આણંદ : સંતરામપુરના હુસેની ચોકમાં રહેતા શખસે તેની પત્નીને મોબાઇલ પર જ ત્રણ વખત તલ્લાકના મેસેજ મોકલી સંબંધ તોડી નાંખ્યો હતો. આ અંગે સાસરિયા સામે ગુનો નોંધાયો હતો. લુણાવાડાના મોટા ડબગરવાસમાં રહેતા યુનુસભાઈ શેખની પુત્રી મુનીરા ઉર્ફે સીમાના લગ્ન સંતરામપુરના હુસેની ચોકમાં રહેતાં આરીફ કૈયુમભાઈ ટેણી સાથે આઠેક વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યાં હતાં. તેઓ સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. શરૂઆતમાં ત્રણેક વર્ષ સારી રીતે રાખ્યા બાદ છેલ્લા પાંચેક વર્ષથી સાસરિમાં ત્રાસ શરૂ થયો હતો. પતિ સહિત સાસરિયા નાની વાતમાં ભુલો કાઢીને મારઝુડ કરતાં હતાં.
આ ઉપરાંત બાળકો લઇ લેતા હતા અને ઘરની બહાર કાઢી મુકતાં હતાં. 24મી ઓગષ્ટના રોજ મધરાતે બે વાગે પતિ આરીફે ઝઘડો કરી ઢોર મારમારતાં મુનીરાબહેન પોતાનો જીવ બચાવવા ઘરની બહાર નીકળી ગયાં હતાં. આ સમયે સાસરિયાએ તેનો હાથ પકડી ઘરમાં ખેંચી વધુ મારમાર્યો હતો. તે સમયે આરીફે જણાવ્યું હતું કે, મેં અગાઉની પત્નીને મારીને કેનાલમાં ફેંકી દીધી હતી. તેવી રીતે તને પણ હું મારીને ફેંકી દઇશ. તેમ કહી મારી નાખવાની ધમકી આપતો હતો.
આખતે મુનીરાબહેન પિતાને ઘરે આવી ગયાં હતાં. બાદમાં આરીફ ટેણીએ સોશ્યલ મિડિયા પર મેસેજ દ્વારા તલ્લાક, તલ્લાક, તલ્લાક લખીને મોકલી આપ્યાં હતાં. આમ મારી મંજુરી વગર તલ્લાક આપી દીધા હતા. આ ઉપરાંત મુનીરાબહેનને તેડવા ના પાડી હતી અને બાળકો પણ પોતાની સાથે રાખ્યાં હતાં. આ અંગે મહિલા પોલીસે પતિ આરીફ કૈયુમ ટેણી, નણંદ શમીમ કૈયુમ ટેણી, સમીર ઉર્ફે રમીઝ મકસુદ ચાંદા, મેહવીશ કૈયુમ ટેણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.