Charchapatra

“માનવીનું શરીર જ સાથી’’

પૃથ્વી પર સ્ત્રી યા પુરુષ રૂપે અવતાર પામ્યા પછી તેમને સાચવણી કરવાની જવાબદારી માતા, પિતાની બને છે. યુવાન થતાંની સાથે અભ્યાસ, નોકરી, ધંધામાં પ્રવેશ યા પછી એક યા બીજા પ્રકારે અન્યની સાથે, વ્યસનના રવાડે ચઢી જાય અને યૌવન ધનને ખોઈ નાખે છે.અપવાદ હોઇ શકે. દરેક પુખ્ત વયની વ્યક્તિએ સમજી લેવાની જરૂર છે કે શરીર પોતાનું છે, બિનજરૂરી શરીરને પ્રતિકૂળ ખોરાક આરોગતાં ન રહેવું એ ફાયદાકારક જ છે. કુદરતી શરીર રોગગ્રસ્ત થાય તેની સામે વાંધો ન હોઇ શકે, પરંતુ સામે ચાલીને રોગને આમંત્રણ આપવું એ આખરે તમામ આર્થિક, શારીરિક, સામાજિક રીતે નુકસાનકારક છે. જે માનવીને દર્દ થાય એને જ “દર્દી “કહેવાય છે.

આખરે તો સહન દર્દીએ જ કરવું પડે. પતિ/પત્ની સારવારમાં મદદ કરે, આર્થિક સહાય પણ જે પીડા ભોગવવાની છે તે તો બીજા કોઈ ભોગવવાના નથી. દરેક માનવી માટે પોતાનો શ્રેષ્ઠ સાથી પોતાનું શરીર જ છે. શરીરને શું સમજી બેઠા છો? શરીરને સાચવશો તો બધું સચવાઈ જશે, પણ શરીર જ જો સક્ષમ ન હશે તો પોતાને અને અન્યને પણ ભારરૂપ જ લાગશો. કુદરતે શરીરને અનુકૂળ ખોરાક, પાણી, રહેઠાણની સુંદર રચના કરી છે તો પછી શરીરમાં તેને અનુકૂળ આવે તેવો જ આહાર આરોગો ને. પોતાની કાળજી પોતે જ રાખવી.

કેટલાયે કિસ્સામાં વ્યસનના કારણે યુવાન વયે અવસાન પામનારના ઘરે આશ્વાસન આપવા જઈએ ત્યારે એક જ વાત “એ તો એમના નસીબમાં જીવવાનું આટલું જ લખાયેલું એમાં સંતોષ માની લેવો પડે “ હકીકતમાં કાંઈ લખાયેલું હોતું નથી. જીવનમાં આવ્યા પછી આપણે જ બધું લખીએ છીએ.જીવનને કઈ દિશામાં લઇ જવું છે તે જાતે જ નક્કી કરવાનું હોય છે. જે કંઈ લખવાનું, ભૂંસવાનું છે તે માનવીએ પૃથ્વી પર રહીને પોતે જ કરવાનું છે. છેલ્લે દરેક માનવીની શ્રેઠ સંપત્તિ પોતાનું શરીર છે. તેને સાચવો. બાકીની ભૌતિક સંપત્તિના માલિક તો બીજા જ બનશે.
સુરત  – ચંદ્રકાન્ત રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top