જે ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લઈ આવ્યા હતા તેવા કોંગ્રેસના આગેવાન અને ઈન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ લોકસભાની ચૂંટણી વચ્ચે જ અમેરિકાની જેમ ભારતમાં પણ વારસાગત ટેક્સ માટે સરવે કરવાની વાત કરીને નવા જ વિવાદને જન્મ આપ્યો છે. ભાજપ સામ પિત્રોડાના આ નિવેદનનો રાજકીય લાભ લેવા માટે તૂટી પડી છે અને સામે કોંગ્રેસે આ મામલે બેકફુટ પર આવવું પડ્યું છે. સામ પિત્રોડાની ગણના ઈન્ટેલિજન્ટ વ્યક્તિ તરીકે થાય છે ત્યારે ચૂંટણી ટાણે જ તેમણે કરેલા રાજકીય બફાટની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
અમેરિકામાં લાગુ પડતા આ વારસાગત ટેક્સની સિસ્ટમ, આમ જોવા જઈએ તો જે તે દેશ માટે સારી જ છે અને જે તે પરિવાર માટે ખરાબ છે. ભારતમાં લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દાની શું અસર થશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે પરંતુ સાથે સાથે આ વારસાગત ટેક્સ શું છે તે જાણવું પણ જરૂરી છે. યુએસમાં વારસાગત કર એ એક એવો કર છે કે જે મૃત વ્યક્તિની મિલકત પર લાદવામાં આવે છે. જેમાં મૃતકની સંપત્તિનો કેટલોક ભાગ તેના વંશજોને મળે છે અને કેટલોક ભાગ ટેક્સ સ્વરૂપે સરકારને મળે છે. અમેરિકામાં આખા દેશમાં આ કર નથી પરંતુ ત્યાં છ જેટલા રાજ્યોમાં આ કર લાદવામાં આવ્યો છે.
મરનાર ક્યાં રહેતો હતો અને તેની મિલકતના વારસદારો સાથે તેના કેવા સંબંધ હતા તેના આધારે આ કર નક્કી કરવામાં આવે છે. જે છ રાજ્યોમાં આ કર લાગુ પાડવામાં આવ્યો છે તેમાં ન્યુજર્સી, પેન્સિલવેનિયા, મેરીલેન્ડ, આયોવા, કેન્ટુકી અને નેબ્રાસ્કાનો સમાવેશ થાય છે. રાજ્ય પ્રમાણે આ વારસાગત કર અલગ અલગ છે. આયોવા રાજ્યમાં આગામી વર્ષ 2025થી આ કર નાબૂદ કરવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલી રહી છે. ઘણા કેસમાં આ કરમાંથી મુક્તિ પણ આપવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં આ કર તેની કુલ સંપત્તિ અને રોકડ મૂલ્યના એક ટકાથી પણ ઓછો છે. જ્યારે કેટલાક રાજ્યોમાં તે 20 ટકા સુધી છે.
ન્યુજર્સીમાં વારસાગત કર 11થી 16 ટકા છે પરંતુ મૃતકના જીવનસાથી, બાળકો, માતાપિતા, દાદા-દાદી, પૌત્ર-પૌત્રીઓને આ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે.મૃતકના ભાઈ-બહેનને અથવા પુત્ર-પુત્રવધુને મિલકત ટ્રાન્સફર કરવામ માટે 25 હજાર ડોલર સુધીની છૂટ પણ આપવામાં આવી છે. પેન્સિલવેનિયામાં વારસાગત કર અલગ અલગ છે. ત્યાં 3500 ડોલરથી વધુની મૂલ્યની મિલકતો હોય તો તેના પર તમામ પ્રકારના વારસાગત કર લાગે છે. મૃતકના માતા-પિતા, બાળકો અને દાદા-દાદી પર મિલકતની સામે 4.5 ટકા ટેક્સ લાગે છે. જ્યારે ભાઈ-બહેન અને બાકીના વારસદારોએ 15 ટકા ટેક્સ ચૂકવવાનો રહે છે. 21 વર્ષથી ઓછી ઉંમરના વારસદારોએ કોઈ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. નેબ્રાસ્કા રાજ્યમાં વારસા પ્રમાણે કર બદલાય છે.
મૃતકના માતા-પિતા, બાળકો, દાદા-દાદી, ભાઈ-બહેનએ 1 લાખ ડોલરથી વધારેની મિલકત હોય તો તેની પર 1 ટકા ટેક્સ ચૂકવવાનો રહે છે. જ્યારે કાકા-કાકી, ભત્રીજા-ભત્રીજીઓએ 40 હજાર ડોલરથી વધુની સંપત્તિ પર 11 ટકા ટેક્સ ચૂકવવાનો રહે છે. અન્ય વારસદારોએ 25 હજાર ડોલરથી વધારે સંપત્તિ હોય તો તેની પર 15 ટકાનો ટેક્સ ચૂકવવાનો રહે છે. 22 વર્ષથી ઓછી ઉંમરના તમામ પ્રકારના વારસદારોએ કોઈ જ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. મેરીલેન્ડ રાજ્યમાં 1 હજાર ડોલરથી વધુની સંપત્તિ હોય તો વારસદારોએ 10 ટકા કર ચૂકવાનો રહે છે. જેમાં મૃતકના જીવનસાથી, બાળકો, દાદા-દાદી, માતા-પિતા, ભાઈ-બહેન, પૌત્ર-પૌત્રી કે પછી સખાવતી સંસ્થાઓને આ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આયોવા રાજ્યમાં 1થી 4 ટકા સુધીનો વારસાગત કર વસૂલવામાં આવે છે. મૃતકના લોહીના સંબંધીઓએ કર ચૂકવવાનો રહેતો નથી પરંતુ જો મૃતક અન્ય કોઈને વારસદાર બનાવે તો તેણે ટેક્સ ચૂકવવાનો રહે છે. કેન્ટુકી રાજ્યમાં મૃતકના સંબંધના આધારે વારસાગત કર નક્કી કરવામાં આવે છે. 1 હજાર ડોલરથી વધુની સંપત્તિ હોય તો 4થી 16 ટકાનો કર નિયત કરાયો છે. આખા અમેરિકામાં આ વારસાગત કર લાગુ પડતો નથી પરંતુ ભારતમાં વારસાગત કરના મામલે હવે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. વારસાગત કરનો આ મુદ્દો હવે કયો રંગ પકડશે તે આગામી દિવસોમાં ચૂંટણી પ્રચારમાં ખબર પડશે પરંતુ વારસાગત કરનો મામલો હાઈલાઈટ જરૂર થઈ ગયો છે. સાથે સાથે વડાપ્રધાન મોદી સહિતના ભાજપના આગેવાનો તેનો રાજકીય લાભ લેવા માટે ભાષણમાં આ મુદ્દાને રજૂ કરી રહ્યા છે.
બીજી તરફ કોંગ્રેસના આગેવાનો દ્વારા તેનો બચાવ પણ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં જે રીતે વારસાગત સંપત્તિ મળે છે તે જોતાં ભારતમાં આ કાયદો આવે તેવી કોઈજ સંભાવના નથી. હાલમાં ચૂંટણી ચાલી રહી હોવાથી તેનો રાજકીય લાભ લેવા માટે પ્રયાસો થશે પરંતુ વારસાગત કર થકી સરકારને લાભ થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ભારતમાં જે તે સરકાર પણ વારસાગત કર લઈને આવે તો નવાઈ નહીં હોય.