Madhya Gujarat

આણંદમાં ગેરકાયદે બાંધકામોની આકારણી કરાશે

આણંદ : આણંદ નગરપાલિકાની મંગળવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં મસમોટું કૌભાંડ આચરવાનો કારસો ઘડાયો છે. અવકૂડાની મંજુરી વગર થયેલા બાંધકામો તોડી પાડવાની વાત હોય ત્યાં આ બાંધકામની આકારણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે આશ્ચર્યજનક બાબત છે. આણંદ નગરપાલિકામાં મંગળવારના રોજ પ્રમુખ રૂપલબહેન વી. પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઇ હતી. આ સામાન્ય સભામાં ત્રિ-માસીક હિસાબો મંજુર કરવામાં આવ્યાં હતાં. જેમાં 14.73 કરોડનો ખર્ચ કરાયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

મહત્વનો ઠરાવ બે નંબર પર હતો. આ ઠરાવમાં પાલિકાએ ગેરકાયદે બાંધકામોમાં આકારણી લેવાનો નિર્ણય કર્યો હતો. આ ઠરાવ મુજબ, આણંદ નગરપાલિકા હદ વિસ્તાર તથા બાકરોલ ઝોન વિસ્તારમાં અવકુડાની પરવાનગી ન લેવાને કારણે નવી બનેલી સોસાયટીઓની મિલકતોની તથા નવા બનેલા મકાનો તેમજ જુની મિલકતોના બાંધકામ વધારો કરવામાં આવે છે. આવી મિલકતોની આકારણી ન થવાને કારણે વેરો આકારી વસુલ થઇ શકતો નથી.

જેના કારણે નગરપાલિકાને આર્થીક નુકશાન થતું હોવાથી સરકારના ઠરાવ મુજબ દર ચાર વર્ષે એરિયા બેઇઝ આધારીત ચતુવર્ષીય આકારણી કરવાની થાય તેમ હોઇ મિલકતની આકારણી માટે એજન્સી રોકી કામગીરી કરાવવા જરૂરી નિર્ણય લેવામાં આવશે. આ અંગે ચીફ ઓફિસર એસ.કે. ગરવાલે જણાવ્યું હતું કે, ગેરકાયદે બાંધકામોમાં આકારણી વસુલવાથી તે કાયદેસર થતી નથી. તેને કોઇ જાતનું રક્ષણ મળતું નથી. આ બાંધકામ જ્યાં સુધી ઉભુ છે, ત્યાં સુધી આકારણી વસુલી શકાય છે. જે પાલિકાની રૂટીન કામગીરી છે.

ઓવરબ્રિજ પાસેની સોસાયટીમાં ગંદા પાણીનો પ્રશ્ન હલ કરવા પાઇપ બદલાશે
આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે આવેલી બિસ્મિલ્લાહ સોસાયટી, હજરતઅલી પાર્ક, ગોસીયા મસ્જીદ પાસે પાણીની મેઇન પાઇપ જર્જરીત હાલતમાં હોવાથી પીવાના પાણી સાથે દુષિત પાણી ભળી જતું હોવાથી દુર્ગંધવાળું પાણી લોકોના ઘરોમાં આવી રહ્યું છે. જેની ફરિયાદો કરાતાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પાઇપ લાઇનમાં ભંગાણ મળી આવતાં રીપેરીંગ માટે કવાયત હાથ ધરાશે.

આણંદ પાલિકામાં 385 કર્મચારીની ભરતી કરાશે
આણંદ નગરપાલિકાના જુદા જુદા વિભાગોમાં ટેકનીકલ, કલેરીકલ, આરોગ્યલક્ષી જગ્યાઓ ખાલી પડી છે. જેમાં છેલ્લા 20 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. આ જગ્યા ભરવા 2020માં 641નું મહેકમ મંજુર થયું હતું. જોકે, 20 ટકા કાપ બાદની 128 જગ્યા બાદ જતાં 513 જગ્યા ભરવાપાત્ર રહે છે. તે પૈકી 128 ભરાયેલી હોવાથી 385 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત સફાઇ કામદારોની 50 ટકા મુજબની 37 જગ્યા ભરવા અંગેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રેકર્ડ સાચવણીમાં પાલિકાએ નાદારી નોંધાવી, અનેક વરસોના રેકર્ડ નાશ કરાશે
આણંદ નગરપાલિકામાં રેકર્ડનો ભરાવો થતા તેનો નાશ કરવાનો નિર્ણય લીધો છે. ઠરાવ મુજબ રેકર્ડ રૂમમાં જુના રેકર્ડનો ભરાવો થવાથી વિવિધ ખાતાના રિપોર્ટ મુજબ લીસ્ટ મુજબનો રેકર્ડ નિયમોનુસાર વર્ગીકરણ કર્યા મુજબનો રેકર્ડ પેપરમીલમાં પ્રોસેસ કરી નાશ કરવામાં આવશે.

આણંદ શહેરની ભુગર્ભ ગટરનું સંચાલન અને નિભાવણી પાલિકાને સોંપવામાં આવશે
આણંદ શહેરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભુગર્ભ ગટર યોજનાના કામો હાથ ધરવામાં આવ્યાં હતાં. આ ગટર યોજના સુવ્યવસ્થિત સંચાલન અને નિભાવણી રૂ.71.44 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. યોગ્ય નિભાવ અને જાળવણી થાય તે હેતુસર અમલવારી સંસ્થાઓ દ્વારા નગરપાલિકાઓને સુપ્રત કરેલ ભુગર્ભ ગટર યોજનાના ઘટકો સ્યુઅર કલેકટીંગ નેટવર્ક, પમ્પીંગ સ્ટેશન અને એસટીપીનું સંચાલન કરવામાં આવશે.

આણંદમાં સ્વીમીંગ પુલનું કામ પૂર્ણ કરવામાં કોન્ટ્રાક્ટરે હાથ અધ્ધર કરી દીધાં ઃ પાલિકાએ છુટો કરી દીધો
આણંદની ટીપી 10માં સ્વીમીંગ પુલ બનાવવાની કામગીરી મંજુર કરી હતી. જે કામ ઓલવેલ પ્રોજેક્ટસ, મોરબીના ભાવો મંજુર થયાં હતાં. જેમને 8મી ડિસેમ્બર,2020થી વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. જે અન્વયે એજન્સી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામના 12 માસ સમયમર્યાદા પૂર્ણ થયાં છે, જે સમય મર્યાદામાં એજન્સી દ્વારા ખૂબ જ ધીમી ગતિથી કામગીરી કરવામાં આવી છે. આ અંગે એજન્સીને નોટીસ આપવા છતાં હાજર રહી નહતી. આ ઉપરાંત વારંવાર ભાવ વધારો માંગવામાં આવ્યો હતો. જે ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. જેથી એજન્સી દ્વારા કામમાં છુટા કરવા માંગણી કરી હતી.

ચોમાસામાં ખાડા પુરવા માટે 82.31 લાખનો ખર્ચ કરવામાં આવશે
આણંદ નગરપાલિકા વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રસ્તાં પહેલા વરસાદમાં જ ધોવાઇ જાય છે. આ રસ્તાના મરામતનું કામ જે તે કોન્ટ્રાક્ટર પાસે કરાવવાને બદલે પાલિકા પોતે પ્રજાના પરસેવાની કમાણી વેડફે છે. આ વરસે પણ પાલિકા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન ખાડા પુરવા માટે હોટમીક્સ માલ લાવીને રૂ.82.31 લાખ મંજુર કરવામાં આવ્યાં છે.

આણંદ નગરપાલિકાના શાસકોનાં વાંકે ચીફ ઓફિસર ધક્કે ચડ્યાં
આણંદ નગરપાલિકાની મંગળવારના રોજ મળેલી સામાન્ય સભામાં દર વખતની જેમ મિનિટોમાં પૂર્ણ કરવામાં આવી હતી. પરંતુ આ વખતે વિપક્ષે છાને ખુણે રોષ ઠાલવવાને બદલે ચીફ ઓફિસરને જ ઘેરો ઘાલ્યો હતો અને રીતસર ધક્કે ચડાવ્યાં હતાં. જેના કારણે સ્થિતિ તંગ બની ગઈ હતી. જોકે, શાસકના નગરસેવકોએ દરમિયાનગીરી કરી વિપક્ષના ટોળા વચ્ચેથી ચીફ ઓફિસરને બહાર કાઢ્યાં હતાં. આણંદ નગરપાલિકાની સામાન્ય સભા શરૂ થવા સાથે વિપક્ષો પોતાની રજુઆત કરવા ઉભા થયાં હતાં. પરંતુ શાસકોએ ફરી એક વખત મંજુર મંજુરના નારા સાથે સભા આટોપી લીધી હતી. જેના કારણે વિપક્ષ સભ્યો ભારે રોષે ભરાયાં હતાં અને સીધા સ્ટેજ પર ચડી ગયાં અને ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યાં હતાં.

વિપક્ષ સભ્યોએ પોતાના પ્રશ્નો સાંભળવા ચીફ ઓફિસર પર દબાણ કર્યું હતું અને તેમને ત્યાં જ બેસવા ફરજ પાડવા કોશીષ કરી હતી. જોકે, ચીફ ઓફિસરે સભા પુર્ણ થઇ હોવાથી તેમનો કોઇ રોલ રહેતો નથી. તેમ જણાવતા વિપક્ષ સભ્યો વધુ ઉશ્કેરાયાં હતાં. ચીફ ઓફિસરને ધક્કે ચડાવવા કોશીષ કરી હતી. આખરે શાસકના નગરસેવકોએ દરમિયાનગીરી કરી ચીફ ઓફિસર એસ.કે. ગરવાલને ટોળામાંથી બહાર કાઢ્યાં હતાં. રાબેતા મુજબ આ સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નોને લઇ કોઇ જ ચર્ચા કરવામાં આવી નહતી. આ ઉપરાંત મહત્વના કામો ક્યા છે ? તે અંગે પણ ચર્ચાનો છેદ ઉડ્યો હતો. જોકે, આ બાબતે વિપક્ષો સામે પગલાં ભરવા કે કેમ ? તે અંગે વકિલની સલાહ મુજબ પગલાં ભરવામાં આવશે.

Most Popular

To Top