વનવાસ દરમિયાન માતા સીતાને પાણીની તરસ લાગે છે ત્યારે ભગવાન રામ કુદરતને કહે છે કે, આસપાસ કયાંય પાણી હોય તો ત્યાં સુધી જવાનો રસ્તો સુઝાડો. ત્યારે એક મોર રામ પાસે આવે છે અને કહે છે કે અહીંથી થોડેક દૂર એક જળાશય છે. હું તમને ત્યાં સુધી લઇ જાઉં, પણ ભુલા પડી જવાનો સંભવ રહે ખરો. રામજી કહે છે કેમ? ત્યારે મોર કહે છે કે હું ઊડીને જાઉં છું ને તમે મારી પાછળ ચાલતા આવો.
હું ઊડતાં ઊડતાં મારું એક એક પીછું વેરતો જઇશ તેમ એ પીંછાના સથવારે તમે જળાશય સુધી પહોંચી જશો. એ વાત આપણે સહુ જાણતા હોઈશું કે મોર તેનાં પીંછાં ખેરવવાની પણ એક ઋતુ હોય છે. મોર જો તેને ઋતુ સિવાય પીંછાં ખેરવે તો તેનું મૃત્યુ થાય છે. મોર તેના અંતિમ શ્વાસ લેતાં લેતાં રામજીને એટલું જ કહે છે કે ‘જે આખા જગતની તરસ છીપાવે છે તેની તરસ છીપાવવાનું સૌભાગ્ય મને આજે મળ્યું એનાથી વિશેષ તો મારે શું જોઇએ?
ત્યારે ભગવાન શ્રી રામ મોરને કહે છે, ‘તેં જે પીંછાં વેરેલાં તે પીંછાંનું ઋણ હું આવતા જન્મમાં ચૂકવીને મારા માથા ઉપર ચડાવીશ’. ત્યાર પછી બીજા જન્મમાં ભગવાને કૃષ્ણ અવતારમાં મોરપીંછ માથા ઉપર ધારણ કરી મોરનું ઋણ ઉતાર્યું છે! જો ખુદ ભગવાનને ઋણ ઉતારવા માટે બીજો જન્મ લેવો પડતો હોય તો આપણે તો કેટલા જન્મ સુધી કોઇના ઋણી હશું? ને કયારે કોના કોના ઋણ પૂરાં કરીશું? તેની તો ખબર જ નથી!
અમરોલી – પાયલ વી. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.