આપણા દેશના બંધારણે દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે, પણ સરકારની ગરીબવિરોધી નીતિઓનો વિરોધ કરનારા વિચારકોને દેશદ્રોહી કે નકસલવાદી ગણીને જેલમાં નાખી દેવામાં આવે છે. ભારતના બંધારણમાં કે કાયદાપોથીમાં ‘અર્બન નક્સલ’(શહેરી નકસલવાદી) જેવો કોઈ શબ્દ નથી; પણ આપણી સરકાર અને પોલીસ શહેરમાં લઈને શોષણખોરો સામે બૌદ્ધિક લડાઈ લડનારા પત્રકારોને અને પ્રોફેસરોને અર્બન નક્સલનું લેબલ લગાવીને જેલમાં ધકેલી દે છે. આવા બૌદ્ધિકોમાં દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર જી.એન. સાઈબાબાનો અને તેમના પાંચ સાથીદારોનો સમાવેશ થાય છે.
૨૦૧૭માં મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાની સેશન્સ કોર્ટે સાઈબાબા તેમ જ તેમના પાંચ સાથીદારોને માઓવાદીઓને સહાય કરવાના આરોપ હેઠળ જન્મટીપની સજા કરી હતી. આ પાંચ સાથીદારોમાં એક પત્રકાર હતો તો એક દિલ્હી યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો. પાંચ વર્ષ જેલની યાતના સહન કર્યા પછી બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે તેમને નિર્દોષ ઠરાવી મુક્ત કર્યા છે. પ્રોફેસર સાઈબાબા અને તેમના સાથીદારો મુક્ત થતાં મહારાષ્ટ્ર સરકારને એવો આંચકો લાગ્યો છે કે તેણે નાગપુર બેન્ચનો આદેશ સ્થગિત કરાવવા તાત્કાલિક સુપ્રિમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટીશન કરી છે. જો કે સુપ્રિમ કોર્ટે તાત્કાલિક કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો છે.
સુપ્રિમ કોર્ટના આ કેસ ઉપર આખા ભારતના બૌદ્ધિકોનું ધ્યાન આકર્ષિત થયું છે. આંધ્ર પ્રદેશના અમલાપુરમ નગરના એક ગરીબ પરિવારમાં જન્મેલા સાઈબાબાની જિંદગી કોઈ ફિલ્મી કહાણી જેવી છે. તેમના પિતા પાસે ત્રણ એકર જમીન હતી, પણ સાઈબાબા ૧૦ વર્ષના થયા ત્યારે તે જમીન નાણાં ધીરનારની માલિકીની બની ગઈ હતી. સાઈબાબા પાંચ વર્ષની ઉંમરે પોલિયોનો શિકાર બન્યા, જેને કારણે તેમનો કમ્મર નીચેનો ભાગ નકામો થઈ ગયો હતો. આવી પરિસ્થિતિમાં પણ ભણીને તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં ઇંગ્લીશના પ્રોફેસર બન્યા હતા.
સાઈબાબા નાના હતા ત્યારથી ગરીબ કિસાનો અને મજૂરો પર જમીનદારો તેમ જ સરકારી અધિકારીઓ દ્વારા થતાં અત્યાચારો જોતા આવ્યા હતા. તેને કારણે સરકારની ખાસ કરીને બસ્તરના વનવાસીઓ માટેની નીતિના ટીકાકાર બની ગયા હતા. બસ્તરમાં સરકારે વનવાસીઓને કચડવા સ્થાનિક યુવાનોનું સલવા જુડામ નામનું દળ ઊભું કર્યું હતું, જેને હથિયારો પણ આપવામાં આવ્યાં હતાં. વનવાસીઓ સામે વનવાસીઓને લડાવી મારવાની સરકારની નીતિના સાઈબાબા પ્રખર વિરોધી હતા. તેમણે તેની વિરુદ્ધમાં કવિતાઓ લખી હતી અને તેમના લેખો પ્રતિષ્ઠિત અખબારોમાં પણ છપાતા હતા.
સરકાર દ્વારા તેમના વિચારો સહન થતા નહોતા, માટે તેમના પર અર્બન નક્સલનું લેબલ મારી દેવામાં આવ્યું હતું. સાઈબાબાએ પોતાની પુત્રી પર અને તેના શિક્ષક પર કેટલાક પત્રો લખ્યા હતા, જેમાં આ અન્યાયી વ્યવસ્થા સામે લડવાની વાત કરવામાં આવી હતી. આવા કેટલાક પત્રો અને કાવ્યોનો સંગ્રહ તેમના કોમ્પ્યુટરમાં કરવામાં આવ્યો હતો. તેને નિમિત્ત બનાવીને મહારાષ્ટ્રની પોલીસ દ્વારા તેમની સામે યુએપીએ કાયદા હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.
૨૦૧૪ની ૯મી મે ના રોજ પ્રોફેસર સાઈબાબા કોલેજમાં લેક્ચર આપીને કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે મહારાષ્ટ્રની પોલીસ દિલ્હીમાં ધસી આવી હતી અને તેણે કારમાંથી વ્હિલચેર ખેંચી કાઢીને સાઈબાબાની ધરપકડ કરી હતી. તેમની વ્હિલચેર તોડી નાખવામાં આવી હતી. પોલીસની સખતાઈને કારણે તેમના ડાબા હાથમાં ઇજા થઈ હતી. પાછળથી તેમાં ચેપ લાગ્યો હતો. તેમના બંને હાથ નકામા થઈ ગયા હતા.
તેમને વિમાનમાં નાગપુર લઈ જવામાં આવ્યા હતા અને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમની સામે દેશ સામે યુદ્ધ કરવાના આરોપો મૂકવામાં આવ્યા હતા. તેમના શરીરના ૯૦ ટકા અંગો કામ કરતાં બંધ થઈ ગયાં હતાં, તેમ છતાં સરકારને લાગતું હતું કે જો તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવશે તો તેઓ દેશ સામેના યુદ્ધમાં આગળ વધશે. યુએપીએ કાયદા હેઠળ તેમને ૨૦૧૭માં ગુનેગાર ઠેરવીને સેશન્સ કોર્ટ દ્વારા જન્મટીપની સજા કરવામાં આવી હતી.
સાઈબાબાની ધરપકડ કરવામાં આવી તે પછી દિલ્હીની રામલાલ કોલેજે તેમને સસ્પેન્ડ કર્યા હતા અને તેમનો અડધો પગાર ચાલુ રાખવામાં આવ્યો હતો. ૨૦૨૧માં તો તેમને નોકરીમાંથી જ કાઢી મૂકવામાં આવ્યા હતા. ૨૦૧૪માં તેમની ધરપકડ થઈ તે પછી તેમને ૨૦૧૫ના જુલાઈમાં સુપ્રિમ કોર્ટથી જામીન મળી ગયા હતા, પણ ડિસેમ્બરમાં ફરી ધરપકડ થઈ હતી. ૨૦૧૬માં તેમને ફરી જામીન મળ્યા હતા, પણ ૨૦૧૭ના ચુકાદા પછી તેમણે પાંચ વર્ષ જેલમાં જ ગાળ્યાં હતાં.
બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચ દ્વારા સાઈબાબાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા તે પછી કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કર્યું હતું કે ‘‘વ્હિલચેરમાં બેઠેલા પ્રોફેસર સાઈબાબા પાંચ વર્ષ પછી જેલમુક્ત થયા તે સૂચવે છે કે વડા પ્રધાનની બ્રિગેડ દ્વારા જે અર્બન નક્સલની છાપ ઊભી કરવામાં આવી છે તે તદ્દન બોગસ છે. હજુ ઘણાં લોકો આવા આરોપ હેઠળ જેલમાં છે. આ રીતે લોકોને બદનામ કરવાની પદ્ધતિનો વિરોધ કરવો જોઈએ. જો વડા પ્રધાન મને પણ અર્બન નક્સલ જાહેર કરશે તો મને જરા પણ આશ્ચર્ય થશે નહીં.’’ભાજપ સરકાર દ્વારા આશરે એક ડઝનથી વધુ બૌદ્ધિકોને અર્બન નક્સલ ઠરાવીને વિવિધ કેસો હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
૨૦૧૭ના ડિસેમ્બરમાં મહારાષ્ટ્રમાં પુણે નજીક આવેલા ભીમા-કોરેગાંવમાં બૌદ્ધિકોની યેલગર પરિષદ ભરાઈ હતી, જેમાં દેશભરના સરકારવિરોધી તત્ત્વો એકઠા થયાં હતાં. તેમાં ગુજરાતના જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ જેવા યુવાનો પણ સામેલ હતા. ભીમા-કોરેગાંવમાં બ્રિટીશ સૈન્ય વતી પેશવાઓ સામે લડનારા દલિત સિપાહીઓનું સ્મારક આવ્યું છે, જ્યાં દર વર્ષે ૩૧મી ડિસેમ્બરે દલિતો ભેગા થાય છે અને પોતાના બ્રાહ્મણો પરના વિજયની ઉજવણી કરે છે. ૨૦૧૭માં આ વિજયની શતાબ્દી હોવાથી દલિતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. વક્તાઓ દ્વારા તેમને ઉશ્કેરવામાં આવ્યા હતા, જેને પગલે હિંસા ફાટી નીકળી હતી. આ હિંસાના પગલે મહારાષ્ટ્ર સરકાર દ્વારા યેલગાર પરિષદમાં સામેલ તમામ બૌદ્ધિકો સામે કેસો કરવામાં આવ્યા હતા.
ભાજપ દ્વારા હવે સરકારનો વિરોધ કરનાર કોઈ પણ વ્યક્તિને અર્બન નક્સલનું લેબલ મારી દેવામાં આવે છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ભાજપવિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે, તેમના પર પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અર્બન નક્સલનું લેબલ મારી દેવામાં આવ્યું છે. એકાદ મહિના પહેલાં ભુજની જાહેર સભામાં બોલતા વડા પ્રધાને કહ્યું હતું કે ‘‘અર્બન નક્સલો હવે નવા સ્વરૂપે ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે.
તેમણે તેમનો વેશ બદલ્યો છે. તેઓ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓ વિદેશી સત્તાના દલાલો છે. ગુજરાત જ્યારે કટોકટીમાંથી પસાર થતું હતું ત્યારે તેમણે ગુજરાતનો વિકાસ રૂંધવાના પ્રયાસો કર્યા હતા.’’મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફોડ પાડીને કહ્યું હતું કે ‘‘વડા પ્રધાન મેધા પાટકરની વાત કરી રહ્યા છે, જેણે નર્મદા યોજનાને રોકવાના પ્રયાસો કર્યા હતા. આમ આદમી પાર્ટીએ તેમને લોકસભાની ટિકિટ આપી હતી.’’હવે સાઈબાબાની મુક્તિને કારણે ભાજપના આવા પ્રચાર સામે પડકાર ઊભો થઈ ગયો છે.