિજ મથકોના વિકલ્પ પર જ હવે ચોકડી મારી દઇને અન્ય સારા વિકલ્પો પર વિચારણા થવી જરૂરી છે.