આણંદ : તારાપુર ખાતે પિયરમાં રહેતી પરિણીતાને વસો ખાતે રહેતા તેના સાસરિયાએ તમામ દાગીના વેચી મકાન ખરીદ્યા બાદ પણ વધુ રકમ પિયરમાંથી લાવવા ત્રાસ આપ્યો હતો. જેમાં પતિએ મારઝુડ કરી ઘરમાંથી કાઢી મુકી હતી. તારાપુરના નવા ટાવર પાસે રહેતા તસ્લીમબહેનના લગ્ન 2013માં વસોના મોટી વ્હોરવાડ ખાતે રહેતા મોહસીન નુરમહંમદ વ્હોરા સાથે થયાં હતાં. આ લગ્ન સમયે કરિયાવરમાં સોના – ચાંદીના દાગીના પણ આપ્યાં હતાં. આ લગ્ન જીવન દરમિયાન દિકરીનો જન્મ પણ થયો હતો. ગેરેજનું કામ કરતાં મોહસીન વ્હોરા સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં.
જોકે, ઘર નાનુ પડતાં એકાદ વર્ષ પહેલા દાગીના ગીરવે મુકી આણંદમાં નવુ ઘર લીધું હતું. આ સમયે તસ્લીમબહેને તેમના પિયરમાંથી રૂ. બે લાખ લાવીને આપ્યા પણ હતાં. આમ છતાં છેલ્લા કેટલાક સમયથી મોહસીન સહિત સાસરિયા પિયરમાંથી વધુ નાણા લાવવા દબાણ કરી ત્રાસ આપતાં હતાં. તેમાંય 12મી ઓક્ટોબર,2021 ના રોજ પિતાની તબિયત જોવા જવા માટે તસ્લીમબહેને કહેતા તેનો પતિ મોહસીન ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો કરી મારમાર્યો હતો. આ ઉપરાંત તારે ઘરની બહાર પગ મુકવાનો નથી. તેમ કહી મારમાર્યો હતો. આ ઝઘડો વધુ ઉગ્ર બનતાં મોહસીને ઉશ્કેરાઇ તસ્લીમબહેનને ઘરમાંથી કાઢી મુક્યાં હતાં. આ અંગે તસ્લીમબહેને તારાપુર પોલીસ મથકે મોહસીન વ્હોરા, નુરમહંમદ વ્હોરા, જરીનાબહેન, જાવેદ વ્હોરા, જાસ્મીબહેન, સીમાબહેન સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.