ગાંધીનગર: અરબી સમુદ્રમાં (ArebianSea) સર્જાયેલ ચક્રવાતી તોફાન બિપરજોય (Biparjoy) ઝડપથી ભારતના (India) દરિયા કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રને અડીને આવેલા તમામ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળમાં તેની અસર દેખાવાનું શરૂ થઈ ગયું છે. પહેલા કેરળ, કર્ણાટક અને ગોવા બાદ મહારાષ્ટ્રના મુંબઈ સહિત અનેક શહેરોમાં વરસાદ અને તેજ ગતિના તોફાની પવનો ફૂંકાવા લાગ્યા છે. આ વાવાઝોડાની ભયાનકતાનો એના પરથી અંદાજ લગાવી શકાય કે ગુજરાતના દરિયા તટ પર આ વાવાઝોડું 150ની સ્પીડે ત્રાટકે તેવો અંદાજ છે.
બિપરજોય હવે અતિ ભયાનક બની રહ્યું છે. તે પોરબંદરથી 200 કિલોમીટર અને દ્વારકાથી 290 તેમજ જખૌ પોર્ટથી 340 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તે 15 જૂને ત્રાટકે તેવી શક્યતા છે, પરંતુ ગુજરાતના તટીય વિસ્તારોમાં અત્યારથી જ વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. સુરતમાં ઝડપી પવનો ફૂંકાઈ રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાવા સાથે દરિયાના મોજા ઊંચા ઉછળી રહ્યાં છે. ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે દીવાલ ધરાશાયી થઈ તેમાં બે બાળકોના મોત નિપજ્યા છે.
બિપરજોય વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં આજે મંગળવારે સવારથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી તે અનુસાર આજે સવારથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડકા સાથે વરસાદ શરૂ થયો હતો. જામનગરમાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજયના 51 તાલુકામાં અડધાથી સવા ત્રણ ઈંચ સુધી વરસાદ ઝીંકાયો છે.
ખંભાળિયામાં સવા ત્રણ, મેંદરડામાં અઢી, ઉપલેટ અને જુનાગઢમાં બે-બે ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદનાલીધે ઠેરઠેર પાણી ભરાયા છે. અમરેલી અને જામનગરમાં બપોર બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે.
દરમિયાન આજે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે જોતાં હજુ વધુ વરસાદ પડે તેવી શક્યતા છે. વેરાવળ અને સુત્રાપાડામાં તો ગત 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 8 ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. વાવાઝોડાની સૌથી અસર કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. અહીં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. કચ્છ, ભુજ, અંજાર, ભચાઉ, માંડવી, રાપરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. મુંદ્રા, ગાંધીધામ અને નલિયામાં પણ વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. જામનગર અને મુંબઈમાં હાઈ ટાઈડ જોવા મળી રહી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને આ રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ છે. તે જ સમયે, તેની અસર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદના સ્વરૂપમાં પણ જોવા મળી શકે છે.
ચક્રવાતી તોફાન બિપરજોય જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ પવનની ગતિ વધશે. જેના કારણે વૃક્ષો ધરાશાયી થવાની અને વીજળી અને ફોન લાઈનોને નુકસાન થવાની સંભાવના છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવામાં આવી રહ્યા છે.
હવામાનની આગાહી કરતી એજન્સી, સ્કાયમેટના જણાવ્યા અનુસાર, મહુવા, પોરબંદર, ઓખા, દીવ, સોમનાથ, જામનગર, દ્વારકા વગેરેના દરિયાકાંઠાના વિસ્તારો અને ભુજ, માંડવી, નલિયા વગેરેમાં ભારે વરસાદ અને ઝાપટાં થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગુજરાત અને રાજસ્થાનમાં સામાન્ય રીતે જૂનના પહેલા પખવાડિયા દરમિયાન ગરમી અને ધૂળની ડમરીઓ જોવા મળે છે. રાજ્યોમાં બહુ ઓછો વરસાદ છે, તેથી આ વરસાદને કમોસમી વરસાદ કહેવામાં આવશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપરજોય 13 જૂન, 2023 ના રોજ સવારે 2:30 વાગ્યે પોરબંદરથી લગભગ 290 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને જખૌ બંદરથી 360 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં ઉત્તરપૂર્વ અને નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર કેન્દ્રિત છે. જે હવે આગળ વધી છે. IMD અનુસાર 15 જૂને બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થઈ શકે છે.