SURAT

રોકડમાં કરોડોનો વેપાર ધરાવતા સુરતના મેમણ બિલ્ડરને ત્યાંથી ITને રોકડો એકેય રૂપિયો મળ્યો નહીં!

સુરત : સુરત શહેર અને જિલ્લામાં રાજસ્થાનનાં કોટામાં મોટું એક્સપોઝર ધરાવનાર બાંધકામ અને ટેક્સટાઈલ ઉધોગ સાથે સંકળાયેલા જનરલ ગ્રુપનાં 15 સ્થળ પૈકી 10 સ્થળ પર આજે આવકવેરા વિભાગે સર્ચ કાર્યવાહી પૂર્ણ કરી છે. જોકે હજી 5 સ્થળોએ તપાસ ચાલી રહી છે. સોમવારથી ચાલી રહેલી સર્ચ કાર્યવાહીમાં ઉમર જનરલ અને તેમની કંપનીઓ સાથે સંકળાયેલા લોકો કર્મચારીઓને ત્યાંથી કોથળા ભરી જમીન મિલકતના સોદાઓ, મૂડી રોકાણ, ટેકસટાઇલ પ્રોડક્ટનાં ખરીદ, વેચાણના ડોક્યુમેન્ટ, 21 લક્ઝુરિયસ કારને લગતાં ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યાં છે. બાકી 5 સ્થળોએ સર્ચ કાર્યવાહી પૂર્ણ થયાં પછી આ પેપર્સનું વેરિફિકેશન કરવામાં આવશે.

સુરતના મેમણ બિલ્ડરના બંગલામાં 22 રૂમ, પાર્કિંગમાં 21 લક્ઝુરીયસ કાર જોઈને જ આઈટીના અધિકારીઓ ચકરાવે ચઢી ગયા

  • સુરતના જનરલ ગ્રુપને ત્યાં આવકવેરાની સર્ચ કાર્યવાહી પૂર્ણ : મોટાં પાયે કાળું નાણું મળવાની શક્યતા
  • જનરલ ગ્રુપનાં 15 પૈકી 10 સ્થળે સર્ચ કાર્યવાહી પૂર્ણ, 5 સ્થળે કાર્યવાહી પછી પેપર્સનું વેરિફિકેશન કરાશે
  • મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલની કંપનીઓ, પ્રોજેક્ટ સ્થળોએથી કોથળા ભરી ડોક્યુમેન્ટ મળ્યાં
  • કોટામાં આવેલી ટેક્સટાઈલ કંપની અને સચિન જીઆઇડીસીમાં આવેલાં યુનિટનાં ડોક્યુમેન્ટ પણ મળી આવ્યાં

આવકવેરા વિભાગને મળેલી બાતમીથી વિપરીત સર્ચ દરમિયાન અત્યાર સુધી કોઈ મોટી રોકડ રકમ કે હીરા, ઝવેરાત મળી આવ્યાં નથી. પણ જમીન મિલકત અને ફેબ્રિક્સના સોદાઓ અને રોકાણો જોતાં મોટાં પાયે કાળું નાણું મળી આવવાની શક્યતા સુરત આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગનાં સૂત્રોએ વ્યક્ત કરી છે. બાંધકામ અને ટેક્સટાઈલ સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગકાર ઉમર જનરલ અને તેમના પુત્રોના હીત ધરાવતા પ્રોજેક્ટમાં સર્ચ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કરોડોની કિંમતના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યાં છે. આ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન લાબું ચાલશે. આ ડોક્યુમેન્ટમાં પ્રાથમિક માહિતી એવી મળી છે કે, મોટી રકમના ટ્રાન્જેક્શન જનરલ ગ્રુપે રોકડમાં કર્યા છે. આ વ્યવહારો કોની સાથે કર્યા છે. એની તપાસ ચાલી રહી છે. ઇન્વેસ્ટિગેશન વિંગનાં અધિકારીઓને શંકા છે કે, રોકડમાં થયેલાં વ્યવહારો જોતાં હવાલા એન્ગલની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગ્રુપની કંપનીઓ સાથે સંકળાયેલા સ્ટાફના કેટલાંક કર્મચારીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી છે.

તપાસ સાથે સંકળાયેલાં અધિકારીઓએ કહ્યુ હતું કે 300 કરોડના ગ્રુપના ટર્નઓવરમાં મોટાભાગે ટેક્સટાઇલને લગતાં ટ્રાન્જેક્શન દર્શાવાયા છે. જેમાં ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણ અને એક્સપોર્ટને લગતાં ટ્રાન્જેક્શન પણ છે. કેટલીક જાણીતી બ્રાન્ડના કપડાં પણ મેન્યુફેકચરિંગ થયાં હોવાનું દર્શાવવામાં આવ્યું છે. અધિકારીઓ એક્સપોર્ટ કરવામાં આવેલા માલનાં ટ્રાન્જેક્શન ડેટા પણ ચકાસી રહ્યાં છે. કેટલાંક ડોક્યુમેન્ટમાં ખરીદ અને વેચાણ રોકડમાં નોંધવામાં આવ્યું છે. ગ્રુપના વડા ઉમર જનરલનાં રાંદેર-ગોરાટ રોડનાં પ્રોજેક્ટ, બંગલો, રીંગરોડની ઓફીસ, ચોકબજાર, પીપોદરા અને માંડવીના ટેક્સટાઈલ એકમો સહિત 15 સ્થળો પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

રાજસ્થાનનાં કોટામાં આવેલી ફેક્ટરી અને સચિન જીઆઇડીસીમાં આવેલાં યુનિટનાં ડોક્યુમેન્ટ પણ આજે ચોથા દિવસે સર્ચ કાર્યવાહી દરમિયાન મળી આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આઇટીની જુદી જુદી ટીમોએ ચોકબજાર માચીસવાલા માર્કેટની ગલીમાં આવેલી દુકાનો-ગોડાઉનો, રીંગરોડની ઓફીસ, પીપોદરા અને માંડવીમાં આવેલાં ટેક્સટાઈલ યુનિટમાં દરોડા પાડી મોટાપાયે દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જનરલ ગ્રુપ ગોરાટ રોડ પરનાં પ્રોજેક્ટમાં બાંધકામ, ફાયનાન્સ સાથે સંકળાયેલું છે. જ્યારે ટેક્સટાઈલમાં મેન્યુફેક્ચરિંગ, હોલસેલ, યુએઈ સહિતનાં અન્ય દેશમાં એક્સપોર્ટનો વેપાર ધરાવે છે.

Most Popular

To Top