Comments

અમેરિકા-પાકિસ્તાનના સંબંધોનો ઇતિહાસ ઉતાર-ચઢાવથી ભરેલો છે

તાજેતરમાં અમેરિકાની પાકિસ્તાન સાથેની એફ-૧૬ સમજૂતીને લઈને ભારતીય વિદેશમંત્રીએ અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો પર સવાલો ઉઠાવ્યા છે. અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો વિશે વાત કરીએ એ તો એનો ઇતિહાસ ઉતાર-ચઢાવથી ભરેલો છે. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ કરાંચી ખાતે યુએસ એમ્બેસીની સ્થાપના સાથે જ અમેરિકાએ સ્વતંત્ર પાકિસ્તાનને તેના રાષ્ટ્રત્વના પ્રથમ દિવસે જ માન્યતા આપી. ૧૯૫૪માં, પાકિસ્તાને યુએસ, યુકે, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઈન્સ અને થાઈલેન્ડ સાથે મળીને દક્ષિણપૂર્વ એશિયા સંધિ સંગઠન (SEATO)ની રચના કરી. યુકે, તુર્કી, ઈરાન અને ઈરાકની સાથે પાકિસ્તાને ૧૯૫૫માં બગદાદ સંધિમાં યુએસ સાથે ભાગીદારી કરી હતી, જે ૧૯૫૯માં સેન્ટ્રલ ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (CENTO)માં ફેરવાઈ હતી.

૧૯૫૪ના પરસ્પર સંરક્ષણ કરારથી શરૂ કરીને ઈસ્લામાબાદ સાથેના વોશિંગ્ટનના સંરક્ષણ અને સુરક્ષા સંબંધોનો ઇતિહાસ લાંબો અને તોફાની રહ્યો છે. શીત યુદ્ધથી લઈને વર્તમાન સમય સુધીની ભૂરાજનીતિના પરિપ્રેક્ષ્યમાં દક્ષિણ એશિયા તરફની અમેરિકાની વ્યૂહરચનામાં પાકિસ્તાનની ભૂમિકા, ખાસ કરીને ભારત-યુએસ સંબંધ પર તેની અસરને લઈને બદલાતી રહી છે. છેલ્લા બે દાયકાઓમાં, ભારત અને પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને અમેરિકાએ અલગ-અલગ માર્ગો અપનાવ્યા છે. જો કે, આ જટિલ ત્રિકોણીય સંબંધો દક્ષિણ એશિયામાં વોશિંગ્ટનની ભૂમિકાને વારંવાર મૂંઝવણમાં મૂકતું રહ્યું છે.

૧૯૬૨ના ચીન-ભારત યુદ્ધ પછી ભારતને આપવામાં આવેલી સૈન્ય મદદ તેમજ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે અમેરિકાની તટસ્થ ભૂમિકાથી પાકિસ્તાન નિરાશ થયું હતું. ભૂતપૂર્વ સોવિયેત સંઘે ૧૯૭૯માં અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું ત્યારે યુએસએસઆર સાથે બદલો લેવાની અમેરિકાની વ્યૂહરચનામાં પાકિસ્તાન યુએસનું સાથી બન્યું.
સોવિયેત સૈનિકો હટ્યા પછી અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધનાં પરિણામોનો સામનો કરવાનું પાકિસ્તાનના માથે આવ્યું.

૯/૧૧ના પગલે પાકિસ્તાન ફરી એક વાર આતંકવાદ સામેના યુદ્ધમાં અમેરિકાનું ભાગીદાર બન્યું અને રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફ યુએસ પ્રમુખ બુશના સારા મિત્ર બની ગયા. ૯/૧૧ની ઘટના બાદ અમેરિકા માટે એશિયા, ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિદેશનીતિમાં ખૂબ મહત્ત્વનાં રાષ્ટ્રો બની ગયાં. ગયા વર્ષે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન દળોને પાછાં ખેંચી લેવાના પ્રમુખ જો બિડેનના નિર્ણય અને કાબુલમાં તાલિબાન સત્તા પર પાછા ફરવાથી યુએસ-પાકિસ્તાન સંબંધો એક મહત્ત્વપૂર્ણ વળાંક પર આવ્યા.

ટ્રમ્પની દક્ષિણ એશિયા વ્યૂહરચનાનો સાર અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા, પાકિસ્તાન પર સખત કાર્યવાહી કરવા અને ભારત સાથે જોડાણ કરવા પર કેન્દ્રિત જણાય છે. આતંકવાદ સામેની અમેરિકાની લડત અને અલ કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીની તાજેતરની હત્યા, અમેરિકાની દક્ષિણ એશિયા વ્યૂહરચનામાં પાકિસ્તાનની અનિવાર્ય ભૂમિકાને છતી કરે છે. બાઈડેન પ્રશાસને પાકિસ્તાનમાં તાજેતરમાં આવેલા પૂરની સ્થિતિમાં મદદ માટે ૩૦ મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી અને વધુ મદદ આપવાની તૈયારી પણ દર્શાવી. ઉપરાંત અમેરિકા ૧૬૦ મિલિયન ડોલર એકત્ર કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સાથે પણ કામ કરી રહ્યું છે.

પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધો, ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિમાં ભારત માટે સાનુકૂળ નથી. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર આવવાને પરિણામે ભારતના હિતોને અમુક અંશે નુકસાન થયું છે ત્યારે ભારત માટે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે સંબંધો વિકસે એ લાભકારક નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે પાકિસ્તાન હવે દક્ષિણ એશિયાના દેશો ખાસ કરીને અફઘાનિસ્તાન સાથે સંબંધો વિકસાવવા પ્રયાસ કરી રહ્યું છે.

જો કે પાકિસ્તાને અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને ઔપચારિક રીતે માન્યતા આપવાની ઉતાવળ નથી કરી પરંતુ ચીન, રશિયા, ઈરાન અને મધ્ય એશિયાના દેશો જેવી સમાન નીતિ અપનાવવાનું પસંદ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સંબંધોનો મૂળભૂત સિદ્ધાંત છે કે દેશો વચ્ચેના પરસ્પર સંબંધો હંમેશા સ્વ-હિત અને ફાયદાના આધારે સ્થાપિત થાય છે. તાળી એક હાથથી વાગતી નથી. પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના પરસ્પર સંબંધો પણ આમાં અપવાદ નથી, તે હંમેશા હિતોના આધારે બાંધવામાં આવ્યા છે. ભવિષ્યમાં પણ બંને દેશો પોતાના હિતોને ધ્યાનમાં રાખીને આગળ વધશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top