National

કેદારનાથમાં એરલિફ્ટ કરતી વખતે હેલિકોપ્ટર અચાનક જમીન પર પડ્યું, ઘટનાનો લાઈવ વીડિયો આવ્યો સામે

નવી દિલ્હીઃ કેદારનાથમાં મોટી દુર્ઘટના બની છે. આજે શનિવારે તા. 31 ઓગસ્ટની સવારે એક ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરને રિપેરિંગ માટે એરલિફ્ટ કરી બીજા હેલિકોપ્ટર દ્વારા લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક હેલિકોપ્ટર નીચે જમીન પર પડી નષ્ટ થયું હતું.

ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલિકોપ્ટરને 24 મે, 2024ના રોજ કેદારનાથ ધામમાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામીનો સામનો કરવો પડ્યો હતો, જેને એરફોર્સના Mi-17 હેલિકોપ્ટર દ્વારા ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવામાં આવી રહ્યું હતું. શનિવારે સવારે જ્યારે આ હેલીકોપ્ટરને એરસ્ટ્રીપ પર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે તે ક્રેશ થઈ ગયું હતું.

આ અગાઉ તા. 24 મે, 2024ના રોજ ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલિકોપ્ટરે ટેક્નિકલ ખામીના કારણે કેદારનાથ હેલિપેડ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ત્યારે પાયલોટની બુદ્ધિમત્તાના કારણે હેલિકોપ્ટરને કોઈક રીતે સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

આ હેલિકોપ્ટરને રિપેર કરવા માટે એરફોર્સના Mi-17 હેલિકોપ્ટર દ્વારા હેલિકોપ્ટરને ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવામાં આવી રહ્યું હતું. હેલિકોપ્ટરને શનિવારે સવારે લગભગ 7 વાગે MI-17 પરથી લટકાવીને ગૌચર લઈ જવાનો પ્લાન હતો. જ્યારે Mi-17 હેલિકોપ્ટર થોડું આગળ વધ્યું તો પવનની અસર અને હેલિકોપ્ટરના વજનના કારણે તેનું સંતુલન બગડવા લાગ્યું. આ કારણોસર ખતરાની જાણ થતાં પાયલોટે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે થારુ કેમ્પની નજીક એક ખાલી જગ્યાએ હેલીકોપ્ટર છોડી દીધું હતું.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી
દુર્ઘટના બની તે સમયે હેલિકોપ્ટરમાં કોઈ મુસાફરો કે સામાન ન હતો. માહિતી મળ્યા બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેએ પુષ્ટિ કરી છે કે કોઈ જાનહાનિ થઈ નથી અને આ ઘટના વિશે કોઈપણ પ્રકારની અફવા ફેલાવવાનું ટાળવા અપીલ કરી છે.

Most Popular

To Top