નાનપણમાં અંગ્રેજીમાં એક પાઠ આવતો હતો. કદાચ કોઈ અંગ્રેજી લેખિકાનો લખેલો નિબંધ હતો. તેમાં જણાવવામાં આવેલું કે ભારતના લોકો, ખાસ કરીને હિન્દુ સમાજ, પોતાના તહેવારો બહુ ‘સસ્તા’માં ઉજવે છે. હોળીના દિવસે બે ચાર લાકડાં પ્રગટાવે છે, ધુળેટીના દિવસે બે પૈસાનો રંગ છાંટે છે, દિવાળીના દિવસે ચમચી તેલનો દીવો કરે છે, રક્ષાબંધનના દિવસે એક રંગીન દોરો ઉપયોગમાં લે છે, વગેરે વગેરે. સમજમાં એ નથી આવતું કે આ પ્રકારનાં પાઠનો પાઠ્યપુસ્તકમાં, તે પણ બાળકોના, સમાવેશ કેવી રીતે થઈ શકે. શું આ એક ભારતીય પરંપરાને, સનાતની સંસ્કૃતિને નીચું દેખાડવાની પ્રક્રિયા તો ન હતી ને. અહીં એમ કહેવાનો અર્થ નથી કે ભારતના લોકો તો વર્ષમાં આવાં અનેક તહેવારો દિલથી ઉજવે છે જ્યારે પશ્ચિમના લોકો તો માત્ર એક દિવસ બે પૈસાની મીણબત્તી જ પ્રગટાવે છે. અહીં સનાતની સંસ્કૃતિ સામે સ્થાપિત થયેલ આ પ્રકારના એજન્ડાને સમજવાની જરૂર છે.
આજના યુવાનોએ જાગ્રત થવાની જરૂર છે. કહેવામાં આવશે કે હોળીના દિવસે કુતરા પર રંગ ન છાંટો, દિવાળીના દિવસે ફટાકડાં ફોડતી વખતે કૂતરાની ઊંઘમાં ખલેલ ન પહોંચાડો, ઉતરાયણના દિવસે કુતરાના પગમાં દોરીનું ગુંચળું ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખજો – અહીં ‘કૂતરું’ એક પ્રયોગ માત્ર માટે જ દર્શાવાયું છે. શિખામણ તો ઘણા પ્રકારની મળે છે. પ્રાણી પ્રત્યે પ્રેમભાવ રાખવો જોઈએ, તેમની માટે કરુણા હોવી જોઈએ, તેમને પણ સરળ જિંદગી પસાર કરવાનો એટલો જ અધિકાર છે. પણ આ બધું એ સમાજને શું કામ કહેવાનું કે જે ચટકા ભરતી કીડીઓનું પણ ઘર લોટથી ભરે છે.
સનાતની સંસ્કૃતિના દરેક તહેવાર પાછળ એક ઇતિહાસ છે. દરેક તહેવાર ચોક્કસ પ્રકારની સ્થિતિ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને યથાર્થતામાં સમજવાનો અને માણવાનો પ્રસંગ છે. આ પ્રત્યેક તહેવાર સાથે આધ્યાત્મિકતા વણાયેલી હોય છે. અહીં તહેવારની ઉજવણીમાં ધાર્મિક ભાવનાઓ સંકળાયેલી હોય છે. અહીં સામાજિક સ્તરે સમરસતા જળવાય તે માટેનો પ્રયત્ન હોય છે. સનાતનના તહેવારની ઉજવણીમાં સમાજનો પ્રત્યેક સમૂહ, સમાજની પ્રત્યેક વ્યક્તિ પોતાની સ્થાપિત ભૂમિકા અનુસાર સંમિલિત થાય છે. આ તહેવારો માત્ર વ્યક્તિગત ઉજવણીનો વિષય નથી પરંતુ પરસ્પરનો તાલમેલ સ્થાપવાની એક પરંપરા પણ હોય છે. આ પ્રકારની સમગ્રતાને કારણે તહેવારની ઉજવણી સામાજિક ઉત્તરદાયિત્વ સમાન પણ બની રહે. આ સાથે તેમને વ્યક્તિગત રીતે અલગ ચીલો પાડવાની સ્વતંત્રતા પણ હોય છે.
ભારતીય સમાજમાં, સનાતનની સંસ્કૃતિમાં વ્યક્તિગતતાને ઉત્સવની ઉજવણીમાં મહત્વ નથી અપાતું. અહીં જ્ઞાનની પ્રાપ્તિ માટે જ વ્યક્તિગતતા મહત્વની છે અને તેને કારણે જ ‘અહમ્ બ્રહ્માસ્મિ’ કે ‘તત્ત્વમસિ’ જેવી બાબતો સ્થાપિત થઈ છે. આધ્યાત્મમાં પ્રગતિ માટે આ જરૂરી છે પરંતુ જ્યારે સામાજિક સમરસતાની વાત આવે ત્યારે અહીં પરસ્પર આધારિત ઘટનાઓની ઉજવણી નિર્ધારિત કરાઈ છે. વળી આ ઉજવણીમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ભેદ ઊભો ન થાય તે માટે ઉજવણી પાછળનો ખર્ચ ન્યૂનતમ રાખવાનો પ્રયત્ન થાય છે. આ સામાજિક સંવેદનશીલતા અને સભાનતાનું પરિણામ છે. ઉત્સવની ઉજવણીમાં સમાજના દરેક વર્ગની ક્ષમતાને ધ્યાનમાં રાખવામાં આવતી. બધાને સાથે લાવવાનો આ પ્રયત્ન હતો, જે હજુ પણ ચાલુ છે.
દિવાળીના દિવસોમાં અંધકાર સામે પ્રકાશનું સામ્રાજ્ય સ્થાપવા એક દીવો પણ પૂરતો છે. ધુળેટીના દિવસે સામેવાળી વ્યક્તિ પ્રત્યેની ભાવનાની અભિવ્યક્તિ માટે એક ચપટી ગુલાલ પણ પૂરતો છે. ઉત્તરાયણના દિવસે સૂર્યની સ્થિતિ અને પવનની ગતિ માણવા માટે એક નાનકડો પતંગ પણ પૂરતો છે. હોળીના દિવસે પ્રતિકાત્મક રીતે અધર્મનો નાશ કરવા એક લાકડાના ટુકડાને અગ્નિને સુપ્રત કરવાની ચેષ્ટા પણ પૂરતી છે. બહેનના ઉત્કૃષ્ટ પ્રેમ અને ભાઈના બહેનની રક્ષાના ઉત્તરદાયિતની અભિવ્યક્તિ માટે શાનો ઉપયોગ થાય છે અને તેની કિંમત શું છે તે બાબત મહત્વની ન જ હોય. વસંતપંચમીના દિવસે એક કેસરી રંગના પુષ્પથી મા સરસ્વતીની આરાધના પણ થઈ શકે અને પ્રેમની અભિવ્યક્તિ પણ સંભવી શકે. નવા વર્ષે સામાન્ય રંગથી ઘરના આંગણાને સુશોભિત કરવાનું સામાન્ય સામર્થ્ય તો બધા પાસે હોય. કૃષ્ણના જન્મની અષ્ટમીના દિવસે સામાન્ય ખાદ્યપદાર્થમાંથી બનાવાયેલ ‘પંચાજીરી’નું પણ મહત્વ છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજીને ચઢાવવા માટે કોઈ કિંમતી સામગ્રી જરૂરી નથી, માત્ર થોડું તેલ અને ચપટી સિંદૂરથી પણ હનુમાનજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરી શકાય. દરેક તહેવારની ઉજવણી એ રીતે નિર્ધારિત થઈ છે કે સમાજના કોઈપણ વર્ગને, સમાજની કોઈપણ વ્યક્તિને તે માન્ય બની શકે. સનાતનની સંસ્કૃતિની આ સમૃદ્ધિ પણ છે, શક્તિ પણ છે અને સર્વ-માન્યતા પણ છે.
તહેવારની ઉજવણી માટે પૈસા અગત્યના નથી, ભાવના જરૂરી છે. તહેવારની ઉજવણીમાં સંમિલિત થવા માટે સંસાધનો જરૂરી નથી, ઉત્સાહ જરૂરી છે. તહેવારો સાથે જોડાયેલી ધાર્મિકતામાં સામેલ થવા માટે પવિત્રતા, નિર્દોષતા, સમર્પણ, શ્રદ્ધા, સાત્વિકતા, શુદ્ધિ તેમજ સુયોગ્ય આચરણ જરૂરી છે. ઉત્સવ એ મનોરંજનનો વિષય નથી, આત્માના આનંદનું ક્ષેત્ર છે. મનોરંજન માટે કદાચ ધન જરૂરી બની રહે પરંતુ આત્માનો આનંદ તો ‘અંદર’થી ઊભરાતી ઘટના છે. આની માટે કોઈપણ પ્રકારની સામગ્રી કે સાધનોની જરૂર ન હોય. જ્યારે અંતરાત્મા આનંદિત થાય ત્યારે સ્વાભાવિક રીતે ઉત્સવની ઉજવણી પૂર્ણતામાં સંભવ બને.
જે સમાજે લક્ષ્મીની અપેક્ષાએ સરસ્વતીને વધુ પ્રાધાન્ય અપાયું હોય, જ્યાં ગીતામાં કપિલમુનિ અને શુક્રાચાર્યને વિભૂતિ તરીકે સ્થાપિત કરાયાં હોય, જ્યાં રાજા મહારાજાના વિજય કરતાં આદિ શંકરાચાર્યના દિગ્વિજયને ઇતિહાસની મહત્વની ઘટના તરીકે સ્થાપિત કરાઈ હોય, જ્યાં મહાન ઋષિઓએ જ્ઞાનની પૂર્ણતાને પામવા દરેક પ્રકારની સંપત્તિથી સંન્યાસ લઈ લીધો હોય, જ્યાં માલિકીના ભાવ સામે વૈરાગ્યને આદર્શ તરીકે સ્થાપિત કરાતો હોય, ત્યાં, તે સંસ્કૃતિમાં જે તે ઉત્સવની ઉજવણીમાં પૈસાનું સ્થાન ન હોય તે સ્વાભાવિક છે.
અહીં તો નિર્દોષ હર્ષ અને ઉલ્લાસની વાત છે. અહીં તો નિસ્વાર્થ સાથ અને સહકારની વાત છે. ‘હું અને મારું’નો ભાવ છોડી અહીં સમાવેશીય અને સાર્વત્રિક વ્યવસ્થાની વાત છે. અહીં વ્યક્તિગત ભેદભાવ ત્યજીને સમાનતા અને સુહૃદયતા સ્થાપવાની વાત છે. દરેક પ્રકારનો અહંકાર છોડીને અહીં પરસ્પર પ્રેમ અને સમજ સ્થાપવાની વાત છે. સનાતનની સંસ્કૃતિના ઉત્સવની ઉજવણીમાં, વાસ્તવમાં, આઠે પહોર આનંદની વાત છે. જો કે આજના સંદર્ભમાં આ બધી બાબતોમાં કેટલાંક દૂષણ પ્રવેશી ગયા છે.