Dakshin Gujarat

અધિકારીઓ ઊંઘતા જ લાગે છે, આ ખાડી પર આખેઆખો પુલ બની ગયો ને ખબર પણ ન પડી…

સુરત: સુરત મહાનગરપાલિકાની હદમાં વાલક ગામની હદમાંથી પસાર થતી વાલક ખાડી પર કેટલાક બિલ્ડરો દ્વારા મનમાનીપૂર્વક ગેરકાયદે પુલ બનાવી દેવાયો હતો. આ પુલને આજે સિંચાઈ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. ખાડી જેવા કુદરતી વહેણને ખતમ કરીને ખાનગી લાભ માટે પુલ બનાવવાના આ કૃત્યએ તંત્ર અને શહેરી યોજના બંને સામે મોટો પડકાર ઊભો કર્યો છે. શહેરમાં મગોબ ડુંભાલ સહિત અનેક વિસ્તારોમાં સિંચાઇ વિભાગની જમીન ઉપર બેફામ દબાણો થયા છે.

  • વાલક ખાડી પર બિલ્ડરોએ તાણી બાંધેલો ગેરકાયદે પુલ સિંચાઈ વિભાગે તોડી પાડ્યો
  • ખાડીના કુદરતી વહેણને અવરોધવામાં આવ્યો હતો, અન્ય વિસ્તારોમાં પણ આવી જ કાર્યવાહી કરવાની માંગ

તાજેતરમાં ખાડીપૂરે સુરત મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીની છાપ ભૂંસી નાંખી હતી. જેને પગલે હવે આબરૂ બચાવવા તંત્ર બેબાકળું બન્યું છે. આ મામલે સિંચાઇ વિભાગ, મનપા અને જિલ્લા કલેકટર તંત્ર વચ્ચે એકબીજા ઉપર દોષારોપણ શરૂ કરાયું હતું.

ખુદ જળ શકિત મંત્રી સી.આર. પાટીલ ખાડીપૂરનું વરવું સત્ય જોઇ હેબતાઇ ગયા હતા. તેમણે આ અંગે તાત્કાલિક સિંચાઇ વિભાગને દબાણો દૂર કરવા ફરમાન કર્યું હતું. જેને લઇને સિંચાઇ વિભાગે જોરદાર ઝુંબેશ શરૂ કરી છે. જેમાં વાલક ખાડી પરનો આ પુલ તોડી પાડવામાં આવ્યો છે.

ખાડી આસપાસના ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવા લોકોની માંગ
શહેરના લોકોમાં પણ આ મુદ્દે રોષ જોવા મળ્યો છે. લોકોએ માંગણી કરી છે કે જેમ ગેરકાયદે પુલ તોડવામાં આવ્યો તેમ શહેરની અંદર ખાડીની આસપાસના તમામ એવા ગેરકાયદે બાંધકામો સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવી જોઈએ, જે ખાડી, નાળા કે નદીઓના પ્રવાહને રોકે છે.

Most Popular

To Top