ગુજરાત પંચાયત સર્વીસ સીલેક્શન બોર્ડે ગુજરાત સરકારની પંચાયત ખાતાની જુનિયર ક્લાર્કની કુલ ૧૧૮૧ જગ્યા માટે ભરતી કરવાની જાહેરાતના આઘારે લગભગ સાડા નવ લાખ જેટલા યુવાન છોકરા–છોકરીઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન તૈયારી કરીને તારીખ ૩૧ જાન્યઆરી ૨૦૨૩ને દિને જેતે પરીક્ષા સેન્ટરો પર હાજર થયેલ એ સમયે પરીક્ષાને દિવસે જ પરીક્ષાર્થીઓ સહિત સૌને જીપીએસએસબી તરફથી સમાચાર મળ્યા કે પરીક્ષાનું પેપર ફુટી જવાથી પરીક્ષા રદ કરવામાં આવી છે. આ સમાચાર સાંભળીને રાત–દિવસની મહેનત કરીને નોકરી મેળવવાની અપેક્ષા સાથે દૂર–દૂરથી અલગ અલગ પરીક્ષા સેન્ટરો પર પહોંચેલ પરીક્ષાર્થીઓને આઘાત લાગે એ અત્યંત સ્વાભાવિક છે.
અલબત્ આપણા રાજ્યમાં આવુ ઘણી વખત બની ચૂક્યુ છે અને આને માટે થોડો સમય હોહા થયા પછી અને થોડી વ્યક્તિઓની ઘરપકડ થયા પછી પરિસ્થિતિ યથાવત્ બની રહી પેપર ફુટવાની પ્રક્રિયા જારી રહેતી હોય એવુ લાગે છે. પરંતુ અનેક નોકરી વાંચ્છુકો પર એની જે અસર થાય છે એ અંગે સીલેક્શન બોર્ડ કે લાગતા વળગતા અઘિકારીઓ કે સરકાર જાગ્રૃત હોય એવુ જણાતુ નથી. હમણાં થોડા મહિના પહેલા જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પુરી થયેલ ચૂંટણીમાં દિલ્હીની આમ આદમી પાર્ટીએ દિલ્હીની સ્કુલોનો દાખલો આપી ગુજરાતમાં પેપર ફુટવાના કિસ્સાઓને પણ ચુંટણીનો એક મહત્વનો મુદ્દો બનાવેલ એ મુદ્દાની શહેરના યુવાનો કે અન્ય લોકો પર કોઇ અસર નહોતી થઇ એનો એવો અર્થ ન ઘટાવી શકાય કે શિક્ષણ કે નોકરી એ આપણા શહેર કે રાજ્યના લોકો અને નોકરી વાંચ્છુકો માટે પણ મહત્વનો મુદ્દો કદી રહ્યો નથી.
પરંતુ જ્યારે નોકરીની તકો ઓછી હોય અને બેરોજગારોની સંખ્યા વઘતી જતી હોય ત્યારે જે યુવક અને યુવતીઓ માટે નોકરી એમનુ અને એમના કુટુંબીજનોનુ જીવન ગુજરાન ચલાવવા માટે અત્યંત આવશ્યક છે એમની દશાની કલ્પના પેપર ફોડવામાં એકબીજા સાથે સંકડાયેલ વ્યક્તિઓ કે અન્ય લાગતા વળગતાઓને સહેજ પણ થતી હોય એવુ જણાતુ નથી નહીંતર વારંવાર બનતી આવી ઘટનાઓ પર રોક ન લાગી શકે? આશા રાખીએ કે પેપર ફુટી જવાની આ ઘટના આપણા વાઇબ્રન્ટ ગુજરાત રાજ્યમાં બનતી છેલ્લી ઘટના બની રહે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પાકિસ્તાન તેના કુકર્મોથી દુ:ખી થાય છે
પાકિસ્તાનના પેશાવરના અતિ સુરક્ષિત વિસ્તારમાં આવેલી મસ્જિદમાં નમાઝ દરમ્યાન તેહરિક-એ-તાલિબાન નામની આતંકવાદી સંસ્થાના હુમલામાં ૬૧ વ્યકિતઓના મૃત્યુ થયા છે અને ૧૫૦ કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાનમાં છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન મસ્જિદો પર હુમલાની અસંખ્ય ઘટનાઓમાં હજારો લોકો માર્યા ગયા છે. પાકિસ્તાને ઝેર પાઇને ઉછારેલા આ આતંકવાદીઓ હવે તેના જ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી હુમલાઓ કરેછે. પાકિસ્તાન (અને સાથે ચીન પણ) મસૂદ અઝહરથી માંડીને હાફીઝ સઇદ સહિતના અનેક આતંકવાદીઓને છાવરે છે. આ આતંકવાદી પાછળ પાકિસ્તાનની સરકાર અઢળક નાણા ખરચે છે. જયારે બીજી બાજુ ત્યાં ભૂખમરો ચાલી રહ્યો છે. (૧ લી. પેટ્રોલના ૨૫૦ રૂા. અને ૧ લી. કેરોસીનના ૧૯૦ રૂા.) ત્યાં ભયંકર ભ્રષ્ટાચાર અને કુશાસનના કારણે રાજકીય અસ્થિરતા હોવાથી પાકિસ્તાન દેવાળિયુ થઇ ગયું છે. અલ્લાતાલા પાકિસ્તાનને તેના જ કુકર્મોની સજા આપી રહ્યા છે. ભારતમાં આતંકવાદ ફેલાવવા રાત-દિવસ એક કરનાર પાકિસ્તાન ખુદ આતંકવાદની આગમાં હવે સળગી રહ્યું છે. જેટલા પૈસા આતંકવાદીઓને ઉભા કરવામાં અને પોષવામાં પાકિસ્તાન સરકાર ખર્ચે છે એને બદલે એ પૈસા પ્રજાના ઉત્કર્ષ માટે ખર્ચે તો ત્યાંની પ્રજાનું કલ્યાણ થશે. પણ કોણ સમજાવે આ સીધી-સાદી વાત પાકિસ્તાનને!
સુરત – ડો. કિરીટ એન. ડુમસિયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.